SURAT

સુવિધા મળે છે એટલે લોકો ભાજપને સત્તા સોંપે છે, સુરત પાલિકાના બજેટને શાસકોએ વખાણ્યું

સુરત(Surat): સુરત મહાનગરપાલિકાના (SMC) શાસકો દ્વારા રજૂ કરાયેલા વર્ષ 2024-25ના બજેટ (Budget) પર પાલિકાની સામાન્ય સભામાં આજે સતત બીજા દિવસે ચર્ચા ચાલી રહી છે. ભાજપના કોર્પોરેટરોએ બજેટને પ્રજાલક્ષી ગણાવ્યું છે. કોર્પોરેટરોએ કહ્યું કે, લોકોને સતત સુવિધા મળી રહી છે એટલે જ લોકો ભાજપને સત્તા સોંપી રહ્યાં છે. દરેક ચૂંટણીમાં વધુ મત ભાજપ મેળવી રહ્યું છે તે દર્શાવે છે કે લોકો ભાજપના શાસનમાં ખુશ છે. આ સાથે જ કોર્પોરેટરોએ કહ્યું કે, મોદી સરકારે કેન્દ્રમાં સત્તા સંભાળી ત્યારથી જ રામરાજ્ય આવ્યું છે. મોદીના શાસનમાં મંદિર પણ બને છે અને ગરીબોના ઘર પણ બની રહ્યાં છે. ચાલો જાણીએ કયા કોર્પોરેટરે શું કહ્યું…

મોદીના શાસનમાં એકતરફ મંદિર બને છે તો બીજી તરફ ગરીબોના ઘર પણ બને છે: વિજય ચોમાલ
સુરતની જનતા સતત ભાજપને સત્તા સોંપે છે. દરેક ચૂંટણીમાં ભાજપનો વોટ શેર વધ્યો છે. કારણ ભાજપના શાસનમાં સુરતની જનતાને સતત સુવિધા મળી રહી છે. હવે તો નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રામરાજ્ય આવ્યું છે. નરેન્દ્ર મોદી દેશના સામાન્ય પરિવારમાંથી આવ્યા છે એટલે સમાજના તમામ વર્ગ ની તકલીફો સમજે છે. એક બાજુ ભગવાનના મંદિર બને છે બીજી બાજુ ગરીબોના ઘર પણ બની રહ્યા છે.

બજેટમાં 1000 કરોડનો વધારો છતાં પ્રજા પર કરનો બોજો વધારાયો નથી: દિનેશ રાજપુરોહિત
ભાજપના કોર્પોરેટર દિનેશ રાજપુરોહિત જણાવ્યું હતું કે ગયા વર્ષ કરતા બજેટમાં 1000 કરોડનો વધારો કર્યા છતાં એક પણ રૂપિયાના કરવેરો વધારાયો નથી, તે મોટી વાત છે. વિપક્ષ કહે છે ભાજપ છેતરપિંડી કરે છે પણ ભાજપ જેની સાથે જોડાય છે તેને પણ આગળ લઈ જાય છે. સુરતને પણ આગળ લઈ ગયા. પીપીપી મોડેલ અંગે રાજપુરોહિતે કહ્યું કે, વિયર કમ કોઝવે, એરપોર્ટ રોડ વગેરે તેના ઉત્તમ ઉદાહરણ છે.

પાંચ પાંડવના ઓવારાની જાળવણી કરો: સ્વાતિ કિયાડા
કુદરતી આફત સમયે લોકોને ઝડપથી સારવાર, સુવિધા પ્રાપ્ત થઈ શકે તે માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે અભિયાન હાથ ધરવું જોઈએ. સ્કુલના વિધાર્થીઓને ટ્રેનિગ આપવી જોઈએ. આ સાથે પાંચ પાડવનો ઓવારો, કલોક ટાવર સહીતના પ્રકલ્પોની પણ જાળવણી કરવી જોઈએ.

