સરકારે કાયદા દ્વારા કોરોના વેક્સિન ફરજીયાત જાહેર કરી નથી

દેશનાં લોકોને કોરોના વેક્સિનના ૧૫૯ કરોડ ડોઝ આપી દીધા પછી કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં સોગંદપૂર્વક જણાવ્યું છે કે તેની નીતિ મુજબ કોઈ નાગરિકને બળજબરીથી વેક્સિન આપવામાં આવતી નથી. સરકારના કહેવા મુજબ કોઈ પણ નાગરિકને વેક્સિન આપતાં પહેલાં તેની મંજૂરી મેળવવી જરૂરી છે. એવારા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી જાહેર હિતની અરજીના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે કોઈ પણ નાગરિક માટે વેક્સિન સર્ટીફિકેટ સાથે રાખવું પણ જરૂરી બનાવવામાં આવ્યું નથી. જો કે કેન્દ્ર સરકાર દ્વારા એવી સલાહ જરૂર આપવામાં આવે છે કે હાલમાં ચાલી રહેલી મહામારીને લક્ષમાં રાખીને દરેક નાગરિકે કોરોના વેક્સિન લઈ લેવી જોઈએ.

આજથી એક વર્ષ પહેલાં દેશમાં કોરોના વેક્સિન આપવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી ત્યારે લોકોમાં વેક્સિન લેવા બાબતમાં ભારે ખંચકાટ હતો. ખાસ કરીને ગરીબ અને અભણ પ્રજામાં એવી માન્યતા હતી કે આ વેક્સિન તેમને બિનફળદ્રુપ બનાવવા માટે આપવામાં આવે છે. લઘુમતી કોમનાં લોકો તો વેક્સિન લેવા બિલકુલ તૈયાર નહોતાં. ધાર્મિક લોકો વેક્સિન લેવા તૈયાર નહોતાં, કારણ કે તેમાં કતલ કરેલાં વાછરડાંનું લોહી વાપરવામાં આવતું હતું. કેટલાક ધર્મગુરુઓ દ્વારા પણ લોકોને વેક્સિન ન લેવાની પ્રેરણા કરવામાં આવતી હતી, જેને લીધે વેક્સિન ઝુંબેશ નિષ્ફળ જાય તેમ હતી.

આ સંયોગોમાં રાજ્ય સરકારો દ્વારા અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા લોકો પર દબાણ કરવા જાતજાતની જાહેરાતો કરવામાં આવી હતી. દાખલા તરીકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વારંવાર જાહેરાત કરવામાં આવી હતી કે જો દુકાનદારોએ અને તેમના કર્મચારીઓએ વેક્સિન નહીં લીધી હોય તો તેમની દુકાનો બંધ કરાવી દેવામાં આવશે. અમુક દુકાનદારોને વેક્સિન ન લેવા બદલ ભારે દંડ પણ કરવામાં આવ્યો હતો. વેક્સિન લીધા વગર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચાઓમાં અને બસોમાં લોકોને પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો.

આ જાહેરાતોથી જનરલ પબ્લિકમાં અને દુકાનદારોમાં ગભરાટ ફેલાઈ જતાં તેઓ વેક્સિન લેવાની લાઈનમાં ઊભા રહી ગયા હતા. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કર્યું હતું કે કોરોના વેક્સિન લીધા સિવાય મુંબઈનાં સિનેમા થિયેટરોમાં અને મોલમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે પણ વેક્સિનના બે ડોઝ ફરજીયાત કરવામાં આવ્યા હતા. ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે જે વિદ્યાર્થીએ વેક્સિન નહીં લીધી હોય તેને પ્રવેશ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. દાદરા, નગર હવેલી, દમણ અને દીવ પ્રશાસન દ્વારા તો જાહેરાત કરવામાં આવી હતી કે જેમણે વેક્સિન નહીં લીધી હોય તેમને કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં.

ગરીબોને કહેવામાં આવ્યું હતું કે જો તેમણે વેક્સિન નહીં લીધી હોય તો તેમને રેશનમાં સસ્તું અનાજ મળતું બંધ થઈ જશે. શિક્ષકોને કહેવામાં આવ્યું હતું કે જો તેમણે વેક્સિન નહીં લીધી હોય તો તેમને ઓફલાઈન ભણાવવા દેવામાં આવશે નહીં. પંજાબમાં સરકારી કર્મચારીઓને કહી દેવામાં આવ્યું હતું કે જો તેમણે વેક્સિન નહીં લીધી હોય તો તેમને પગાર મળશે નહીં. એરલાઇન્સો દ્વારા ઉતારુઓને કહી દેવામાં આવ્યું હતું કે વેક્સિન લીધા સિવાય તેઓ વિમાનમાં પ્રવાસ કરી શકશે નહીં. ઇન્ટરનેશનલ ટ્રાવેલ માટે તો વેક્સિન સર્ટીફિકેટ ફરજીયાત બનાવી દેવામાં આવ્યું હતું. આ બધા નિયમો ફરજીયાત વેક્સિન તરફ જ લઈ જનારા હતા.

