Comments

કટકીનો ખૂલ્યો કારોબાર: કેટલાં મોંએ ક્યાં લગી તાળાં લાગશે?

વગર પનોતીએ ગુજરાત સરકારની માઠી દશા બેઠી છે. નવી સરકાર માંડ હજુ ઠરીઠામ થાય ત્યાં એની સામે નવા–અવનવા પડકારો આવી રહ્યા છે. બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાનું કોણ જાણે કેમનું મુહૂર્ત નીકળ્યું હશે તે સરકારનું ઠેકાણું પડતું નથી. રાજ્ય સરકાર હસ્તકના ગૌણ સેવા પસંદગી મંડળ આયોજિત બિનસચિવાલય વિભાગના ક્લાર્કની પરીક્ષાનાં પેપર ફૂટતાં એ પરીક્ષા મોકૂફ રાખવાની નાલેશી સરકારે વહોરવી પડી. એના લોહીઉકાળા થોડા ઠંડા પડ્યા ત્યાં સરકારી બોર્ડ-નિગમોના પદાધિકારીઓનાં રાજીનામાં લખાવી લેવાયાં. ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષનું પણ આખરે રાજીનામું પડ્યું, પરંતુ બિનસચિવાલય વિભાગના ક્લાર્કની પરીક્ષાનું ઠેકાણું ન પડ્યું.

૧૦ લાખ જેટલાં પરીક્ષાર્થીઓને સ્પર્શતી આ બાબત છે એટલે રાજ્યમાં તેનો ખાસ્સો ચણભણાટ ચાલી રહ્યો છે. આમાં હજુ કંઇ બાકી રહી જતું હશે એટલે રાજ્યના ભૂતપૂર્વ મંત્રી અને રાજકોટ-દક્ષિણ મતવિસ્તારના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે કચકચાવીને પત્રબોમ્બ ઝીંક્યો અને તેમ પોલીસ તંત્ર દ્વારા ખુલ્લેઆમ રૂપિયાવ્યવહાર ચાલતો હોવાનો પર્દાફાશ કર્યો. ગોવિંદ પટેલના ગૃહમંત્રીને પત્ર મોકલતા સમગ્ર રાજકારણ અને પોલીસ બેડામાં સોપો પડી ગયો છે. પરંતુ અહીં રાજકારણની અને રાજકોટના આંતરિક જૂથવાદની ચરમસીમા આવી ગઈ છે. જો કે એવું પણ ચર્ચાય છે કે લાગતાવળગતા આગેવાનોને પૂછ્યા વગર આ લેટરબોમ્બ ફૂટે નહીં.

માજી મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટના પોલીસ અધિકારી હોવાથી રાજકીય તણખા પણ ઝર્યા. પ્રદેશ પ્રમુખ અને માજી સીએમને જોઇએ એવું બહુ બનતું નહીં હોવાથી ઉપરોક્ત પત્રબોમ્બથી વધુ ધુમાડો નીકળ્યો. સત્તાધારી ભાજપમાંની જૂથબંધી પ્રકાશમાં આવી. રાજકોટના પોલીસ અધિકારી સામે ભૂતકાળમાં પણ એક સાંસદે નાણાંકીય ગરબડોના મામલે આંગળીઓ ચીંધી હતી. આથી લોકોમાં એવો મેસેજ ગયેલો છે કે માજી મુખ્યમંત્રીના હોમટાઉનમાં જ ગરબડો શા માટે? વાત માત્ર રાજકોટ પૂરતી કે માત્ર પોલીસબેડા પૂરતી જ મર્યાદિત નહીં હોવાનું હવે ઉજાગર થઇ રહ્યું છે. જેને લીધે સત્તાધારી ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાનો નવો મુદ્દો સામી ચૂંટણીએ પ્રકાશમાં આવતો જઇ રહ્યો છે, જે ભાજપને સ્વાભાવિક રીતે નુકસાન પહોંચાડી રહ્યો છે. ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાના વિરોધ પક્ષોના આક્ષેપોને આવી પત્રબોમ્બની ઘટનાઓ નવું બળ આપી રહી છે.

   રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના લેટરબોમ્બ બાદ તપાસનીશ અધિકારી દ્વારા સતત 8 કલાક સુધી ફરિયાદી તેમજ સાક્ષીના નિવેદન નોંધાવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજકોટ પોલીસ કમિશનર સહિત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ વિરુદ્ધ થયેલા આક્ષેપો મામલે મુખ્ય ફરિયાદીઓનાં નિવેદનો નોંધવામાં આવ્યાં હતાં. આમાં સવાલ ભ્રષ્ટાચાર કરતાં તેને માટે થયેલા આક્ષેપોનો છે. કારણ કે આવા પ્રકારના આક્ષેપો જ્યારે પણ થતા હોય છે, ત્યારે એમાં શું તથ્ય છે એના કરતાં આક્ષેપ થવા એનું જ મહત્ત્વ વધી જાય છે. કેટલાક હોદ્દા એવા હોય છે, જેના પર બિરાજમાન વ્યક્તિ પર આક્ષેપ થવા એટલે તેના આખા તંત્ર અને લાગતાવળગતા તમામની સામે આંગળી ચીંધવાપણું આવી જાય છે.

રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના લેટરબોમ્બે ગુજરાત ભાજપને અંદરથી હચમચાવી નાખ્યો છે.તેમાંય માજી મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં જ જાણે સઘળી ગરબડોએ ઘો ઘાલી હોવાના સીન ઊભા થયેલા છે.રાજકોટ ભાજપનાં મહિલા મોરચાનાં અધ્યક્ષાએ પણ આંતરિક વિખવાદના મામલે રાજીનામું આપતાં નવી સખળડખળ બહાર આવી છે. રાજકોટ ભાજપનાં મહિલા મોરચાનાં અધ્યક્ષાના સમર્થનમાં રાજ્યના માજી કેબિનેટ મંત્રી અને વગદાર કોળી સમાજના આગેવાન કુંવરજીભાઇ બાવળિયા મેદાનમાં આવતાં વળી નવો વળાંક આવ્યો છે. બાવળિયા તો રૂપાણી સરકારને આખેઆખી ઘરે કાઢવામાં આવી, તેના કેબિનેટ મંત્રી હતા. મંત્રીપદેથી રાજીનામું આપવામાં કચવાઇ રહેલા કેટલાક મંત્રીઓ પૈકીના એક કુંવરજીભાઇ પણ હતા.

જો કે નવી દિલ્હીના તાપ(ગરમી)ના કારણે તેમના જેવા કંઇક નેતાઓ ગુજરાત ભાજપમાં આજકાલ ચુપચાપ બેઠેલા છે. પરંતુ સમય આવ્યે તેઓ પોતાનો ઉકળાટ ઠાલવ્યા વિના રહેતા નથી. રાજકોટ ભાજપનાં મહિલા મોરચાનાં અધ્યક્ષાના સમર્થનમાં કુંવરજીભાઇએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને પત્ર લખીને પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરતાં રાજકોટ ભાજપની વધુ એક બાબત સપાટી પર આવી છે. કુંવરજીભાઇ પોતાના સમુદાયના સશક્ત નેતા છે. જો કે ભાજપે આગોતરી રીતે જ સુરેન્દ્રનગર જિલ્લાના કોળી આગેવાન ડો. મહેન્દ્રભાઇ મુંજપરાને કેન્દ્રીય મંત્રીમંડળમાં લઇને કોળી સમાજના પ્રતિનિધિત્વને બેલેન્સ કરવાની એડવાન્સ કોશિશ કરેલી છે, પરંતુ કુંવરજીભાઇ વધુ મજબૂત જનાધાર ધરાવતા નેતા છે. હવે વાત આમઆદમી પાર્ટીની. અરવિંદ કેજરીવાલના વડપણ હેઠળની આમઆદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં આમ તો નરેન્દ્રભાઇ ગજરાતના મુખ્યમંત્રીપદે હતા ત્યારથી ઝુકાવ્યું હતું પરંતુ ખાસ્સાં વર્ષો સુધી અહીં એની દાઢ ગળી નહીં.

૨૦૨૧ માં યોજાયેલી રાજ્યનાં શહેરોની મહાપાલિકાઓની ચૂંટણીમાં આમઆદમી પાર્ટીએ મોટા પ્રમાણમાં મેદાનમાં ઊતરીને પોતાની હાજરીની નોંધ લેવડાવી હતી. એમાં પાટીદાર ફેક્ટરને સ્પર્શ કરવાની પણ એણે સફળ ચેષ્ટા કરી જોઇ. સુરત મહાનગરપાલિકામાં તેના ૨૨ કોર્પોરેટર ચૂંટાતાં તેનો કોન્ફિડન્સ વધી ગયો. અનેક સામાજિક આગેવાનો પણ તેની નજીક આવતાં રાજ્યની ૨૦૨૨ ની ચૂંટણીમાં મોટું કાઠું કાઢવાની તેની મહત્ત્વાકાંક્ષાઓ વધુ જાગૃત થઇ ઊઠી. પરંતુ ગુજરાત ભાજપે અત્યંત વ્યૂહાત્મક રીતે આમઆદમી પાર્ટી સાથે રાજકીય ખેલ ખેલ્યો. મહેશભાઇ સવાણી આમઆદમી પાર્ટીથી છૂટા પડી જતાં પાર્ટીને મોટો ઝટકો મળ્યો. એ પછી સુરતના આમઆદમી પાર્ટીના આઠ કોર્પોરેટરો છેક ગાંધીનગરમાં કલમમાં જઇને કેસરિયો ખેસ પહેરી આવતાં પાર્ટીને મોટો ઝટકો લાગ્યો. કહે છે કે હજુ પણ વધુ કોર્પોરેટરો કેસરિયો ખેસ પહેરવાની લાઇન લગાડીને ઊભેલા છે. સુરત મહાપાલિકામાં પક્ષાંતરવિરોધી ધારાની ઝપટમાં ન અવાય એ રીતે હજુ નવા ખેલ પાડવાનાં આયોજનો ગોઠવાયાં હોવાની વાતો વહેતી થઇ રહેલી છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top