ગરીબોને સહાય આપતી યોજનાઓ અંગે જાગૃતિ જરૂરી : ધર્મેશ ભાલાળા
ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સહાય પુરી પાડવા માટે સરકારે અનેક યોજના શરૂ કરી છે. આ યોજના અંગે પુરતી માહીતી ન હોવાને કારણે લોકો સેવાથી વંચિત થઈ રહ્યા છે. જેને પગલે યોજના અંગે જાગૃતિ લાવવાની જરૂર છે. વાતવાતમાં વિરોધ નોંધાવતા વિપક્ષના સભ્યો ચુંટણી સમયે દેખાતા હતા હવે તેમને શોધવા પડી રહ્યા છે.

લોકોના આશીર્વાદથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે: ધનશ્યામ સવાણી
સરદાર પટેલ સભાગૂહ સાક્ષી છે. લોકોના આશિર્વાદથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે. લોકો સુધી યોજનાની માહીતી પુરી પાડવા માટે વિકસીત ભારત યોજના હેઠળ યાત્રા કાઢવામાં આવી હતી. બજેટમાં લોકોને સુવિધા પુરી પાડવા માટે વિવિધ જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે વિપક્ષના સભ્યો બજેટને વેફરના પેકેટ સાથે સરખાવી રહ્યા છે.

શહેરીજનોને ઘર નજીક સારવાર મળે તે માટે દરેક ઝોનમાં 50 બેડની હોસ્પિટલનું આયોજન: કૈલાશ સોલંકી
શહેરીજનોને ઘર નજીક ઝડપથી સારવાર મળી રહે તે માટે ઝોન દીઠ 50 બેડની હોસ્પિટલ બનાવવાનું આયોજન મનપા દ્વારા કરવામાં આવી રહ્યું છે. સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને વધુ સુવિધા પુરી પાડવા માટે સ્મીમેર હોસ્પિટલને અપગ્રેડ કરવામાં આવી રહી છે. કાંઠા વિસ્તારની બહેનોએ પાણી ભરવા માટે દુર સુધી જવુ પડતું હતું. આજે મનપાએ પ્રાથમિક સુવિધા પુરી પાડીને લોકોની હાલાકીમાંથી છુટકારો અપાવ્યો છે.

વિપક્ષની હવા 2025માં નીકળી જવાની છે: વ્રજેશ ઉનડકટ
સુરત મહાનગર પાલિકાએ વિકાસને શબ્દ પુરતો સિમિત રાખ્યો નથી. દેશ અને વિદેશને વિકાસના દર્શન સુરતે કરાવ્યા છે. સુરતને ગુજરાતનું આર્થિક પાટનગરનું ઉપનામ મળ્યું છે તે શહેરીજનો માટે ગૌરવ લેવા જેવી વાત છે. વર્ષ 1995 પુર્વે સુરત શહેર ગંદા અને ગોબરા શહેરથી ઓળખાતું હતુ. આજે સુરત દેશનું પ્રથમ સ્વચ્છ શહેર બન્યું છે.

સુરત શહેરમાં અનેક રાજયના લોકો રોજગાર માટે આવી રહ્યા છે. સુરત શહેર લધુભારત તરીકે ઓળખાઈ રહ્યું છે. અન્ય રાજયના લોકોને રોજગાર આપવા સાથે તેમના બાળકોને વિવિધ ભાષામાં શિક્ષણ સુરત મનપા આપી રહી છે. વિપક્ષના સભ્યોને વેફરના પેકેટમાં હવા ભરેલું બજેટ લાગ્યું છે. 2025માં વિપક્ષની આ હવા પણ નિકળી જવાની છે. ટ્રાફીકનું ભારણ હળવું કરવા માટે ઈન્ડોર સ્ટેડીયમની સામે આવેલી જગ્યા પર મલ્ટીલેવલ પાર્કીગ બનાવવાનું સુચન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top