Entertainment

બોલીવુડના એક્ટર આદિત્ય સિંહ રાજપૂતનું રહસ્યમય મોત: બાથરૂમમાં મળી લાશ

મુંબઈ: ફિલ્મ જગતમાંથી વધુ એક યુવાન અભિનેતાના મૃત્યુના આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. વેબસિરિઝ અને ફિલ્મોમાં નાના રોલ કરનાર અભિનેતા (Actor), મોડલ (Model) અને કાસ્ટિંગ ડિરેક્ટર (Casting Director) આદિત્ય સિંહ રાજપૂતનું (Aditya Sinh Rajput) રહસ્યમય રીતે મૃત્યુ (Death) થયું છે.

સોમવારે તા. 22 મેના રોજ બપોરે અંધેરીના ઘરના બાથરૂમમાંથી આદિત્ય મૃત હાલતમાં મળી આવ્યો હતો. સૌથી પહેલાં આદિત્યના મિત્રને તેનો મૃતદેહ મળ્યો હતો. બિલ્ડિંગના 11માં માળે સ્થિત ફ્લેટના બાથરૂમમાં મૃત અવસ્થામાં પડ્યો હતો. ત્યાર બાદ મિત્ર અને બિલ્ડિંગના ચોકીદાર તેને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં અભિનેતાને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અભિનેતાના મૃત્યુ પાછળ ડ્રગ્સનો ઓવરડોઝ માનવામાં આવી રહ્યો છે.

આદિત્ય સિંહ રાજપૂતની ઈન્ડસ્ટ્રીમાં સારી ઓળખ હતી. તેના ઘણા લોકો સાથે સંબંધો હતા. તેણે પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. થોડા ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યા પછી તેણે પોતાની બ્રાન્ડ પોપ કલ્ચર શરૂ કર્યું હતું. આ બ્રાન્ડ હેઠળ તે કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કરતો હતો. તેણે ઇન્ડસ્ટ્રીમાં ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓને લોન્ચ કર્યા હતા.

અભિનેતાના આકસ્મિક અવસાનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો આંચકો લાગ્યો છે. ગઈકાલ સુધી પાર્ટી કરતો અને હસતો આદિત્ય આજે આ દુનિયામાં નથી એ માનવું કોઈ માટે મુશ્કેલ છે. દિલ્હીના રહેવાસી આદિત્ય સિંહ રાજપૂતની મૉડલિંગમાં શાનદાર કારકિર્દી હતી. તેણે ‘ક્રાંતિવીર’ અને ‘મૈંને ગાંધી કો નહીં મારા’ નામની ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સિવાય તે ટીવી પર લગભગ 300 જાહેરાતોમાં જોવા મળ્યો હતો. તે ટીવી રિયાલિટી શો સ્પ્લિટ્સવિલામાં પણ જોવા મળ્યો હતો.

આદિત્યએ વેબ સિરીઝ ‘ગંદી બાત’માં પણ કામ કર્યું હતું. આદિત્ય સિંહ રાજપૂત લાંબા સમયથી એક પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલો હતો. તે કાસ્ટિંગના કામ પર વધુ ધ્યાન આપતો હતો. મુંબઈની ગ્લેમર જગતમાં આદિત્યની ખાસ ઓળખ હતી. તે ઘણીવાર પાર્ટીઓ અને પેજ 3 ઈવેન્ટ્સમાં જોવા મળતો હતો.

આદિત્ય સિંહ રાજપૂતે 17 વર્ષની ઉંમરે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અભિનેતાનો જન્મ અને ઉછેર દિલ્હીમાં થયો હતો. જોકે તેનો પરિવાર ઉત્તરાખંડનો હતો. તેના ઘરમાં તેના માતા-પિતા સાથે તેની એક મોટી બહેન છે, જે લગ્ન પછી યુએસએ શિફ્ટ થઈ ગઈ છે.

Most Popular

To Top