Gujarat Main

‘અમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલી નાંખીશું’, કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં આપ્યું વચન

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે તમામ પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત કર્યા બાદ હવે પ્રજાલક્ષી ચૂંટણી ઢંઢેરા ઘોષણા કરવા માંડી છે. કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં મેનિફોસ્ટો (Congress Menifesto) જાહેર કરાયો હતો. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની હાજરીમાં આ ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો હતો. નોકરી, ફ્રી મેડીકલ સેવા ઉપરાંત એક જાહેરાતે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. કોંગ્રેસે મેનિફેસ્ટોમાં વિશ્વના સૌથી મોટા અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ અધિકૃત રીતે બદલી નાંખવાનું વચન ચૂંટણી ઢંઢેરામાં આપ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના ઉમેદવારીપત્રોની પ્રક્રિયા વચ્ચે રાજકીય પક્ષો દ્વારા મતદારોને પોતપોતાના પક્ષ તરફ આકર્ષિત કરવા માટેનો સંઘર્ષ જોવા મળી રહ્યો છે. નેતાઓ ચૂંટણીલક્ષી વાયદાઓ કરી રહ્યા છે, પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે આશ્વાસનો આપવામાં આવી રહ્યા છે, ત્યારે હવે કોંગ્રેસે પણ પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શનિવારે આયોજિત એક કાર્યક્રમમાં ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસનો ઘોષણાપત્ર ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ બહાર પાડ્યો હતો. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો માટે લોકપ્રિય વચનો આપ્યા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલા ઢંઢેરામાં દરેક ગુજરાતીને 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર અને મફત દવાઓની સાથે 300 યુનિટ મફત વીજળી, બાકી વીજળીના બિલો માફ કરવાનું વચન આપવામાં આવ્યું છે. આ મેનિફેસ્ટોમાં અગાઉ રાહુલ ગાંધીએ ગુજરાત માટે કરેલાં 8 વચનને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં ખેડૂતાનો દેવા માફ કરવા, રૂ. 500માં ગેસ-સિલિન્ડર આપવા, લોકોને 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપવી સહિતના 8 વાયદાઓ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત કોંગ્રેસે સત્તામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને સરદાર પટેલ સ્ટેડિયમ રાખવાનું વચન આપ્યું છે. પાર્ટી તરફથી એમ પણ કહેવામાં આવ્યું છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો પ્રથમ કેબિનેટ મીટિંગથી જ તેને સરકારનો સત્તાવાર દસ્તાવેજ બનાવીને કામ કરવામાં આવશે.

કોંગ્રેસે કહ્યું છે કે સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસ દ્વારા મહિલાઓને 50 ટકા અનામત આપવામાં આવશે, જ્યારે 10 લાખ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવશે. કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેર ઘોષણાપત્રમાં સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રણાલીનો અંત લાવવા, બેરોજગારોને દર મહિને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપવાનું વચન આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં 27 વર્ષથી સત્તાની બહાર રહેલી કોંગ્રેસે દૂધ ઉત્પાદકોને લિટર દીઠ 5 રૂપિયા અને ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપવાનું વચન આપ્યું છે. કોંગ્રેસે છોકરીઓ માટે KG થી PG સુધી મફત શિક્ષણનું વચન આપ્યું છે અને કહ્યું છે કે જો પાર્ટી સત્તામાં આવશે તો 3000 અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ ખોલવામાં આવશે.

Most Popular

To Top