આ દરમિયાન અનેક નાગરિકો દ્વારા ભારત સરકારના આરોગ્ય ખાતાને માહિતી માગવાના અધિકાર હેઠળ સવાલો પૂછવામાં આવ્યા હતા કે ‘‘કોરોના વેક્સિન ફરજીયાત છે કે મરજીયાત?’’ તેના જવાબમાં કેન્દ્ર સરકારના આરોગ્ય ખાતા દ્વારા વારંવાર સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ કોરોના વેક્સિન લેવી મરજીયાત છે. સરકારને બીજો સવાલ એ પૂછવામાં આવ્યો હતો કે ‘‘શું કોરોના વેક્સિન લેવાને કારણે કોઈ નાગરિકનું મોત થાય તો વળતર આપવાની જવાબદારી સરકાર સ્વીકારે છે?’’ તેના જવાબમાં પણ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ‘‘કોરોના વેક્સિન મરજીયાત હોવાથી સરકારની કોઈ જવાબદારી રહેતી નથી.’’

સરકારને એમ પણ પૂછવામાં આવ્યું હતું કે ‘‘શું કોરોના વેક્સિન ન લેવાને કારણે સરકારની કોઈ સેવાઓથી નાગરિકને વંચિત રાખી શકાય ખરો? શું તેના પર સરકારી કચેરીઓમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકી શકાય ખરો?’’ તેના જવાબમાં પણ કહેવામાં આવ્યું હતું કે ‘‘તેવો કોઈ નિયમ સરકાર દ્વારા ઘડવામાં આવ્યો નથી.’’ આ જવાબ છતાં દબાણ ચાલુ રાખવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા કોરોના વેક્સિન ફરજીયાત બનાવી શકાય તેમ નથી તેનું મુખ્ય કારણ એ છે કે તમામ કોરોના વેક્સિન હજુ તેના પ્રાયોગિક તબક્કામાં છે. તેના બે તબક્કાના પ્રયોગોનાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં નથી. વળી ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂરી કરવામાં આવી નથી. ભારતના કાયદાઓ મુજબ જે વેક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂરી ન થઈ હોય અને તેનાં પરિણામો જાહેર ન કરવામાં આવ્યાં હોય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવાનું લાઇસન્સ આપવામાં આવતું નથી.

તો પછી સવાલ એ થશે કે જે વેક્સિનના ઉપયોગનું લાઇસન્સ આપવામાં આવ્યું નથી, તેના કરોડો ડોઝ સરકાર દ્વારા કેવી રીતે લોકોને આપવામાં આવ્યા? શું તેમાં કાયદાનો ભંગ થતો નથી? કાયદામાં એક છટકબારી પણ રાખવામાં આવી હતી કે જે વેક્સિનના પ્રયોગો બાકી હોય તે કટોકટીની પરિસ્થિતિમાં પરિણામોની રાહ જોયા વિના પણ આપી શકાય. આ રીતે કોરોનાની વેક્સિન પ્રાયોગિક તબક્કામાં હોવા છતાં પણ દેશનાં કરોડો નાગરિકોને આપવામાં આવી રહી છે. કોઈ પણ દેશનાં નાગરિકોને પ્રાયોગિક વેક્સિન આપવી હોય તો તેના પણ ત્રણ નિયમો છે :

(૧) દેશમાં કટોકટીની પરિસ્થિતિ હોવી જોઈએ. આ શરત પૂરી કરવા સરકાર દ્વારા ૧૮૯૪ ના એપિડેમિક એક્ટ હેઠળ સમગ્ર દેશમાં કટોકટીની પરિસ્થિતિ જાહેર કરવામાં આવી છે. (૨) જે રોગની કોઇ દવા બજારમાં ઉપલબ્ધ ન હોય તેની વેક્સિનને જ અપવાદરૂપ કિસ્સા તરીકે કટોકટીમાં ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવે છે. આ શરત પૂરી કરવા સરકાર દ્વારા બે વર્ષ પછી પણ કોરોનાની કોઈ દવાને મંજૂરી આપવામાં આવતી નથી. જો સરકાર દ્વારા કોઈ દવાને મંજૂરી આપવામાં આવે તો કટોકટી હેઠળ લોકોને વેક્સિન આપી શકાય નહીં. નવાઈની વાત એ છે કે સરકાર દ્વારા કોઈ દવાને મંજૂરી આપ્યા વગર કરોડો લોકો સાજાં થઈ રહ્યાં છે.

(૩) સરકાર દ્વારા કટોકટીની પરિસ્થિતિમાં વેક્સિનને મંજૂરી આપવામાં આવી હોવાથી જો વેક્સિન લેવાને કારણે કોઈ નાગરિકનું મરણ થાય કે તેને ગંભીર ઇજા થાય તો સરકાર તેને વળતર આપવાને બંધાયેલી નથી. વળી સરકાર દ્વારા વેક્સિન ફરજીયાત કરવામાં આવે અને કોઈ નાગરિકનું  મોત થાય તો સરકારે તેને ફરજીયાત વળતર આપવું પડે. સરકાર વળતર આપવા માગતી નથી; માટે તે દાવો કરે છે કે વેક્સિન ફરજીયાત નથી. બીજી બાજુ તે વધુમાં વધુ લોકોને વેક્સિન આપવા માગે છે, માટે તે જાતજાતના નિયમો કરીને લોકોને વેક્સિન લેવા માટે દબાણ કરી રહી છે. ભવિષ્યમાં વેક્સિનનાં કોઈ ગંભીર દુષ્પરિણામો બહાર આવશે તો પણ સરકાર જવાબદારીમાંથી છટકી જશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top