Dakshin Gujarat

દમણથી પરત ફરતા કલસર ચેકપોસ્ટ પાસે પોલીસને જોઇને બુટલેગરે રોંગ સાઈડ બાઈક હંકારી અને બન્યું આવું..

પારડી: (Pardi) પારડી તાલુકાના સારણ ગામમાં રહેતો જીગર પ્રકાશ પટેલ નવો મોબાઈલ (Mobile) ફોન લેવા માટે બાજુમાં રહેતા મિત્ર ગણેશ મોતીલાલ પટેલ સાથે પોતાની મોપેડ લઈને દમણ જવા નીકળ્યા હતા. ત્યારે એક બાઈક ચાલક દમણથી એક બેગમાં દારૂનો જથ્થો ભરી કલસર પાટલિયા ચેકપોસ્ટ પર ધસી આવી રહ્યો હતો. જ્યાં તેણે પોલીસ ચેકીંગ જોતા પોલીસથી બચવા બાઇકને રોંગ સાઇડે પૂરઝડપે હંકારી મૂકી હતી.

દરમિયાન બુટલેગરે દમણ મોબાઈલ લેવા જતાં બે યુવકની મોપેડને સામેથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને વાહન પર સવાર ત્રણેયને ગંભીર ઈજા પહોંચી હતી. જીગર અને ગણેશને કીકરલાના સરપંચે પોતાની ગાડીમાં બેસાડી ઉદવાડા શાંતિ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યાં તેના માથાના ભાગે ટાંકા આવ્યા હતા. જોકે, બીજી તરફ બાઇક ચાલક બુટલેગરને 108 એમ્બુલન્સ મારફતે પારડીની એક હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પોલીસે તપાસ કરતા બાઇક સવારના થેલામાંથી વિદેશી દારૂની બોટલ નંગ 18 જેની કિં.રૂ.9000નો જથ્થો મળી આવ્યો હતો. આ બાબતે મોપેડ ચાલક જીગરે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

વાપીના મોરાઈમાં પીકઅપમાંથી રૂપિયા 1.34 લાખનો દારૂ ઝડપાયો
વાપી : વાપી મોરાઈથી પીકઅપમાંથી રૂપિયા 1.34 લાખનો દારૂ જથ્થો ટાઉન પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે પીકઅપચાલક ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. વાહન તથા દારૂનો જથ્થો મળી કુલ રૂ.6,34,400નો મુદ્દામાલ પોલીસે કબજે કરી અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વાપી ટાઉન પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમી આધારે મોરાઈ ગામ પાસે વોચ ગોઠવી હતી અને વર્ણવેલો પીકઅપ નં. જીજે-19 વાય-5766 આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કરતા જ પીકઅપ ચાલક વાહન ઉભુ રાખી ઝાડીઓમાંથી ભાગી છૂટ્યો હતો. પોલીસે પીકઅપને ચેક કરતા તેમાંથી દારૂ-બીયરનો જથ્થો મળ્યો હતો. પીકઅપ વાહનની કિંમત 5 લાખ, દારૂની કિંમત 1,34,400 આંકી અજાણ્યા વાહનચાલક સામે વાપી ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top