National

મેરિયન બાયોટેકે કફ સિરપનું ઉત્પાદન બંધ કર્યું, કેન્દ્રીય એજન્સીએ કંપનીના પરિસરમાં કરી તપાસ

નોઇડા સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની (Pharmaceutical Company) મેરિયન બાયોટેકે (Marion Biotech) ઉઝબેકિસ્તાનમાં કથિત રીતે કફ સિરપ (Cough Syrup) પીવાથી 18 બાળકોના મોતના સંબંધમાં એક નિવેદન બહાર પાડ્યું છે. આ મામલે દુઃખ વ્યક્ત કરતા કંપનીએ દોષિતો સામે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. કેન્દ્રીય એજન્સીઓ તેમજ ઉત્તર પ્રદેશ ડ્રગ વિભાગની ટીમોએ નોઈડા સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની મેરિયન બાયોટેકના પરિસરમાં જઈને તપાસ કરી હતી. કંપની જોકે ભારતમાં કફ સિરપ ડોક-1 મેક્સનું વેચાણ કરતી નથી એમ યુપી સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું.

ગૌતમ બુદ્ધ નગરના ડ્રગ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે નોઈડાના સેક્ટર 67 સ્થિત પરિસરમાં ગુરુવારે સવારે તપાસ શરૂ થઈ છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ એસોસિએશન (CDSCO) એ આ સંબંધમાં તપાસ શરૂ કરી છે. કંપનીના લીગલ હેડ હસન હારિસે કહ્યું કે અમે અકસ્માતમાં થયેલા મૃત્યુથી દુખી છીએ. સરકાર તપાસ કરી રહી છે. રિપોર્ટના આધારે અમે કાર્યવાહી કરીશું. સેમ્પલ લેવામાં આવ્યા છે. તે દવાનું ઉત્પાદન હાલ માટે બંધ કરી દેવામાં આવ્યું છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઉઝબેકિસ્તાનમાં કથિત રીતે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીનું કફ સિરપ પીવાથી બાળકોના મોતનો મામલો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઉઝબેકિસ્તાનની સરકારે 18 બાળકોના મોત માટે એક ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીને જવાબદાર ઠેરવી હતી. ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા ઉત્પાદિત કફ સિરપ પીવાથી 18 બાળકોના મોત થયા છે.

મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ફાર્માસ્યુટિકલ કંપની મેરિયન બાયોટેક દ્વારા ઉત્પાદિત ડોક-1 મેક્સ સિરપ પીવાથી બાળકોના મોત થયા છે. જણાવી દઈએ કે ફાર્માસ્યુટિકલ કંપનીએ વર્ષ 2012માં ઉઝબેકિસ્તાનના બજારમાં પ્રવેશ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કંપની દ્વારા ઉત્પાદિત ડોક-1 મેક્સ સિરપ હાલમાં ભારતીય બજારમાં વેચવામાં આવી રહ્યું નથી. આ મામલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ કહ્યું કે તે ઉઝબેકિસ્તાનમાં કફ સિરપ પીવાથી 18 બાળકોના મૃત્યુની વધુ તપાસમાં મદદ કરવા તૈયાર છે. WHO કહે છે કે તે ઉઝબેકિસ્તાનમાં આરોગ્ય અધિકારીઓના સંપર્કમાં છે.

ગામ્બિયામાં 60 થી વધુ બાળકોના મોત
જણાવી દઈએ કે અગાઉ આફ્રિકન દેશ ગામ્બિયામાં ઓક્ટોબરમાં ભારતીય બનાવટનું કફ સિરપ પીવાથી 60 થી વધુ બાળકોના મોત થયા હતા. આ પછી કેન્દ્ર સરકારે આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી પરંતુ હજુ સુધી ભારતીય કંપનીના કફ સિરપથી બાળકોના મૃત્યુની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

WHO એ રિપોર્ટ જાહેર કર્યો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ઓક્ટોબરની શરૂઆતમાં આ અંગેનો એક રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે કફની દવા ડાયેથિલીન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલ મનુષ્ય માટે ઝેર સમાન છે. WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયસસે કહ્યું હતું કે બાળકોના મૃત્યુનો સંબંધ ચાર દવાઓથી છે. આ સિરપના સેવનથી તેમની કિડનીને નુકસાન થયું હતું. આ ચાર દવાઓ હરિયાણાની એક જ કંપની મેઇડન ફાર્માસ્યુટિકલ્સની છે.

WHO નો રિપોર્ટ બહાર આવ્યા બાદ મેઇડન ફાર્માસ્યુટિકલના ઉત્પાદનો પર ગેમ્બિયા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. WHOએ તમામ દેશોને આ દવાઓને બજારમાંથી હટાવવાની ચેતવણી આપી હતી. તેમણે પોતે આ દેશો અને સંબંધિત ક્ષેત્રની સપ્લાય ચેઈન પર નજર રાખવાની વાત કરી હતી. WHOની ચેતવણી બાદ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને તપાસના આદેશ જારી કર્યા હતા.

Most Popular

To Top