Gujarat

ઝૂલતા પુલની દુર્ઘટના ભાજપને મોરબી બેઠક પર નુકસાન કરશે?

સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું મોરબી ભારતનું સિરામિક હબ છે. 1930ના દાયકામાં અહીં પોટરી શરૂ થઈ છે અને છેલ્લા બે દાયકામાં આ નગરે આખી દુનિયામાં ડંકો વગાડ્યો છે. કરોડોનું ઉત્પાદન અને લાખો લોકોને રોજગારી આપતા આ નગરમાં ચૂંટણીની ગતિવિધિ બહુ શરૂ થઈ નથી. કારણ કે, મોરબીના ઝૂલતા પુલ તૂટવાની અસર ઓસરી નથી. રાજકીય પક્ષો એમાંય ખાસ કરીને ભાજપ માટે શહેર કે ગામડાંમાં સભા કે કોઈ કાર્યક્રમ કેમ કરવો એની વિમાસણ છે.

રાજકીય સફરની વાત કરીએ તો આજાદી બાદ અહીં કોંગ્રેસ જ કોંગ્રેસ હતી. 1962માં પહેલી ચૂંટણી થઈ અને એમાં કોંગ્રેસના ગોકલદાસ પરમાર ચુંટાયા. ગોકલબાપા લોકસેવક તરીકે જાણીતા હતા. એ બે વાર ચુંટાયા. 1980 સુધી કોંગ્રેસનો અહીં દબદબો રહ્યો પણ 1985થી અહી ભાજપની વિજયકૂચ શરૂ થઈ. 1985માં લોકચાહના ધરાવતા અમુભાઈ આઘાર ચુંટાયા. 1990માં જતાં મોરચામાંથી બાબુભાઈ જશભાઈ પટેલ ચુંટાયા જે મુખ્યમંત્રી બન્યા હતા. પણ એ પછી 1995થી ભાજપના કાંતિભાઈ અમૃતિયા સતત પાંચવાર ચુંટાયા. બાદમાં એ 2017માં પાટીદાર આંદોલનની અસરમાં કોંગ્રેસના બ્રિજેશ મેરજા સામે હાર્યા. અને બાદમાં મેરજા ભાજપમાં ગયા અને પેટા ચૂંટણી પણ જિત્યા. અત્યારે મંત્રી પણ છે. પણ આજે સ્થિતિ એવી થઈ પડી છે કે, મેરજા અને કાંતિભાઈ અમૃતિયા ભાજપમાંથી ટિકિટ માટે મુખ્ય દાવેદાર હતા. મેરજા તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને મંત્રી પણ બન્યા. પણ આખરે ભાજપે કાંતિભાઈ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

કાંતિભાઈનું નામ પ્રકાશ રાવેશિયા ખૂન કેસમાં ખરડાયું અને એ જેલમાં પણ ગયા હતા. બીજી બાજુ, બ્રિજેશ મેરજા ઊજળી ઇમેજ ધરાવે છે. અને પંચાયત મંત્રી પણ છે. અને અહેવાલ એવા હતા કે, ભાજપની સેંસમા કાંતિભાઈ તરફે વધુ રજૂઆત થઈ હતી. અને એ વાત પક્ષે સ્વીકારી છે. પટેલ અગ્રણી અને મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયા પણ દાવેદાર હતા. મેરજા માટે કોંગ્રેસ છોડી ભાજપમાં આવવાનું બહુ લાભદાયી નીવડ્યું નથી. એ નારાજ થાય છે કે કેમ ? એ જોવાનું રહેશે.

કોંગ્રેસમાં જયંતીભાઈ જેરાજ પટેલનું નામ સૌથી આગળ છે. એ પણ કડવા પટેલ છે, ઉદ્યોગપતિ છે. અને એમનો એક વિક્રમ છે, હારવાનો. એ અત્યાર સુધીમાં છ-છ વાર હાર્યા છે. અને હજુ થાક્યા નથી. ફરી લડવા તૈયાર છે. એમની સાથે મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોર ચીખલિયા પણ દાવેદાર છે. કોંગ્રેસે હવે નવું નામ પસંદ કરવું જરૂરી બની ગયું છે. અને હા, આપમાંથી પણ બે દાવેદારો છે. સિરામિક ફેક્ટરી ધરાવતા પંકજ રાણસરિયા અને વસંત ગોજીયાનાં નામ ચર્ચામાં છે.
સૌથી મોટો સવાલ એ છે કે, મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનાની અસર ચૂંટણીમાં કેટલી વર્તાશે.

લોકોમાં રોષ બહુ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં. ભાજપ માટે સભા કેમ યોજવી? એ સમસ્યા છે. આ ઘટનામાં સહાય જાહેર થઇ અને જે જવાબદાર છે એમની સામે યોગ્ય પગલાં લેવાયાં નથી. અને એની અસર જો મતદાન પર થઈ. મતદાન ઓછું થયું તો ભાજપ માટે આ બેઠક જોખમી બની શકે છે. અહીં પટેલ મતદારો બાદ સૌથી વધુ સતવારા અને મુસ્લિમ મતદારો છે. પણ મોટાભાગે કડવા પટેલને જ ટિકિટ મળે છે. અને હા, આપ જો કોંગ્રેસને નુકસાન વધુ કરે તો ભાજપ માટે આસાની રહે. પણ આ બેઠકની એક ખાસિયત એ રહી છે કે, હાર-જીત પાંચ હજારથી ઓછા મતની જ હોય છે. એટલે આ વેળા કોણ જીતે એ કહેવાનું મુશ્કેલ બની ગયું છે. કાંતિભાઈ માટે પણ કપરા ચઢાણ જરૂર બનશે.

Most Popular

To Top