Columns

આવો મળો, આ મૅડમ કર્ણને…!

ધારેલી – ન ધારેલી આર્થિક ઊથલપાથલ થઈ છેલ્લાં અઢી-ત્રણ વર્ષમાં. એનું પ્રાથમિક કહો કે વિશેષ કારણ અલબત્ત, બધા જાણે છે તેમ કોરોના રહ્યું. અસંખ્યની જિંદગી એણે ટૂંકાવી નાખી. અગણિતોનું જીવતર રગદોળી નાખ્યું તો જગત આખાની આર્થિક વ્યવસ્થા અસ્તવ્યસ્ત કરી નાખી…. એમાંથી આપણે ડગુમગુ થતાં આસ્તે આસ્તે ટટ્ટાર થવાનો યત્ન કરી રહ્યા છીએ. આ દરમિયાન, વિશ્વના સૌથી 10 શ્રીમંતની યાદીમાં આવે એવા ત્રણેક શ્રેષ્ઠીના અંગત જીવનમાં પણ વિખવાદનો વંટોળ ફૂંકાયો. ‘માઈક્રોસૉફટ’ના બિલ ગેટ્સ – ‘એમેઝાન’ના જેફ બેજોસ અને ‘ગુગલ’ના સહ-સંસ્થાપક સર્ગી બ્રિનના લગ્નજીવનમાં ઊભી તિરાડ પડી અને આમાંથી બિલ અને જેફ પોતપોતાના જીવનસાથીથી છૂટા પડયા જ્યારે સર્ગીએ ડિવોર્સનો નિર્ણય તાજેતરમાં જાહેર કર્યો છે. બિલ ગેટ્સની પૂર્વ પત્ની મેલિન્દા આમ તો સેવાકાર્યમાં સક્રિય છે પણ એ તથા સર્ગી બ્રિનની વાઈફ નિકોલ અત્યારે જાહેરજીવનમાં હવે શું કરી રહ્યા છે-શું કરવાના છે એની બહુ વિગતો બહાર આવી નથી પરંતુ ‘એમેઝોન’ના જેફ બેજોસની પૂર્વ પત્ની મેકેન્ઝી સ્કોટે ડિવોર્સ પછી બહુ ઝડપથી પોતાની એક આગવી ઓળખ કંડારી છે.

જેફ સાથે 26 વર્ષના લગ્નજીવન પછી વિખૂટા પડવું એની કથા-વ્યથા કંઈક ઔર જ હોય છે. આવા તબક્કે કોઈ પણ કારણોસર છૂટા પણ પડો તો કોઈ પણ પતિ-પત્ની પર જલ્દી ન ભૂંસાય એવી એકેમેકની છાપ અંકિત થઈ ગઈ હોય છે. એમાંથી બહાર આવવું – ખાસ કરીને-પત્ની માટે વધુ વિકટ છે. જો કે આજે 53 વર્ષી મેકેન્ઝી સ્કોટ જરા જુદી માટીની છે. આમ તો એણે ગયે વર્ષે વિજ્ઞાનના શિક્ષક એવા ડેન જિવેટ સાથે પુન: લગ્ન કરી લીધા છે અને પોતાના વર્લ્ડ ફેમસ-રિચેસ્ટ પૂર્વ પતિથી સાવ અલગ જ કેડી પર એણે ડગ માંડયા છે. એક વિશેષ ભૂમિકા એ અદા કરી રહી છે અને એ છે એક અનન્ય દાતા તરીકેની….

