Sports

સનરાઇઝર્સને હરાવી સીએસકેનો સતત પાંચમો વિજય

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આજે અહીં રમાયેલી 23મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે મનિષ પાંડે અને કેપ્ટન ડેવિડ વોર્નરની અર્ધસદી ઉપરાંત બંને વચ્ચેની શતકીય ભાગીદારી ઉપરાંત અંતિમ બે ઓવરમાં કેન વિલિયમ્સન અને કેદાર જાદવે ફટકારેલા 33 રનની મદદથી મુકેલા 172 રનના લક્ષ્યાંકને સીએસકેએ 3 વિકેટના ભોગે 18.3 ઓવરમાં કબજે કરી લઇને મેચ 7 વિકેટે જીતી હતી.

ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિની જોડીએ સીએસકેને જોરદાર શરૂઆત અપાવી હતી અને બંનેએ મળીને 13 ઓવરમાં 129 રનની ભાગીદારી કરીને સીએસકેના રનચેઝને સરળ બનાવી દીધો હતો. ગાયકવાડ 44 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 75 રન કરીને આઉટ થયો ત્યારે સ્કોર 1 વિકેટે 129 રન હતો. તે પછી રાશિદે એક જ ઓવરમાં મોઇન અલી અને ડુ પ્લેસિની વિકેટ ખેરવતાં સીએસકેનો સ્કોર 3 વિકેટે 148 રન થયો હતી તે પછી બાકીનું કામ સુરેશ રૈના અને રવિન્દ્ર જાડેજાએ પુરૂ કરીને ટીમને 7 વિકેટે જીત અપાવી હતી.

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યા પછી ચોથી ઓવરમાં જોની બેયરસ્ટોની વિકેટ ગુમાવી ત્યારે સ્કોર માત્ર 22 રન હતો. જો કે તે પછી વોર્નર અને મનિષ પાંડેએ મળીને બાજી સંભાળી હતી. પાંડેએ 35 બોલમાં જ્યારે વોર્નરે 50 બોલમાં અર્ધસદી પુરી કરી હતી. વોર્નર 55 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 57 રન કરીને આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 128 રન હતો અને એ જ ઓવરમાં મનિષ પાંડે પણ 46 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 61 રન કરીને આઉટ થયો ત્યારે સ્કોર 3 વિકેટે 134 રન થયો હતો. તે પછીની અંતિમ બે ઓવરોમાં 33 રન આવતા સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર 3 વિકેટે 171 થયો હતો. વિલિયમ્સન 19 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 26 જ્યારે કેદાર જાદવ 4 બોલમાં એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 12 રન બનાવીને નોટઆઉટ રહ્યા હતા.

Most Popular

To Top