Charchapatra

શું પેટા ચૂંટણી, ખાળી ના શકાય???

નગરપાલિકા, મહાનગરપાલિકા, ધારાસભા તથા સંસદમાં ચૂંટાયેલા સભ્યનું ચાલુ સત્રમાં મૃત્યુ થાય અથવા તો એ સભ્ય રાજીનામુ આપે એટલે એ જગ્યા ખાલી પડે. ત્યારબાદ એ જગ્યા પૂરવાર માટે ત્યાં પેટાચૂંટણી કરવામાં આવે છે. આવડા મોટા દેશમાં આ રીતે 365 દિવસ દરમ્યાન કયાંકને કયાંક કશાક પદની જગ્યા માટે પેટા ચૂંટણીઓ યોજાવાનું ચાલુ જ હોય છે. આવી પેટા ચૂંટણીઓમાં સરકારને સારૂ એવુ ખર્ચ કરવું પડતું હોય છે અને એ પ્રસંગના ખર્ચનો ઢોલ તો પાછો કન્યાની (પ્રજાની) કેડે જ વાગતો હોય છે. જયાં આવી પેટા ચૂંટણીઓ હોય તે વિસ્તારમાં વળી પાછી આચારસંહિતા પણ લાગુ પાડવામાં આવે છે. પરિણામે નવા કોઇ સરકાર હસ્તકના કામ થતા નથી.

આ સ્થિતિએ અમે એવું વિચારીએ છીએ કે ચાલુ સભ્યનું મૃત્યુ જો કુદરતી રીતે અથવા કોઇ રોગથી થયું હોય અથવા એ સભ્યએ રાજીનામુ આપી દીધું હોય તેવા સંજોગોમાં આગળની ચૂંટણીમાં આ સભ્ય પછી વોટની સંખ્યામાં બીજા નંબરે આવતી કોઇ પણ પક્ષની વ્યકિતને જે તે સ્થાને બેસાડી દેવી જોઇએ. દા.ત. ધારાસભાની પાટણની સીટ ઉપરના ચાલુ સભ્યનું માંદગીથી મૃત્યુ થયું છે. એમની પછી વોટની સંખ્યાની દૃષ્ટિએ બીજા નંબરે આવનાર કોંગ્રેસના ઉમેદવારને ધારાસભ્ય બનાવી દેવો જોઇએ. અકસ્માત મૃત્યુમાં, આપઘાતના કેસમાં કે ખૂન થવાથી મૃત્યુ પામનાર સભ્ય માટે પેટા ચૂંટણી યોજવી રહી. આવા કેસમાં શકય છે કે બીજા નંબરે વોટિંગ મેળવનાર સત્તાની લાલસામાં આગળના ક્રમના ચૂંટાયેલા સભ્યને પતાવી પણ દે એવું ભારતમાં બને પણ ખરૂં. ટૂંકમાં કુદરતી રીતે મૃત્યુ પામનાર અથવા રાજીનામું આપનાર સભ્યની જગ્યાએ પેટા ચૂંટણીઓ નહિ યોજીને બીજા ક્રમે આવેલા ઉમેદવારને ચૂંટાયેલો જાહેર કરવો જોઇએ.
સુરત           – બાબુભાઇ નાઇ         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top