Gujarat

એક સમયે સૌરાષ્ટ્રના નિર્ણયો જ્યાંથી લેવાતા તેવા રાજકોટમાં ભાજપનો પ્રયોગ સફળ થશે?

રાજકોટ ભાજપનો ગઢ ગણાય છે. અને એક સમય એવો હતો કે, ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને ભાજપમાં નિર્ણયો રાજકોટથી લેવાતા હતા. કેશુભાઈ પટેલ અને ચીમનભાઈ શુક્લ કે પ્રવીણભાઈ મનીઆર હવે નથી. પણ એ સમજવું રહ્યું કે, રાજકોટમાંથી સૌરાષ્ટ્રમાં એક સંદેશ જતો હોય છે. સૌરાષ્ટ્રમાં ભાજપે ઉમેદવારોની પસંદગીમાં કેટલાક જોખમો લીધા છે, કેટલાક જોખમ ટાળ્યા પણ છે. રાજકોટની ચાર બેઠકોની વાત કરો તો ચારેય ઉમેદવારો નવા મૂકવામાં આવ્યા છે. આ એક પ્રયોગ છે એ સફળ થશે એવો ભાજપને વિશ્વાસ છે.

રાજકોટ પશ્ચિમ બેઠક એવી છે જ્યાં ભાજપ વર્ષોથી જીતે છે. વજુભાઈ વાળા અહીથી સાતવાર ચૂંટાયા. નરેન્દ્ર મોદીએ પણ એમના જીવનની પહેલી ચૂંટણી અહીથી લડી અને પછી વિજયભાઈ રૂપાણી બે વાર લડ્યા. પણ હવે એ મેદાનમાં નથી. એ તો ઠીક એમના કોઈ ટેકેદારોને પણ ટિકિટ આપવામાં આવી નથી. રાજકોટ પશ્ચિમ બેઠક માટે ડૉ. દર્શિતા શાહની પસંદગી થઈ છે. આ બેઠક સંઘ પરિવાર ભાજપે માટે સલામત બનાવી છે અને રાજકોટના દોશી પરિવાર કે જે સંઘ સાથે વર્ષો જૂનો નાતો ધરાવે છે એ પરિવારની દીકરી છે દર્શિતાબેન. હા, અત્યારે એવું લાગે છે કે, ભાજપના કાર્યકરોમાં રોષ છે. કારણ કે અહી શહેર પક્ષ પ્રમુખ કમલેશ મીરાણી , વિજયભાઈના વિશ્વાસુ નીતિન ભારદ્વાજ અને ચીમનભાઈ શકુલના પુત્ર કશ્યપ પણ દાવેદાર હતા અને રાજકોટના મેયર અને ધારાસભ્ય રહી ચૂકેલા અરવિંદ મનીઆરના પુત્ર કલ્પકની પણ દાવેદારી હતી. એ બધાને બાજુએ રાખી પસંદગી થઈ છે.

રાજકોટ દક્ષિણમાં પણ જે પસંદગી થઈ છે એનો પટેલ વોટ બેંક સાથે સીધો સબંધ છે. લેઉવા પટેલના ધાર્મિક સ્થાન ખોડલ ધામ સાથે સીધા સંકળાયેલા ઉદ્યોગપતિ રમેશ ટીલાળાની પસંદગી થઈ છે. ખોડલધામનાં અધ્યક્ષ નરેશ પટેલ કોંગ્રેસ તરફ ઢળેલા છે અને દર ચૂંટણીમાં કોંગ્રેસને મદદ કરતાં આવ્યા છે. એ કોંગ્રેસમાં જવા પણ તૈયાર થયા પણ કોઈક મુદે વાત અટકી પડી. પણ એમણે રમેશ ટીલાળાને ટિકિટ મળે એ માટે દિલ્હી સુધી મહેનત કરી. એનો મતલબ એ છે કે, ખોડલધામ સીધી કે આડકતરી રીતે ભાજપને મદદ કરશે. સૌરાષ્ટ્રમાં વીસેક બેઠકો પર પટેલોનું વર્ચસ્વ છે. અને રાજકોટ દક્ષિણ બેઠક પર દાવેદાર એવા ભાજપ પ્રમુખ સી આર પાટીલની નજીક એવા ભરત બોઘરા અને ધનસુખ ભંડેરીની પસંદગી થઈ નથી.

રાજકોટ પૂર્વમાં ભાજપે સિટિંગ એમએલએ અરવિંદ રૈયાણીને રિપીટ કર્યા નથી. કારણ કે એમની સામે દાવેદારો ઘણા હતા. રોષ હતો. એટલે ઓબીસીમાંથી આવતા ઉદય કાનગડની પસંદગી કરી છે. જો કે, અહી કોંગ્રેસમાંથી ઇન્દ્રનીલ રાજ્યગુરુ લડી રહ્યા છે અને એ અહીથી એકવાર ચૂંટાયા પણ છે. એટલે રાજકોટની ચાર બેઠકો પૈકી રસાકસી અહી વધુ થાય એવી શક્યતા છે. રાજકોટ ગ્રામીણની વાત કરીએ તો ત્યાં પણ એક વેળાના ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને ટિકીટ અપાઈ છે. સામે આપમાંથી વશરામ સાગઠિયા છે. અહી હારજીત બહુ ટૂંકી થતી હોય છે. એટલે લડત જામશે.

રાજકોટની ચાર બેઠકમાં આપના ઉમેદવારો ચિત્રમાં નથી
રાજકોટ ની ચાર બેઠકો પર આપણાં કોઈ દમદાર ઉમેદવાર હોય એવું ચિત્ર ઉપસતું નથી. એમાં ય આપણાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઇસુદાન ગઢવીનું નામ જાહેર થતાં જ નારાજ ઇન્દ્રનીલ રાજ્યગુરુ પાછા કોંગ્રેસમાં આવી લડી રહ્યા છે. એટલે આપનું બળ રાજકોટમાં સાવ ઘટી ગયું છે. શિવલાલ બારસિયાની રાજકોટ દક્ષિણ બેઠક માટે પસંદગી થઈ છે પણ એ દમદાર ઉમેદવાર નથી.

રાજકોટની ચાર બેઠકો પૈકી એક પર જ સબળ ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂ છે
કોંગ્રેસના એક જ સબળ ઉમેદવાર છે અને એ છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ. એ ઉપરાંત સુરેશ બાથવાર અને હિતેશ વોરાને ટિકિટ અપાઈ છે પણ એ ભાજપને માટ કરે શકે એવા શક્તિમાં નથી. રાજકોટ પશ્ચિમ બેઠક માટે કોંગ્રેસે હજુ ઉમેદવાર જાહેર કર્યા નથી.

– કૌશિક મહેતા

Most Popular

To Top