Dakshin Gujarat

દમણથી ટેમ્પોમાં પ્લાસ્ટિકની બેગ નીચે સંતાડીને સુરત લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો

વાપી: (Vapi) દમણથી આઈસર ટેમ્પોમાં પીળા કલરની કેમિકલ પાવડરની પ્લાસ્ટિકની બેગ નીચે સંતાડીને સુરત લઈ જવાતો ૬.૪૮ લાખનો ૩૨૫૨ બોટલ દારૂનો (Liquor) મોટો જથ્થો બલીઠામાં વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો હતો. ટેમ્પોના ડ્રાઈવરની પ્રાથમિક પૂછપરછ કરતા દમણથી દારૂ (Alcohol) ભરાવીને સુરતના સચિનમાં દારૂ લઈ જવાતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે દારૂ ભરાવનાર તેમજ દારૂ મંગાવનાર સહિત ત્રણ શખ્સો તથા ટેમ્પો ડ્રાઈવર સામે વાપી ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • દમણથી ટેમ્પોમાં કેમિકલ પાવડરની પ્લાસ્ટિકની બેગ નીચે સંતાડીને સુરત લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો
  • ૬.૪૮ લાખના દારૂ સાથે કુલ ૩૯.૨૭ લાખનો મુદ્દામાલ પકડી પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી

વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.બી.બારડના માર્ગદર્શનમાં તેમની ટીમે બાતમીના આધારે બલીઠામાં દમણથી દારૂ ભરીને આવતા ટેમ્પોને રોકીને તપાસ કરતા ટેમ્પોની અંદર ૩૬૦ પીળા કલરની કેમિકલ પાઉડર ભરેલી પ્લાસ્ટિકની બેગ ભરી હતી. જેની નીચે ૧૪૧ બોક્સ દારૂના મળી આવ્યા હતા. જેમાં બાટલી તેમજ ટીન મળીને કુલ ૩૨૫૨ બોટલો મળી આવી હતી. આ દારૂની કિંમત રૂપિયા ૬,૪૮,૦૦૦ બતાવવામાં આવે છે. જ્યારે આઈસર ટેમ્પોની કિંમત ૮ લાખ તથા પ્લાસ્ટિકની બેગમાં ભરેલા કેમિકલ પાવડરના બિલ્ટી પ્રમાણે રૂપિયા ૨૪,૭૪,૪૬૦ બતાવવામાં આવે છે. તેમજ ફોન સહિતનો કુલ રૂપિયા ૩૯,૨૭,૪૬૦નો મુદ્દામાલ કબજે લઈ પોલીસે ટેમ્પો ડ્રાઈવર વાપી હરિયાપાર્ક નક્ષત્ર પેલેસમાં રહેતા સુરજ સહાદુર યાદવ, દમણમાં રહેતા સમરુદ્દીન સીદ્દીકી, દમણમાં રહેતા ઈકબાલ તથા સુરત રહેતા સબ્બીર ખાન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

૨૫ હજાર ભાડાની લાલચમાં ડ્રાઈવર ભેરવાયો
દમણના હાટીયાવાડમાં ટેમ્પો ડ્રાઈવર સુરજ યાદવને તેના પરિચિત સમરુદ્દીન સીદ્દીકીએ ટેમ્પોના માલની સાથે સંતાડીને સુરત સુધી દારૂ પહોંચાડવા માટે ૨૫ હજાર રૂપિયા દરેક ટ્રીપના આપવા જણાવ્યું હતું. જેની લાલચમાં ડ્રાઈવરે દારૂ સુરત સુધી પહોંચાડવાની તૈયારી બતાવી હતી. દમણ પેટ્રોલ પંપ ઉપર ટેમ્પો સમરુદ્દીનનો માણસ ઈકબાલ લઈ જઈને બેગની નીચે દારૂનો જથ્થો ભરાવી આવ્યો હતો. તેમજ સુરત નજીક સચિન જીઆઈડીસીના બીજા ગેટ પાસે પહોંચે ત્યારે સબ્બીરખાનને ફોન કરવા માટે સમરુદ્દીને ડ્રાઈવર સુરજને જણાવ્યું હતું. જોકે દમણથી બલીઠા નેશનલ હાઈવે ઉપર પહોંચતા જ સામે એલસીબીની ટીમે તેને ઝડપી લીધો હતો.

Most Popular

To Top