Gujarat

30મી મેથી 30મી જૂન સુધી ગુજરાતમાં ભાજપ મોદી સરકારની સિદ્ધિઓનું રિપોર્ટકાર્ડ પ્રજા સમક્ષ રજુ કરશે

ગાંધીનગર: કર્ણાટકની (Karnataka) ચૂંટણીમાં (Election) ભાજપની (BJP) કારમી હાર પછી હવે ભાજપની નેતાગીરી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને કોઈ કચાશ રાખવા માંગતી નથી. ભાજપની નેતાગીરીએ ગઈકાલે મંગળવારે જિલ્લા તથા મહાનગરોના લોકસભાના પ્રદેશ નિરીક્ષકોની નિમણૂંક કરી દીધી છે. આજરોજ બુધવારે અમદાવાદમાં પાલડી ટાગોર હોલ ખાતે ભાજપની બૃહદ પ્રદેશ કારોબારી યોજાઈ હતી. જેમાં ભાજપના સાસંદો , ધારાસભ્યો તથા પ્રદેશના સંગઠનિય ટીમ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ખાસ કરીને 30મી મેના રોજ કેન્દ્રમાં પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારને 9 વર્ષ પૂર્ણ થઈ રહયા છે ત્યારે ભાજપની નેતાગીરી પોતાની 9 વર્ષની કામગીરીની સિદ્ધિનું સરવૈયુ રિપોર્ટ કાર્ડ સ્વરૂપે પ્રજા સમક્ષ રજુ કરનાર છે.

આગામી તા.30 મીમેથી 30મી જુ સુધી રાજયમાં લોકસભા , વિધાનસભા તથા બુથ સ્તર સુધી ભાજપ દ્વારા એક મહાજન સંપર્ક અભિયાન શરૂ કરવામા આવનાર છે. આજની કારોબારીમાં પીએમ મોદીની મનકી બાત ના 100 એપીસોડ દરમ્યાન તેમણે કરેલો સંવાદ પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ પણ કરવામાં આવ્યો હતો. પ્રદેશ ભાજપના અધ્યક્ષ પાટીલે કહ્યું હતું કે , પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વના સુશાસનના નવ વર્ષ ૩૦મી મેના રોજ પૂર્ણ થાય છે તેમના દુરંદેશી નિર્ણયોના કારણે આજે સમગ્ર દેશની પરિસ્થતિ બદલાઈ ગઈ છે. પીએમ મોદીના નેતૃત્વના મુખ્ય પાંચ મુદ્દાઓ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, નવીનતા અને અટલ દ્રઢ નિશ્ચય હર હમેંશ કેન્દ્રમાં રહ્યાં છે. ગુજરાતમાં નર્મદા યોજનાને કોંગ્રેસે લટકાવી રાખી હતી અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતાની સાથે જ ૧૭મા દિવસે જ દરવાજા લગાડવાની મંજુરી આપી દીધી હતી જેના કારણે ખેતી માટેની સિંચાઈની વ્યવસ્થા તો થઇ પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં કોઈ તરસ્યું ના રહ્યું અને નર્મદા યોજનાના કારણે આપણે આજુબાજુના રાજ્યોને પણ વીજળી પહોંચાડી શક્યા અને કચ્છના રણ સુધી પીવાનું પાણી પહોંચતું થયું. આ એક સુશાસનના ઉત્તમ ઉદાહરણ તરીકે દાખલો આપી શકાય.

પાટીલે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે દેશમાં ૬૦ વર્ષ જેટલું લાંબુ શાસન કર્યું પરંતુ ક્યારેય પણ ૫ વર્ષે કે ૧૦ વર્ષે હિસાબ આપ્યો નથી અને પીએમ નરેન્દ્ર મોદીના શાસનમાં ભાજપા સતત ૯માં વર્ષે પ્રજા સમક્ષ રિપોર્ટ કાર્ડ લઇને પહોંચી રહી છે. પાટીલે વધુમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે કોંગ્રેસની ઈર્ષાની માનસિકતા અંગે પ્રહાર કરતા જણાવ્યું કે, આખું વિશ્વ સરદાર વલ્લભભાઈ પટેલની વિશિષ્ઠ પ્રતિભાની સૌથી ઉંચી પ્રતિમાના દર્શન કરવા આવી રહ્યું છે પરંતુ આ કોંગ્રસના લોકોને દર્શન કરવાનો સમય નથી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભાજપનો કાર્યકર્તા ૩૬૫ દિવસ સક્રિય રહીને જનસેવાના વિવિધ પ્રકલ્પોને પરિપૂર્ણ કરે છે. ભાજપનો કાર્યકર્તા ક્યારેય પણ માત્ર ચુંટણીલક્ષી, રાજકીય ગતિવિધિઓમાં રચ્યો પચ્યો રહેતો નથી પરંતુ સામાજિક જવાબદારીઓનું સતત નિર્વહન કરે છે. આજે દેશના દરેક નાગરિકને વિશ્વાસ છે કે દેશ પર કોઇપણ પ્રકારની સમસ્યા આવશે તો તેનો ઉકેલ આપણા પીએમ નરેન્દ્ર મોદી પાસે છે અને તે સમસ્યાને તેઓ ઉકેલીને બતાવશે. છેવાડાના માનવી સુધી આપણી દરેક યોજનાઓ પહોંચે તે માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ અને લાભાર્થીઓ સુધી યોજનાના લાભો પહોંચાડીએ. દેશના દરેક વર્ગ અને દરેક ક્ષેત્રમાં કામ કરતા લોકો સુધી પહોંચીને જનસંપર્ક અભિયાનને સફળ બનાવવાની અપીલ પટેલે કરી હતી.

Most Popular

To Top