અહીં આપણે એક આડ પણ મહત્ત્વની વાતનો થોડો સિનારિયો સમજી લઈએ.…
 ધંધો-વ્યાપાર અને કરવેરા… આ બન્ને તદ્દન વિરોધાભાષી શબ્દ છે. વેપારી અને સરકાર વચ્ચે હંમેશાં આને લઈને ટક્કર થતી રહે છે. સરકાર કોઈ પણ દેશની હોય, એ માને છે કે વેપારી કમાય છે એની સરખામણીએ ટેક્સ ઓછો ચૂકવે છે. વેપારી કરચોરી કરે છે. સામે પક્ષે, વેપારી કહે છે કે અમારી કમાણીમાંથી ધાર્યા કરતાં વધુ ટેક્સની રક્મ સરકાર ઉસરડી જાય છે અને હજુ વધુ ને વધુ ટેક્સ કેમ વસૂલી શકાય એની જ તાકમાં રહે છે…. આવી જ પેરવીને લીધે અનેક બિઝનેસમેન કરવેરા ટાળવાની પેરવીમાં રહે છે. આમ આ બન્ને પક્ષ વચ્ચે આવું દ્વંદ્વ અવિરત ચાલતું રહે છે.

આ દરમિયાન વિશ્વના શ્રીમંતો અને ગરીબોના ખબર-અંતર રાખતી વિખ્યાત આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘ઑક્સફામ’  કેટલાંક ચોંકાવનારા તથ્ય લઈને આવી છે. એ કહે છે કે કોરોના-કાળના બે – અઢી વર્ષ દરમિયાન, વિશ્વમાં અબજોપતિઓની સંખ્યામાં અણધાર્યો વધારો થયો છે. જગતના 10 ધનિક એવા છે જે રોજના 9 હજાર કરોડ રૂપિયા રળે છે. આ લોકો એટલું અધધધ કમાયા છે કે એ જો રોજના 8 કરોડ પણ આડેધડ વાપરે-લૂંટાવે તો પણ એમની સંપત્તિને આગામી 84 વર્ષ સુધી આંચ ન આવે!

આ આશ્ચ્રર્ય પમાડે એવા આંકડાની જોરદાર અને મજેદાર ચર્ચા જામી હતી ત્યાં વિશ્વના જાણીતા 102 અબજોપતિઓએ ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) ને એક જાહેર પત્ર લખીને કહ્યું : ‘એ ખરું કે સરકારોની અસમાન કરવેરા નીતિ-રીતિને લીધે બીજાની સરખામણીએ અમે વધુ ધનઉપાર્જન કરીએ છીએ એટલે જ્યાં સુધી સરકારી કરવેરાની અસમાન નીતિમાં બદલાવ ન આવે ત્યાં સુધી અમે સ્વૈછિક વધુ ટેક્સ ચૂકવવા તૈયાર છીએ..!’

ટોચના 100થી વધુ સુપર રીચ એવા ધનવાનોની આ ઓફરે વિભિન્ન સત્તાવાળા અને આર્થિક નિષ્ણાતોને વિચાર કરતા મૂકી દીધા છે. આ પ્રસ્તાવ વાસ્તવમાં કઈ રીતે અમલમાં મૂકી શકાય એ તો ભાવિ કહેશે પરંતુ અમીર-ગરીબની અસમાનતા ઓછી કરવામાં ધનવાનોની દાનવૃત્તિ અત્યાર સુધી મહત્ત્વનો ભાગ ભજવતી આવી છે. કોઈ પણ દેશના અનેકવિધ ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસ માટે જે વધારાની ધનપૂંજીની જરૂર પડે એ વખતે દેશના દાનવીરો આગળ આવી શકે અને આગળ આવતા પણ હોય છે. જો કે અમેરિકા- કેનેડા-બ્રિટન-ડેનમાર્ક-ફ્રાન્સ ઈત્યાદિના અમીરોની સરખામણીએ આપણા ટોચના ખરા અર્થમાં કમાઉ ઉદ્યોગપતિઓ ઊણા ઊતરે છે. છેલ્લા સર્વે અનુસાર અંબાણી-અદાણી ગ્રુપ્સ જેટલું કમાણીમાં આગળ રહ્યું એટલા જ પાછળ દાનવૃત્તિમાં રહ્યું . હા, તાજેતરમાં ગૌતમભાઈએ એમના 60મા જન્મદિવસ નિમિત્તે સમાજકલ્યાણ માટે 60 કરોડ રૂપિયાના દાનની જહેરાત કરી છે. આમ છતાં અદાણી-અંબાણીની તુલનાએ ‘વિપ્રો’ના અઝીમ પ્રેમજી અત્યાર સુધી સૌથી અગ્રેસર રહ્યા છે. આ દિલદાર આદમીએ રોજના આશરે રૂપિયા 27 કરોડના દાન સાથે કુલ રૂપિયા 9713 કરોડની જંગી રકમ પરોપકારનાં વિવિધ કાર્યમાં આપી છે!

