Madhya Gujarat

ચરોતરમાં કોંગ્રેસ દ્વારા હાથ સે હાથ જોડો યાત્રા યોજાશે

નડિયાદ: ખેડા જિલ્લા પંચાયતની આગામી માર્ચ મહિનામાં ચૂંટણી યોજાશે. સાથોસાથ ખેડા જિલ્લાની કેટલીક તાલુકા પંચાયતની મુદ્દત પૂર્ણ થતા ચૂંટણીનું આયોજન થવાનું છે. જેના પગલે વિધાનસભા ચૂંટણીમાં ઉંધા મોંની ખાધા પછી હવે આવનારી ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ સક્રિય થઈ ગઈ છે. જે સંદર્ભે પ્રદેશ મોવડી મંડળની વિશેષ હાજરીમાં ખેડા જિલ્લા કોંગ્રેસના સંગઠનની બેઠક યોજાઈ હતી. આ ઉપરાંત જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં લઈ પૂર્વ ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લક્ષ્યમાં લઈ શુક્રવારે ગરબાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા અને વિરમગામના પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ સહિત અન્ય દિગ્ગજ નેતાઓને ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી જીતાડવા માટે કમાન સોંપવામાં આવી છે. આખા બોલા ચંદ્રિકાબેન બારીયા અને અન્ય દિગ્ગજ કોંગ્રેસીઓ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં શું કમાલ કરે છે, તે તો સમય બતાવશે. હાલમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ખેડા જિલ્લાની 6 બેઠક પર કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. જ્યારે 2017ની ચૂંટણીમાં જિલ્લાની 3 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો, કોંગ્રેસનો જિલ્લામાં સફાયો થયા બાદ હવે પ્રદેશ નેતૃત્વ સફાળુ જાગ્યુ છે.

નડિયાદ પવનચક્કી રોડ સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં શુક્રવારે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભાના વિપક્ષી નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં આવનારી ચૂંટણીઓ સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત 26 જાન્યુઆરીના રોજ ભારત જોડો યાત્રા અંતર્ગત ગુજરાતમાં હાથ સે હાથ જોડો યાત્રાનો દરેક જિલ્લામાંથી પ્રારંભ થશે, તેની માહિતી અપાઈ હતી. ખેડા જિલ્લાના નડિયાદથી આ યાત્રા શરૂ કરી કરમસદ પહોંચશે, તે અંગે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં પ્રદેશમાંથી પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા અમિત ચાવડા, ચંદ્રિકાબેન બારીયા, લાખાભાઈ ભરવાડ, બિમલ શાહ સહિત દિગ્ગજ હોદ્દેદારો ઉપરાંત ખેડા જિલ્લાના કાર્યકારી પ્રમુખ માલસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્યો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ચરોતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ હરકતમાં આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

ખેડા જિલ્લા કોંગ્રેસ નેતૃત્વ વિહોણી
વર્ષ 2022ના ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર હતી. આ પહેલા જુલાઈ મહિનામાં જ ખેડા જિલ્લા કોંગ્રેસમાં મોટુ ભંગાણ પડ્યુ હતુ. પૂર્વ ધારાસભ્ય મગનભાઈ ઝાલાના પુત્ર અને ખેડા જિલ્લા કોંગ્રેસના તે સમયના પ્રમુખ રાજેશ ઝાલાએ કોંગ્રેસને રામેરામ કર્યા હતા. તેમના સાથે જિલ્લાના અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યારબાદ જિલ્લા પ્રમુખનું પદ ખાલી પડ્યુ હતુ. જો કે, ચૂંટણી સામે હોય, કોંગ્રેસે દિગ્ગજ નેતા માલસિંહ રાઠોડને કાર્યકારી પ્રમુખ બનાવ્યા હતા. જો કે, પ્રમુખના અભાવે જુલાઈ મહિનાથી કોંગ્રેસ નેતૃત્વ વિહોણી બની ગઈ છે. જેના કારણે કોગ્રેસમાં નેતાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.

વિધાનસભા ચૂંટણી વખતે એક પણ નેતા ફરક્યા ન હતા
કોંગ્રેસનું પ્રદેશનું મોવડી મંડળ ખેડા જિલ્લાની મુલાકાતે છે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને અમિત ચાવડા કારોબારી બેઠકના આયોજનમાં પહોંચવાના છે, ત્યારે વિધાનસભા ચૂંટણી વખતે ખેડા જિલ્લાની 6 બેઠકોમાં પ્રચારમાં એક પણ દિગ્ગજ નેતા ફરક્યા ન હતા.

Most Popular

To Top