Dakshin Gujarat

નવસારીમાં ઓવર બ્રિજના છેડે સર્જાયો ગંભીર અકસ્માત, ટ્રકની ટક્કરથી બે મહિલાઓના મોત

નવસારી: (Navsari) છાપરાથી એરુ રોડ ઉપર ગાંધી સ્મૃતિ ઓવરબ્રિજ (Over Bridge) શરુ થતા રસ્તા પર ટ્રક (Truck) અડફેટે બે મહિલાનું મોત નીપજ્યાનો બનાવ વિજલપોર પોલીસ મથકે નોંધાયો છે. મોપેડ પરથી ઉતરીને ચાલતી જતી મહિલા અને મોપેડને ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

  • છાપરા – એરુ રોડ ઉપર ગાંધી સ્મૃતિ ઓવરબ્રિજ પાસે ટ્રક અડફેટે બે મહિલાના મોત
  • મોપેડ પરથી ઉતરીને ચાલતી જતી મહિલા અને મોપેડને ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો
  • ટ્રકમાં આગળના કાચના ભાગે ઓન ડ્યુટી સુજલામ સુફલામ જળસંચય યોજનાનું બોર્ડ લાગ્યું હતું.

મળતી માહિતી મુજબ, વિજલપોર રામનગર નમો રેસીડેન્સીમાં સાઈ બંગ્લોઝમાં રહેતા દક્ષભાઈ બાબુભાઈ ટંડેલ (ઉ.વ. 23) તેમના પરિવાર સાથે રહે છે. ગત 16મીએ દક્ષના ઘરે જમવાનો પ્રોગ્રામ હોવાથી મૂળ જલાલપોર તાલુકાના ઓંજલ માછીવાડ ગામે ગણેશ ફળીયામાં રહેતા અને વિજલપોર ગોપાલનગર લક્ષ્મીનગર 2 માં રહેતી તેના પિતાજીની માસી પ્રભાવતીબેન ડાહ્યાભાઈ ટંડેલ તથા દીકરો સંજયભાઈ ઘરે જમવા માટે બોલાવ્યા હતા. જમ્યા બાદ પ્રભાવતીબેન તેમના ગામ કૃષ્ણપુર જવાના હોવાથી દક્ષ તેની એક્સેસ મોપેડ પર બેસાડી મુકવા જતો હતો. તેની પાછળ દક્ષના પિતા અને સંજયભાઈ બાઈક લઈને નીકળવાના હતા. ત્યારે દક્ષની માતા રમીલાબેન પણ ગાંધીસ્મૃતિ બ્રિજ સુધી આવવા માટે તૈયાર થતા દક્ષની મોપેડ પર પ્રભાવતીબેન અને માતા રમીલાબેનને બેસાડી નીકળ્યા હતા. દરમિયાન ગાંધી સ્મૃતિ ઓવરબ્રિજ શરુ થતા છાપરાથી એરુ જતા રોડ ઉપર માતા રમીલાબેન મોપેડ પરથી ઉતરીને પાછળ ચાલીને જતા હતા. ત્યારે એક ટ્રક (નં. જીજે-05-બીટી-5951) ના ચાલકે પાછળથી આવી મારા રમીલાબેનને ટક્કર મારી હતી. સાથે જ દક્ષની મોપેડની ટક્કર મારતા પ્રભાવતીબેન નીચે પડી ગયા હતા. જેના કારણે તેઓને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું. જ્યારે માતા રમીલાબેનને બંને પગે અને જમણા હાથમાં ગંભીર ઈજાઓ થતા તેમને સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે દક્ષે વિજલપોર પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હાથ ધરી છે.

ટ્રકની આગળ સુજલામ સુફલામ જળસંચય યોજનાનું બોર્ડ લાગેલું
નવસારી : હાલમાં નવસારીમાં આજુબાજુના ગામોમાં સુજલામ સુફલામ જળસંચય યોજના અંતર્ગત તળાવો ઊંડા કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે તળાવ ઊંડા કરી તેમાંથી નીકળતી માટી ટ્રકોમાં ભરાઈને અન્ય જગ્યાએ મોકલતા હોય છે. પરંતુ તળાવ ખોદવાના કામો રાત્રી દરમિયાન પણ ચાલી રહ્યા હોવાથી માટી ભરેલી ટ્રકો રાત્રી દરમિયાન ગામોના આંતરિક રસ્તાઓ પરથી પસાર થાય છે. જેના કારણે અકસ્માત થવાની સંભાવના હોવાથી ગામજનોએ વહીવટીતંત્રને ઘણી વખત રજૂઆત કરી હતી. પરંતુ ખાણખનીજ વિભાગ કોઈ પગલા ભરતી નહીં હોવાથી રાત્રી દરમિયાન પણ માટી ભરેલી ટ્રકો પસાર થાય છે. ત્યારે ગત રાત્રે ગાંધી સ્મૃતિ ઓવરબ્રિજ પાસે ટ્રક અડફેટે બે મહિલાઓના મોત નીપજ્યા હતા. તે ટ્રકમાં આગળના કાચના ભાગે ઓન ડ્યુટી સુજલામ સુફલામ જળસંચય યોજનાનું બોર્ડ લાગ્યું હતું.

Most Popular

To Top