હવે આપણે ફરી સુપર દાનવીર મેકેન્ઝી સ્કોટની વાત પર પરત ફરીએ…. ડિવોર્સ પછી આજની તારીખે એ આશરે 57 અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે. એ ઉપરાંત પૂર્વ પતિ જેફ બેજોસની ‘એમેઝોન’કંપનીની આવકમાં 4% હિસ્સો પણ છે. જો કે, આ મેકેન્ઝી જરા ઊંધી ખોપરીની છે. પતિ જેફ સાથે હતી ત્યારે પણ ‘એમેઝોન’ દ્વારા દાનની પ્રવૃતિ કરતી. લગ્ન વિચ્છેદ પછી પણ પોતાની સંપત્તિનો ગુણાકાર કરવાને બદલે એ દાનપ્રવૃત્તિ દ્વારા ભાગાકારમાં દૃઢપણે માને છે. એના ડિવોર્સની કાયદાકીય તૈયારી ચાલતી હતી ત્યારે એણે પોતાની એક ટીમ ખડી કરી, જેણે ‘લોસ્ટ હોર્સ’ જેવા વિચિત્ર નામની સંસ્થાના નેજા હેઠળ અમેરિકાની નાની નાની લગભગ અજાણી એવી સંસ્થાઓનો સામેથી સંપર્ક કરવાનો શરૂ કર્યો, જે નિ:સ્વાર્થ ભાવે સેવાકાર્ય કરતી હોય. એમને ‘લોસ્ટ હોર્સ’ના નામે થોડી થોડી રકમ નિયમિત મળવા માંડી. આજે આ છેલ્લાં 3 વર્ષમાં મેકેન્ઝીએ આવી 1200થી વધુ નાની સેવાસંસ્થાને કુલ 12 અબજ ડોલરનું દાન પહોંચાડ્યું છે.  માત્ર 3 વર્ષમાં જ આવી જંગી સખાવતી રકમ વર્ષોથી ડોનેશન આપતા કોઈ પણ અમેરિકન દાનવીર કે કોઈ પણ સંસ્થા કરતાં અનેક ગણી વધારે છે. આજે દાન આપવાનો ઈતિહાસ મેકેન્ઝી બહુ ઝડપથી પલટાવી રહી છે એવું વિખ્યાત ‘ફોર્બ્સ’ મેગેઝિન કહે છે…!

 ગઈ કાલ સુધી ડોલરિયા અબજપતિની પત્ની અને પછી ખુદ અબજપતિ એવી મેકેન્ઝીની મેરેજ પહેલાંની કથા પણ રસપ્રદ છે. એને નાનપણથી વાંચવા-લખવાનો ગાંડો શોખ. પિતા એક અચ્છી કંપનીમાં કામ કરતા હતા. એનું બાળપણ સારું વીત્યું હતું. એ મુગ્ધાવસ્થામાં પહોંચી ત્યારે પિતાજીની કંપનીએ દેવાળું કાઢ્યું. સુખના દિવસો સરી ગયા. કોલેજનો ખર્ચ કાઢવા એ છૂટક જોબ કરતી. એક વાર એ પડી ગઈ. એના દાંત તૂટ્યા. સારવાર માટે પૈસા નહોતા. એક ડેન્ટિસ્ટ પાસે સારવાર લીધી એ શરતે કે 3 મહિના ત્યાં મફતમાં કામ કરશે! હવે એ સારી વાર્તાકાર અને પત્રકાર પણ બની ગઈ હતી. એ લોકોના ઈન્ટરવ્યૂ પણ લેતી. એ દિવસોમાં જેફ બેજોસ પુસ્તક વિતરણની એની ‘એમેઝોન’કંપનીને લીધે ઠીક ઠીક જાણીતો થયો હતો.

