World

વર્ષોની કટોકટી અને અકસ્માતોના કલંક બાદ બોઇંગનો શાનદાર કમબેક; FAA એ આપ્યો સેલ્ફ-સર્ટિફિકેશનનો પાવર

એવિએશન ક્ષેત્રના એક ખૂબ જ મહત્વના અહેવાલ મુજબ, અમેરિકાની ઉડ્ડયન નિયામક સંસ્થા FAA એ જાહેરાત કરી છે કે આગામી સપ્તાહથી બોઇંગ કંપની તેના સૌથી લોકપ્રિય 737 મેક્સ અને 787 ડ્રીમલાઇનર વિમાનોની સુરક્ષા તપાસ કરીને તેમને જાતે ફ્લાઇટ માટે યોગ્ય જાહેર કરવાની સત્તા ફરી મેળવી લેશે. છેલ્લા કેટલાક મહિનાઓના સઘન સુરક્ષા ઓડિટ અને ડેટા સમીક્ષા બાદ FAA એ આ નિર્ણય લીધો છે.

શું હતો વિવાદ અને શા માટે નિયંત્રણો લદાયા હતા?

બોઇંગ કંપનીના વિમાનો ભૂતકાળમાં શ્રેણીબદ્ધ ટેકનિકલ ખામીઓ અને અકસ્માતોનો ભોગ બન્યા હતા:

  • 737 મેક્સ પર પ્રતિબંધ (2019): વર્ષ 2018 અને 2019 માં બોઇંગ 737 મેક્સના બે જીવલેણ અકસ્માતો થયા બાદ, તેના નવા સોફ્ટવેર સિસ્ટમની ખામીને કારણે FAA એ વિમાનોની મંજૂરીની તમામ સત્તા પોતાના હસ્તક લઈ લીધી હતી.
  • 787 ડ્રીમલાઇનર પર પ્રતિબંધ (2022): લાંબા સમયથી સતત ચાલી આવતી ગુણવત્તાની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને વર્ષ 2022 માં FAA એ બોઇંગ પાસેથી આ મોડેલને પણ જાતે સર્ટિફાઇ કરવાનો અધિકાર છીનવી લીધો હતો.

8 મહિનાના કપરા ટેસ્ટિંગ બાદ મળી મંજૂરી

ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનાથી FAA અને બોઇંગ વચ્ચે એક વિશેષ ટ્રાયલ પ્રોગ્રામ ચાલી રહ્યો હતો. વિમાન ડિલિવરી આપતા પહેલાં તેની ફાઇનલ સુરક્ષા તપાસ કરવા માટે બોઇંગ અને સરકારી નિરીક્ષકો વારાફરતી અઠવાડિયે કામ કરતા હતા. છેલ્લા 8 મહિનાના ડેટામાં જોવા મળ્યું કે બોઇંગના આંતરિક ઇન્સ્પેક્ટરો અને સરકારી ઇન્સ્પેક્ટરો બંને સુરક્ષા માપદંડો પર એક સમાન તારણ પર જ પહોંચે છે. આ ગુણવત્તા અને સુધારાને જોઈને FAA એ ફરીથી વિશ્વાસ મૂક્યો છે.

ઉત્પાદન મર્યાદા વધારીને 47 કરાઈ

જાન્યુઆરી 2024 માં અલાસ્કા એરલાઇન્સના વિમાનનો એક દરવાજો હવામાં જ ઉખડી જવાની ઘટના બાદ બોઇંગ પર દર મહિને માત્ર 38 વિમાનો બનાવવાની મર્યાદા લાદવામાં આવી હતી. જોકે, કંપનીની સુધરેલી ઓપરેશનલ ક્ષમતાને કારણે આ ઉત્પાદન મર્યાદા હવે વધારીને દર મહિને 47 વિમાન સુધી પહોંચાડવામાં આવી છે.

સરકારી સુપરવિઝન ચાલુ રહેશે

નવા નિયમો મુજબ બોઇંગને સેલ્ફ-સર્ટિફિકેશનની છૂટ મળી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે સરકારી નજર હટી ગઈ છે:

  • અગાઉથી ખામીઓ પકડાશે: FAA ના એડમિનિસ્ટ્રેટર બ્રાયન બેડફોર્ડે જણાવ્યું કે, “અમારા માટે સુરક્ષા સર્વોપરી છે. હવે સરકારી ઇન્સ્પેક્ટરો ફાઇનલ સર્ટિફિકેટ આપવાના બદલે ફેક્ટરીઓમાં મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ પર નજર રાખશે, જેથી કોઈ પણ ટેકનિકલ ખામી ઉત્પાદનના શરૂઆતના તબક્કામાં જ પકડીને સુધારી શકાય.”
  • બોઇંગનું નિવેદન: બોઇંગે સત્તાવાર રીતે જણાવ્યું છે કે તેઓ હાઈ-ક્વોલિટી કમર્શિયલ એરોપ્લેન બનાવવા માટે FAA ના કડક માર્ગદર્શન હેઠળ સતત કામ કરતા રહેશે.

Most Popular

To Top