Madhya Gujarat

કોંગ્રેસને વોટબેંકનો ડર હશે અમને નહિ : અમિત શાહ

આણંદ : ખંભાતમાં ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ત્રિપલ તલ્લાક,  રામ મંદિર સહિતના મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી હતી અને જણાવ્યું હતું કે, અમે કોઇથી ડરતા નથી.દબાણો ફરી થવા નહિ જ દઈએ. ખંભાતીઓ એ બરાબર જાણે છે. ભારતીય જનતા પાર્ટી સાફસફાઈ ચાલુ રાખશે. ખંભાતીઓએ પણ કોઈનાથી ડરવાનું નહી. કોંગ્રેસને અહીં પેસવા ન દેશો.

ખંભાત ખાતે ભાજપના ઉમેદવાર મયુર રાવલના પ્રચાર અર્થે આવેલા અમિત શાહે કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારે સ્ટેચ્યું ઓફ યુનિટિ બનાવી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી છે, કોંગ્રેસ સરદાર સાહેબનું નામ લેતા ડરે છે. કોંગ્રેસે 370ની કલમ ક્યારેય હટાવતી ન હતી, કેમ કે તેઓને વોટ બેંક બચાવવી હતી. તો શું અમે ખોટું કર્યું? આજે કાશ્મીર ભારતની શાન બન્યું છે. વિરોધીઓ કહેતા કે કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે, પણ યાદ રાખજો ભાજપ વોટ બેન્કથી ડરતું નથી. અમારી સરકારે કલમ 370 હટાવી કાશ્મીરને મુક્ત કર્યું છે.

અમિત શાહે ઉમેર્યું હતું કે, એક સમયે અંબાજી મંદિર કેવુ હતુ ? એ આપ સૌ જાણો છો, જ્યારે આજે ભાજપ સરકારમાં અંબાજીમાં ભવ્ય સુવિધાઓથી સજ્જ બન્યું છે. અહિં દેશ-વિદેશમાંથી પર્યટકો પધારી રહ્યાં છે. રાહુલ ગાંધી રામ મંદિરને લઈ ભાજપને ટોણા મારતા હતા. રામ મંદિરના નિર્માણમાં પણ કોંગ્રેસને વોટ બેન્કનો ડર હતો. 1લી જાન્યુઆરી 2024 સુધીમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિર જોવા મળશે. તમે સહુ મુલાકાત લઇ આવજો. 10 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર હતી, પાકિસ્તાનની રોજ આલીયા, માલિયા અને જમાલીયા ઘૂસી જતા હતા. સર્જિકલ સ્ટ્રાઈકથી પીએમ નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વભરમાં સંદેશો આપ્યો. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા જ સૌથી પહેલા સરદાર સરોવરનું કામ હાથમાં લીધું હતું.  ટ્રિપલ તલાક મોદી સરકારે હટાવ્યું તો પણ કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું. શું મા-બહેન – દીકરીઓ માટે કાયદો બનાવવો ગુનો છે? બેટ દ્વારકામાં દબાણો સાફ કરી દેવાયા એ કામ ખોટું કર્યું ? ભાજપ સરકાર સારૂ કામ કરે છે તે કોંગ્રેસને ગમતું નથી.

Most Popular

To Top