Surat Main

કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા હશે તો જ ગરબે ઘૂમશે સુરત, કોરોનાનું સંક્રમણ રોકવા મનપાનો નિર્ણય

દોઢ વર્ષ બાદ માતાજીના ભક્તો ગરબા રમવા માટે આતુર બન્યા છે. રાજ્ય સરકારે શેરીગરબાની (Gujarat Government permit SheriGarba) છૂટ આપી હોય ખૈલેયાઓ આનંદમાં છે. પરંતુ જો તમે સુરતમાં રહો છો તો તમે છૂટથી ગરબા રમી શકો નહીં. અહીં સુરત મહાનગરપાલિકાએ કોરોનાના સંક્રમણને (Surat Municipal Corporation) રોકવા માટે એક નિર્ણય લીધો છે. સુરત શહેરમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. (Corona Spread in Surat Once Again) છેલ્લાં એક અઠવાડિયામાં 3થી વધુ એપાર્ટમેન્ટને કલસ્ટર જાહેર કરી મનપા દ્વારા સીલ કરવામાં આવ્યા છે. નવરાત્રિ પહેલાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય સુરત મહાનગરપાલિકાએ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોરોનાની રસીના (Covid-19 Vaccine Second Dose) બંને ડોઝ લીધા હોય તે જ શેરીગરબામાં માતાજીના ગરબા રમી શકશે.

સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં લઈ આ નિર્ણય લીધો છે. હાલ સુરત મનપાના અધિકારીઓ દ્વારા ઝોનવાઈઝ અવેરનેસ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. મનપાના અધિકારીઓ સોસાયટી, એપાર્ટમેન્ટ, શેરીઓમાં જઈને પ્રમુખો અને કમિટીઓને નવરાત્રિનું આયોજન કેવી રીતે કરવું તેની સમજ આપી રહ્યાં છે. ગુજરાત સરકારે શેરીગરબામાં 400 લોકોના ભેગા થવાની છૂટ આપી છે, પરંતુ છેલ્લાં દસેક દિવસમાં શહેરમાં જે રીતે કોરોનાએ માથું ઊંચક્યું છે તે જોતાં સુરત મનપાએ કેટલાંક નિયંત્રણો નક્કી કર્યા છે, જેની સમય શેરી ગરબાના આયોજકોને આપવામાં આવી રહી છે.

તે મુજબ જે વ્યક્તિએ કોરોનાની રસીના બંને ડોઝ લઈ લીધા હોય તેને જ ગરબા રમવાની છૂટ આપવાનો નિર્ણય લેવાયો છે. આમ, શેરી ગરબાના આયોજકો, સોસાયટીના પ્રમુખોએ વેક્સીન સર્ટીફિકેટ ચકાસવાની વ્યવસ્થા ગોઠવવી પડશે અને ખૈલેયાઓએ પણ પોતાની સાથે વેક્સીનના સર્ટીફિકેટ લઈને ફરવું પડશે. અન્યથા મોબાઈલમાં રાખવા પડશે. ઘણી સોસાયટીઓમાં તો આ અંગેની રહીશોને સૂચના પણ આપવાનું શરૂ કરી દેવાયું હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ જે લોકોએ વેક્સીન લીધી નહીં હોય તેને નવરાત્રિ પહેલાં વેક્સીનનો બીજો ડોઝ પણ લઈ લેવા માટે સમજાવવામાં આવી રહ્યાં છે.

નવરાત્રિ આડે હવે છ દિવસ બાકી રહ્યાં છે. શ્રાદ્ધપક્ષ પૂરા થયા બાદ 7 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહ્યાં છે. આ વર્ષે ગુજરાત સરકારે શેરી ગરબાના આયોજનને છૂટ આપી છે, તેથી શેરી, સોસાયટી અને એપાર્ટમેન્ટ્સમાં ધામધૂમથી નવરાત્રિના આયોજનો કરવાના પ્લાનિંગ થઈ રહ્યાં છે, ત્યારે સુરત મનપાએ વેક્સીનના બંને ડોઝ લીધા હોય તો જ ગરબા રમવાનો નિર્ણય લેતા ખૈલેયાઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

સુરત શહેરની અંદર અંદાજે 98 ટકા જેટલા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. શહેરમાં અંદાજિત 53.84 ટકા કરતા વધુ લોકોએ હજી સુધી બીજો ડોઝ મળ્યો નથી. તો તેમની સામે કયા પ્રકારના પગલાં લેવાશે તેને અંગેની કોઈપણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સુરતમાં 18 વર્ષથી વધુ વયના 34.32 લાખ લોકો છે. જે પૈકી 33.67 લાખ લોકોને પહેલો ડોઝ મળી ચૂક્યો છે. જ્યારે 15.84 લાખ લોકોને બંને ડોઝ મળી ચૂક્યા છે. જેથી પહેલો ડોઝ મેળવનારની ટકાવારી 98 ટકા થઈ છે. જ્યારે બંને ડોઝ લેનારની ટકાવારી 46.16 ટકા છે.

Most Popular

To Top