Madhya Gujarat

ડાકોર પાલિકા ખાડે ગઇ, નગરમાં ઠેર ઠેર ખાડા

ડાકોર: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં બસસ્ટેન્ડથી ગણેશ સિનેમા સુધીના માર્ગ ઉપર 100 કરતાં વધુ ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે. આ ઉપરાંત નગરના અન્ય મુખ્ય માર્ગો ઉપર પણ અસંખ્ય ખાડાઓ પડી ગયાં છે. જેને પગલે નગરજનો તેમજ શ્રધ્ધાળુઓને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે. તેમછતાં ભ્રષ્ટ અને નઘરોળ તંત્ર દ્વારા માર્ગ પરના ખાડા પુરવાની તસ્દી લેવામાં આવતી નથી. જેને પગલે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં રોડ-રસ્તા બનાવવા માટે રાજ્ય સરકાર તરફથી મસમોટી ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવે છે. પાલિકા દ્વારા આ ગ્રાન્ટમાંથી નાના-મોટા રોડ-રસ્તાં બનાવવામાં તો આવે છે. પરંતુ, આ કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાથી રોડ-રસ્તાં ગણતરીના મહિનાઓમાં જ બિસ્માર હાલતમાં ફેરવાય જાય છે. એમાંય વળી ચોમાસાના એકાદ બે વરસાદમાં તો મોટાભાગના રોડ-રસ્તાં ધોવાઈ જતાં હોય છે. આ વખતે પણ ચોમાસામાં પ્રથમ વરસાદમાં મોટાભાગના રસ્તાં ધોવાઈ ગયાં હતાં. જેને પગલે નગરના મુખ્ય માર્ગો ઉપર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.

એસ.ટી બસસ્ટેન્ડથી ગાંધીજીની પ્રતિમા સુધી તેમજ ગાંધીજીની પ્રતિમાથી નિપુલ પટેલ માર્ગ અને ગણેશ સિનેમા તરફ જવાના માર્ગ ઉપર અંદાજે 100 કરતાં વધુ નાના-મોટા ખાડાઓ પડી ગયાં છે. જેને પગલે આ માર્ગ પરથી પસાર થતાં વાહનો ખાડાઓમાં પટકાવવાના બનાવો તેમજ રાહદારીઓના પગ મચકોડાઈ જવાના બનાવો દરરોજ બની રહ્યાં છે. હાલ, ચોમાસાને પગલે માર્ગ પરના ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયાં છે. જેને પગલે રાહદારીઓ માર્ગ પર ભરાયેલાં પાણી ડહોળીને અવરજવર કરવા મજબુર બન્યાં છે. માર્ગ પરથી પસાર થતાં વાહનો ખાડામાં પટકાય ત્યારે, ગંદા પાણીના છાંટા ઉડવાથી રાહદારીઓના કપડાં બગડી રહ્યાં છે.

સ્કુલે જતાં બાળકો તેમજ દર્શન કરવા આવેલાં શ્રધ્ધાળુઓના કપડાં ગંદા થવાથી ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ મામલે જાગૃત નાગરીકો દ્વારા પાલિકામાં અનેકોવાર રજુઆતો કરવામાં આવી છે. પરંતુ, પાલિકાતંત્ર દ્વારા માર્ગ પરના ખાડા પુરવાની તસ્દી લેતું ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડાકોરના સુપ્રસિધ્ધ શ્રી રણછોડરાયજી મંદિરમાં આગામી પુનમ તેમજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વ દરમિયાન લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડવાની સંભાવના છે. ત્યારે, પાલિકા તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી જાગીને વહેલીતકે નગરના મુખ્ય માર્ગો પરના તમામ ખાડા પુરવાની કામગીરી કરે તે જરૂરી છે.

ખાડા પુરવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન કરીશું – સ્થાનિક
સ્થાનિક રહેવાસી રાજેશભાઈ દરબાર જણાવે છે કે, ડાકોર નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુનની કામગીરી કરવામાં આવી નથી. નગરપાલિકા દ્વારા જો વહેલીતકે ખાડા પુરવામાં નહિ આવે તો અમો નગરપાલિકામાં ઉપવાસ આંદોલન શરૂ કરીશું.
વહેલીતકે ખાડા પુરાવી દઈશું – ચીફ ઓફિસર
આ બાબતે ડાકોર નગરપાલિકાના ચીફ ઓફીસર ચંન્દ્રકાંત દેસાઇ સાથે ટેલીફોનીક વાત કરતા તેવો જણાવે છે કે, હું આજે બહાર છું, પણ ડાકોર નગરપાલિકામાં જણાવી દઇને વહેલી તકે ખાડા પુરાવી દઈશું.

Most Popular

To Top