National

છત્તીસગઢમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ, જીવ બચાવવા લોકોએ છલાંગ લગાવી, 3 લોકોના મોત

છત્તીસગઢ : છત્તીસગઢના (Chhattisgarh) કોરબામાં એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં (Commercial Complex) ભીષણ આગ લાગી હતી. આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ઈલેક્ટ્રોનિકની દુકાનો, મોબાઈલની દુકાનો અને કપડાની દુકાનો આવેલી છે. જેમાંથી 8 જેટલી દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. જેનાથી કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. આ સાથે કોમ્પ્લેક્સમાં ઇન્ડિયન બેંકની (Indian Bank) શાખા પણ બળીને રાખ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ભીષણ આગ લાગતા ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત વઘું ગંભીર છે. જોકે આ આગ કઈ રીતે લાગી તેનું કારણ સામે આવ્યું નથી.

છત્તીસગઢના કોરબામાં ટ્રાંસપોર્ટ નગરમાં આવેલ એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ આગ એટલી ભીષણ હતી કે લોકોએ પોતાનો જીવ બચાવવા માટે પહેલા માળ પરથી છલાંગ લગાવી હતી. આ અગ્નિકાંડની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. જો કે આગ લાગતા ઘણા લોકો સીડીની મદદથી નીચે ઉતરી ગયા હતા. ઘટના સ્થળ પર કોરબા કલેક્ટર સંજીવ કુમાર ઝા અને પોલીસ અધિક્ષક ન્યુ ઉદય કિરણ પણ હાજર રહ્યા હતા.

આગમાં ફસાયેલા ત્રણ લોકોના મોત
આગ લાગતા ત્રણ કે ચાર લોકો ઉપર જ ફસાઈ ગયા હતા. તે લોકોનો ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કરી તત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉપર ફસાયેલા લોકોમાં એક મહિલા અને બે પુરૂષો હતા. જેમનું મોત નિપજ્યું હતું. મૃત્યુ પામેલા લોકોની ઓળખ થઈ ગઈ છે. જેમાં એક મહિલાનું નામ રશ્મિ સિંહ (25 વર્ષ) છે. જ્યારે પુરૂષની ઓળખ શત્રુઘ્ન ધીરહે (42 વર્ષ) અને દેવેન્દ્ર કુમાર (45 વર્ષ) તરીકે થઈ છે. આ સાથે એક અન્ય વ્યક્તિની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

ખરીદી કરવા આવેલા લોકોમાં 12 લોકો ફસાઈ ગયા હતા
ઘટના બની તે સમયે ઇન્ડિયન બેંકની શાખામાં ઘણા લોકો હાજર હતા. સાથે ટાઈપ ક્લેક્શન નામના શો રૂમમાં પણ લોકો ખરીદી કરવા આવ્યા હતા. ટાઈપ ક્લેક્શનમાં ખરીદી કરવા આવેલા લોકોમાં 12 લોકો ત્યાં જ ફસાઈ ગયા હતા. ફસાયેલા લોકોને બચાવવા માટે ઇન્ડિયન બેંકના સિક્યોરિટી ગાર્ડ તેમને નીચે કુદવાનું કહ્યું હતું. જો કે તેમને ઈજા ન થાય તે માટે આજુબાજુના ઘરેથી ગાદલા ભેગા કરી નીચે પાથરી દેવામાં આવ્યા હતા. ગાદલા પર કુદવાથી લોકોને ગંભીર ઈજા થઈ ન હતી.

તક્ષશિલા અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા
આ પહેલા આવો જ એક બનાવ દિલ્હી અને સુરતમાં બન્યો હતો. સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગ ફાટી નીકળી હતી. આ આગ લાગતા તક્ષશિલા આર્કેડમાં આવેલ એક કોચીંગ કલાસમાં ભણતા વિદ્યાર્થીઓએ પોતાનો જીવ બચાવવા ઉપરથી છલાંગ લગાવી હતી. જેમાં 22 જેટલા વિદ્યાર્થીઓનું મૃત્યુ થયું હતું. દિલ્હીમાં પણ થોડા દિવસ અગાઉ કોચિંગ ક્લાસમાં આગ લાગી હતી. જેમાં જીવ બચાવવા યુવાનો વાયરના સહારે નીચે ઉતર્યા હતા.

Most Popular

To Top