National

અરવિંદ કેજરીવાલને CBIના સમન્સ બાદ સંજય સિંહે કહ્યું, ‘અત્યાચારનો અંત ચોક્કસપણે થશે’

નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) શરાબ ધોટાળા કેસમાં હવે પોલીસ (Police) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચી છે. આ કેસમાં મનીષ સિસોદીયાની ધરપકડ સીબીઆઈએ (CBI) 26 ફેબ્રુઆરીના રોજ કરી હતી. જાણકારી મળી આવી છે કે CBIએ આ કેસમાં કેજરીવાલ સામે સમન્સ જાહેર કર્યું છે જે મુજબ 16 એપ્રિલની સવારે 11 વાગ્યે આ કેસમાં CBI તેમની પૂછપરછ કરશે. જાણકારી મુજબ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ CBIની ઓફિસ જશે. આ ઉપરાંત સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે CBIની નોટિસનો જવાબ આપવા માટે આમ આદમી પાર્ટી આક્રમક દેખાઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી આ મામલે વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીની કાયદાકીય સલાહ લેશે.

આ પછી આપના સંજય સિંહે ટ્વિટ કરીને જણાવ્યું કે અત્યાચારનો અંત જરૂર થશે. તેઓએ કેન્દ્ર પર નિશાન સાધતા કહ્યું કે તમે તમારા મિત્ર (અદાણી)ના બિઝનેસને વધારવા માટે દેશના પૈસાનો ઉપયોગ કર્યો છે. કેજરીવાલ વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. પરંતુ આ ષડયંત્ર સામે કેજરીવાલની લડાઈ અટકશે નહીં. દેશના ખૂણે ખૂણે જઈને તમે કરેલા લાખો-કરોડો રૂપિયાના કૌભાંડ વિશે જણાવવું જરૂરી છે. કેજરીવાલ જેમણે દિલ્હીને સ્વચ્છ પાણી, મફત વીજળી અને સારું શિક્ષણ આપ્યું. ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેમનું અભિયાન અટકવાનું નથી. ભ્રષ્ટાચાર સામેનું આ અભિયાન ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

ગોવા પોલીસે પણ કેજરીવાલ સામે સમન્સ જાહેર કર્યું
આ ઉપરાંત ગોવા પોલીસે પણ કેજરીવાલ સામે સમન્સ જાહેર કર્યું છે. ગોવા પોલીસે તેમને 27 એપ્રિલના રોજ જાહેર થવા કહ્યું છે. 2022ની વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન સરકારી સંપત્તિ અને સાર્વજનિક સ્થળો પર ચૂંટણી પોસ્ટર ગેરકાયદેસર રીતે ચોંટાડવા અને લગાવવાના સંબંધમાં ગોવા પોલીસ દ્વારા આ નોટિસ જારી કરવામાં આવી છે. સમન્સ અનુસાર અરવિંદ કેજરીવાલે પરનેમ પોલીસ સમક્ષ હાજર થવું પડશે.

જાણો શું છે સમગ્ર કેસ
દિલ્હી સરકારે 17 નવેમ્બર 2021ના રોજ નવી આબકારી નીતિ લાગુ કરી હતી. આ નીતિના અમલ પછી દિલ્હી સરકારે આવકમાં વધારાની સાથે માફિયા શાસનનો અંત લાવવાની દલીલ કરી હતી, પરંતુ તેનાથી બરાબર ઊલટું થયું. જુલાઈ 2022 માં દિલ્હીના તત્કાલીન મુખ્ય સચિવે એલજી વીકે સક્સેનાને એક રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં મનીષ સિસોદિયા પર દારૂના વેપારીઓને અયોગ્ય લાભ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એલજીએ આ મામલાની સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી હતી. એલજીની ભલામણ બાદ સીબીઆઈએ 17 ઓગસ્ટ 2022ના રોજ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. આ કેસમાં મનીષ સિસોદિયા સહિત 15 લોકોને આરોપી મળી આવ્યા હતા. 22 ઓગસ્ટે EDએ એક્સાઇઝ પોલિસીમાં મની લોન્ડરિંગનો કેસ પણ નોંધ્યો હતો. લગભગ છ મહિનાની તપાસ બાદ સીબીઆઈએ ફેબ્રુઆરી મહિનામાં મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. ત્યારે હવે આ કેસમાં અરવિંગ કેજરીવાલની પણ પૂછપરછ CBI દ્વારા કરવામાં આવશે.

Most Popular

To Top