National

કોરોનાની ત્રીજી લહેરના એંધાણ સામે મંત્રામાં એન્ટી વાયરસ ટેસ્ટીંગ લેબનું આયોજન

સુરત: કોવિડ-19 (Covid-19)ની સ્થિતિ લાંબો સમય રહેવાની હોવાથી મેન મેડ ટેકસટાઇલ રિસર્ચ એસોસિએશન (Mantra)એ એન્ટી વાયરસ ટેસ્ટીંગ (Anti virus testing) માટે ખાસ લેબ (Laboratory) ઊભી કરવા અને વાયરોલોજી (Virology)ની સેવાઓ લેવા માટે પ્રયાસ શરૂ કર્યા છે.

મંત્રાના પ્રમુખ રજનીકાંત બચકાનીવાલાએ પત્રકાર પરિષદ (Press conference)ને સંબોધતા જણાવ્યું હતું કે, સરકારે દેશના 7 ટેકસટાઇસ રિસર્ચ એસોસિએશન (Textile research ass)ને સેન્ટર ઓફ એકસેલન્સ આપ્યા છે તેમાં સિટ્રાને મેિડકલ ટેકસટાઇલ માટે જયારે મંત્રાને એગ્રીકલ્ચર માટે એકસેલન્સ આપવામાં આવ્યા છે. કોરોનાકાળ દરમ્યાન પીપી કીટ અને માસ્કને લગતા સર્ટીફીકેશન માટે સરકારે માત્ર સીટ્રા અને ડીઆરડીઓને લેબ ટેસ્ટીંગ અને સર્ટીફીકેશન માટે માન્યતા આપી હતી તેને લીધે સુરત ટેકસટાઇલ ઉદ્યોગકારોને સર્ટીફીકેશન માટે કોઇમ્બતુર સીટ્રાની લેબમાં જવુ પડયું હતું. મંત્રા પાસે એનએબીએલ ન હોવાથી આ પ્રોડકટ માટે ટેસ્ટીંગ કર્યું ન હતું.

જોકે કોરોનાના પ્રથમ લહેર વખતે આ સંસ્થામાં ખાસ માઇક્રો બાયોલોજી લેબ બનાવવામાં આવી હતી. જેમાં એન્ટી માઇક્રોબીયલ ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. હવે કોવિડ લાંબો સમય ચાલવાનો હોવાથી એન્ટી વાયરસ ટેસ્ટીંગ માટે મંત્રામાં જ લેબ ઉભી કરવા અને સરકાર ફંડ ફાળવે તે માટે પ્રોજેકટ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. અત્યારે ઇન્ડસ્ટ્રી દ્વારા શહેરમાં વધારાના સેન્ટર ફોર એકસેલન્સની માંગ કરવામાં આવી રહી છે પરંતુ તેની કોઇ ખાસ જરૂર નથી કારણકે મંત્રા પાસે એડવાન્સ ટેસ્ટીંગ લેબની સુવિધા પહેલાથી ઉપલબ્ધ છે. જોકે આ લેબને અપગ્રેડ કરવા માટે અપગ્રેડેશન ફંડની જરૂર છે.

રજનીકાંત બચકાનીવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, મંત્રામાં મેલ્ટ સ્પીનીંગ, વીવીંગ અને પ્રોસેસીંગ લેબની સુવિધા છે. ટેકનિકલ ટેકસટાઇલમાં સ્પનલેસ, નીડલ પંચ, સ્પનબોન્ડ અને નોનવોવનના પાયલટ પ્લાન્ટ ચાલી રહ્યા છે. તે ઉપરાંત પ્લાઝમાં એપ્લીકેશન માટેની આધુનિક મશીનરી વસાવવામાં આવી છે. પત્રકાર પરિષદમાં મંત્રાના સેક્રેટરી પ્રફુલભાઇ ગાંધી, ડાયરેકટર ડો.બાસુ, ડો. રાયચુરકર, ડો.પરીખ સહિતના વૈજ્ઞાનિકોની ટીમ કાર્યરત છે.

મંત્રામાં બ્લડ પેનીટેશન ટેસ્ટ માટે આર્ટીફીશીયલ બ્લડ હોંગકોંગથી ઇમ્પોર્ટ કરવામાં આવ્યું હતું

કોરોનાકાળ દરમ્યાન સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારોએ પીપીકીટ બનાવી હતી. આ પીપીકીટમાં દર્દીનું લોહી એબ્ઝોવ ન થાય તે માટે બ્લડ પેનીટેશન ટેસ્ટ માટે મંત્રાએ રિસર્ચ કર્યું હતું. આ ટેસ્ટ માટે હ્યુમન બ્લડનો ઉપયોગ થતો ન હોવાથી હોંગકોગથી આર્ટીફીશીયલ બ્લડ ઇમ્પોર્ટ કરી ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. મંત્રાના પ્રમુખ રજનીકાંત બચકાનીવાલાએ જણાવ્યું હતું કે, સીટ્રા, અટીરા કે સાસ્મીરાને સરકારનો જે સહયોગ મળે છે તેવો સહયોગ મંત્રાને મળી રહ્યો નથી. આ મામલે સુરતના સાંસદ અને રાજયકક્ષાને ટેકસટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીને રજૂઆત કરવામાં આવશે. મંત્રાના રીસર્ચને પગલે વેટ પ્રોસેસીંગમાં એસિડનો ઉપયોગ ઘટી ગયો છે. જે ભૂતકાળમાં સોલિડ વેસ્ટ વોટર સાથે છોડી દેવામાં આવતો હતો.

Most Popular

To Top