Sports

જયસ્વાલ અને અશ્વિનની ઈનિંગની મદદથી ચેન્નાઇને પછાડી રાજસ્થાન બીજા સ્થાને રહી પ્લેઓફમાં

મુંબઇ : આઇપીએલમાં આજે અહીં રમાયેલી 68મી લીગ મેચમાં મોઇન અલીની 93 રનની આક્રમક ઇનિંગ તેમજ ડેવોન કોન્વે અને કેપ્ટન ધોની સાથેની તેની અર્ધશતકીય ભાગીદારીઓની મદદથી ચેન્નાઇ સુપર કિંગ્સે મૂકેલા 151 રનના લક્ષ્યાંક રાજસ્થાન રોયલ્સે 5 વિકેટે જીત મેળવીને પ્લેઓફમાં બીજા સ્થાને રહીને ક્વોલિફાઇ કર્યું હતું.

લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી રાજસ્થાન વતી જોસ બટલર ફરી ફેલ ગયો હતો, તે પછી 76 રનના સ્કોર સુધીમાં વધુ બે વિકેટ રાજસ્થાને ગુમાવી હતી. યશસ્વી જયસ્વાલ 59 રન કરીને આઉટ થયો ત્યારે સ્કોર 4 વિકેટે 104 થયો હતો, હેટમાયર માત્ર 6 રન કરીને આઉટ થયો હતો. જો કે રવિચંદ્રન અશ્વિને જોરદાર બેટીંગ કરીને 23 બોલમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી નોટઆઉટ 40 રન કરીને રાજસ્થાનને 5 વિકેટે જીતાડ્યું હતું.

ટોસ જીતીને દાવ લેવાનો નિર્ણય કરનારી સીએસકેએ પહેલી ઓવરમાં જ ઇનફોર્મ ઋતુરાજ ગાયકવાડની વિકેટ ગુમાવી હતી. જો કે તે પછી કોન્વે અને મોઇને મળીને 83 રનની ભાગીદારી કરી હતી. કોન્વે માત્ર 16 રન કરીને આઉટ થયો હતો. અને તે પછી સીએસકેએ 10 રનના ઉમેરામાં વધુ બે વિકેટ ગુમાવતા તેમનો સ્કોર 4 વિકેટે 95 રન થયો હતો. મોઇન અને ધોનીએ મળીને તે પછી 51 રનની ભાગીદારી કરીને 19મી ઓવરમાં સ્કોર 146 પર પહોંચાડ્યો હતો. આ સ્કોર પર પહેલા ધોની 26 રન કરીને આઉટ થયો હતો અને તે પછી મોઇન પણ 57 બોલમાં 13 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 92 રન કરીને આઉટ થયો હતો અને અંતે સીએસકેનો સ્કોર 6 વિકેટે 150 થયો હતો. રાજસ્થાન તરફથી યુઝવેન્દ્ર ચહલ અને ઓબેદ મેકોયે 2-2 જ્યારે ટ્રેન્ટ બોલ્ટ અને રવિચંદ્રન અશ્વિને 1-1 વિકેટ લીધી હતી.

Most Popular

To Top