Gujarat

લોકશાહીના ઇતિહાસમાં ગુજરાતનું નામ પહેલરૂપ રાજ્યમાં આવે એવુ વાતાવરણ બનાવીએ – મુખ્યમંત્રી

ગાંધીનગર: ગુજરાતની (Gujarat) ૧૫મી વિધાનસભામાં ચૂંટાયેલા સૌ ધારાસભ્યો પ્રજાના પ્રતિનિધિઓ છો, નાગરિકોનો અવાજ છે. આથી પ્રજાના પ્રશ્નોને ગૃહમાં સારી રીતે વાચા આપી શકાય એની તાલીમ માટે યોજાયેલી સંસદીય કાર્યશાળા સૌ માટે ફળદાયી નિવડશે. ધારાસભ્યની પ્રશ્નોને રજુ કરવાની પધ્ધતિ સારી હોય તો તેનો અલગ પ્રભાવ પડે છે. ગૃહમાં કોઈ મુદ્દા પર તીવ્ર ચર્ચા કર્યા બાદ ગૃહની બહાર ધારાસભ્યો મળે ત્યારે સહજતા અને પ્રેમપૂર્વક વાત થતી હોય છે, આવા જ સૌહાર્દભર્યા વાતાવરણનું નિર્માણ આપણે ગૃહમાં કરવું છે અને એ માટે આપણે સૌ એ સહિયારા પ્રયાસો કરવા પડશે, તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંસદીય કાર્યશાળાના સમાપન પ્રસંગે જણાવ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, જનપ્રતિનિધિ તરીકે ગૃહમાં આપણું વર્તન, વ્યવહાર, પ્રશ્નો-સમસ્યાની ચર્ચામાં સહભાગી થવાની રીતભાત બધા પર પ્રજાની નજર રહેતી હોય છે. આપણે સૌ ગૃહમાં એવું વાતાવરણ બનાવીએ કે લોકશાહી અને સંસદીય પ્રણાલિના ઇતિહાસમાં ગુજરાત વિધાનસભા ગૃહની ગરિમા વધુ ઉન્નત બને. સંસદીય કાર્યશાળામાં પ્રજાકીય પ્રશ્નો માટે વિવિધ વિષયો પર માર્ગદર્શન અપાયું છે તે આગામી સમયમાં ગુજરાતની સંસદીય કાર્યપ્રણાલી ક્ષેત્રે નવા કિર્તીમાન રચીને દેશને નવો રાહ ચીંધશે એવો મને દ્રઢ વિશ્વાસ છે.

ગુજરાત વિધાનસભા દ્વારા આયોજિત દ્વિ-દિવસીય સંસદીય કાર્યશાળાના સમાપન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, સમગ્ર દેશમાં આપણું ગુજરાત અનેક બાબતોમાં ‘આદર્શ મોડેલ’ છે. જો જીવલેણ રોગોથી મુક્ત થવું હશે, સ્વાસ્થ્યપ્રદ અન્ન આરોગવું હશે, હવા-પાણી-ભૂમિ અને પર્યાવરણની રક્ષા કરવી હશે, ગૌ માતાને બચાવવી હશે તો પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે. જો તમે ખેડૂતોનું કલ્યાણ ઈચ્છતા હો તો ગુરુદક્ષિણામાં મને વચન આપો કે, તમે પોતપોતાના મતવિસ્તારમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત અને પ્રોત્સાહિત કરશો. પ્રાકૃતિક કૃષિમાં પણ ગુજરાતને આખા દેશ માટે ‘આદર્શ મોડલ’ બનાવવા તેમણે તમામ ધારાસભ્યોને આહ્વાન કર્યું હતું.

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે બે દિવસીય કાર્યશાળા દરમ્યાન ધારાસભ્યોએ ખૂબ સહજતાથી ઘણું શીખ્યું છે. કાર્યશાળા દરમ્યાન તમામ સભ્યો એકબીજાને ઓળખતા થયા છે. લોકશાહીની કાર્યપ્રણાલીમાં એકબીજા પાસેથી સારી બાબતો શીખવી ખૂબ જરૂરી છે. કાર્યશાળામાં ધારાસભ્યોનો હકારાત્મક અભિગમ રહ્યો છે. જે ગુજરાતના વિકાસ માટે ખૂબ સારી નિશાની છે.

વિધાનસભા ગૃહને મારે ડીઝીટલ બનાવી પેપરલેસ કરવી છે. જે માટે કામગીરી શરૂ થઈ ગઈ છે. દરેક ધારાસભ્યને વિધાનસભા ગૃહમાં ટેબ્લેટ આપી ડીઝીટલ વિધાનસભાની કામગીરી માટે ટ્રેનિંગ પણ આપવામાં આવશે. બજેટ સત્ર બાદ મળતાં સત્ર સુધી વિધાનસભા ગૃહની કાર્યવાહી પેપરલેસ બને તેવો મારો પ્રયત્ન છે. જે ઉપરાંત ધારાસભ્યનું જ્ઞાન વધુ વધે તે માટે વિધાનસભાની લાઈબ્રેરી આધુનિક કરી છે. જે લાઈબ્રેરી ધારાસભ્યો માટે રેફરન્સ નો મુખ્ય સ્ત્રોત બનશે. બે દિવસીય કાર્યશાળામાં જે વિષયોનું માર્ગદર્શન ધારાસભ્યો મેળવ્યું છે તે ગુજરાતના વિકાસને આગળ લઈ જવા મદદરૂપ થશે.

Most Popular

To Top