Gujarat

74માં પ્રજાસત્તાક પર્વે મુખ્યમંત્રીએ બોટાદ જિલ્લામાં 298 કરોડનાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા

ગાંધીનગર: સંતો અને કવિઓની ભૂમિ બોટાદ (Botad) પણ હવે વિકાસના નક્શામાં ઉભરી રહ્યું છે. વિકસિત દેશોમાં રોજગારીની સમસ્યા વકરી રહી છે તેની સામે ભારતમાં રોજગારી વધી રહી છે. વિકાસનાં કાર્યોમાં લોક ભાગીદારી પણ એટલી જ મહત્ત્વની છે અને ગુજરાત (Gujarat) તે દિશામાં નવા આયામો પ્રસ્થાપિત કરી રહ્યું છે. રાજ્યમાં વિકાસના કાર્યોની ગતિ વધુ તેજવાન બની છે, તેવું ૭૪માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બોટાદ જિલ્લામાં રૂ.ર૯૮ કરોડનાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ જનમેદની સંબોધતાં મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભના કારણે છેવાડાના ગામના રમતવીરોને તમામ સુવિધાઓ અને માર્ગદર્શન મળ્યા છે. સ્પોર્ટ્સ ક્ષેત્રે જ્યાં તક નહોતી ત્યાં તક ઊભી કરવાનું કામ આપણી સરકારે કર્યું છે. બોટાદમાં બનનાર સ્પોર્ટ્સ સંકુલ આવી ઘણી નવી તકો સર્જન કરશે. ભારત આ વર્ષે જી-20 સમિટનું યજમાની કરી રહ્યું છે. જી-20ના 15 કાર્યક્રમમાં ગુજરાતમાં પણ યોજાશે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી દેશ અમૃત કાળમાં પ્રવેશી ચૂક્યો છે. ત્યારે આ અમૃતકાળમાં જ ભારત વિકસિત રાષ્ટ્ર બને અને તે માટે આપણે ગુજરાતને પણ વધુને વધુ વિકસિત બનાવવા પ્રયાસો કરીએ, એવું તેમણે આહવાન કર્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી ડો.મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યું હતું કે, રાજ્યકક્ષાના ૭૪મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી જ્યારે ધર્મ અને આસ્થાના કેન્દ્ર સમાન બોટાદ જિલ્લામાં થવા જઈ રહી છે. ત્યારે આજે અનેક વિકાસકાર્યોનાં ઈ- લોકાર્પણ-ખાતમુહૂર્ત તેમજ ભૂમિપૂજન કાર્યો થકી આવનારા દિવસોમાં બોટાદ જિલ્લો વિકાસના નવાં શિખરો સર કરશે.

Most Popular

To Top