જે મેગેઝિન માટે મેકેન્ઝી લખતી હતી એની ઑફિસ ‘એમેઝોન’ની બાજુમાં હતી. મેકેન્ઝીએ એનો ઈન્ટરવ્યૂ લીધો. જેફને એક સ્ટોરી રાઈટર તરીકે મેકેન્ઝીમાં રસ પડ્યો ને મેકેન્ઝીને એક પુસ્તક વિક્રેતા તરીકે જેફમાં…. ત્રણેક મહિનાના ડેટિંગ પછી બન્ને પરણી ગયા. પછી માત્ર સામાન્ય પુસ્તકવિક્રેતા બની રહેવાને બદલે ઓનલાઈન પુસ્તકો વેચવાનું જેફે શરૂ કર્યું. એ સાહસને સાકાર કરવા પતિ જેફની સાથે મેકેન્ઝીએ ખભેખભા મિલાવીને ‘એમેઝાન’ને વિશ્વવિખ્યાત બનાવ્યું.…  આજે પણ મેકેન્ઝી સ્કોટ નિયમિત લખે છે. દાનવીર ઉપરાંત એક જાણીતી લેખિકા તરીકે પણ અમેરિકાના સાહિત્ય વર્તુળમાં એની એક સાવ અલગ ઓળખ છે. નોબલ પારિતોષિક વિજેતા સાહિત્યકાર ટોની મેરિસને પણ એની કૃતિઓની વિશેષ પ્રશંસા કરી છે.

બીજી તરફ, પોતાની ટીમ દ્વારા પૂરતી ખાનગી તપાસ કર્યા પછી પોતાના ચેરિટી ફાઉન્ડેશનનું દાન અમુક અપવાદ સિવાય ખાસ તો નાની નાની સંસ્થાને મેકેન્ઝી પહોંચાડે છે. એનું ફાઉન્ડેશન માત્ર સેવાકાર્ય કરતી સંસ્થાઓને જ દાન આપે છે એવું નથી. વિજ્ઞાન અને તબીબી ક્ષેત્રે શોધખોળ કરતી ઈન્સ્ટિટ્યુટસને પણ જોઈતી સહાય એ કરે છે. એટલું જ નહીં, કોવિડની મહામારી વખતે જે સહાયતા ફંડ અમેરિકામાં એકઠું થયું એમાંથી 20%થી વધુ દાન મેકેન્ઝી દ્વારા હતું. આ બધા વચ્ચે મેકેન્ઝી ફાઉન્ડેશન જે ઝડપે ચેરિટી પહોંચતી કરે છે એનાથી ભલભલા દાનવીરો અને એમની સંસ્થાઓ અવાક થઈ જાય છે.… જ્યારે વૉરેન બફેટ – બિલ ગેટસ જેવા અનેક નામી શ્રીમંતોએ થોડા સમય પહેલાં એવું વચનનામું જાહેર કર્યું કે એ એમની અડધી મિલકત સેવાકાર્યો માટે દાનમાં આપી દેશે ત્યારે આજે વિશ્વની ચોથી શ્રીમંત મહિલા, જેને તમે ‘મેડમ કર્ણ’કહી શકો એવી મેકેન્ઝી સ્કોટ કહે છે: ‘હું તો મારી અંગત તિજોરી સાવ ખાલીખમ થઈ જાય ત્યાં સુધી સેવાકાર્ય માટે સખાવત – દાન કરવાનું વચન આપું છું…!’

Most Popular

To Top