Comments

માંડ બસો-ત્રણસો કમાતાં લોકોને કેમ કોરોનાવાયરસના ‘સુપર સ્પ્રેડર’ ગણાવીને ઉતારી પાડવામાં આવ્યા

કોવિડને પગલે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ ધીમે ધીમે હળવી થઈ રહી હોય એમ જણાય છે. હજી અમુક પાબંદીઓ છે ખરી, પણ એમાં કોવિડ સામેની સાવચેતી કરતાં ઔપચારિકતા નિભાવવાનું વલણ વધુ હોય એમ લાગે. આ અભૂતપૂર્વ વિકટ પરિસ્થિતિ દરમિયાન જેમણે પોતાનાં સ્વજનો ગુમાવ્યાં એમના માટે આ કાળની સ્મૃતિ દુઃખદાયી બની રહેશે. આ કાળમાં નાનામોટા વેપારઉદ્યોગોએ પણ આર્થિક સંકટનો સામનો કરવાનો આવ્યો.

નાના દુકાનદારોની સ્થિતિ કદાચ વધુ ખરાબ હશે, તો છૂટક ફેરી કરતાં ફેરિયાઓની હાલત શી હશે એ કલ્પવું મુશ્કેલ નથી. શરૂઆતમાં તો આ વર્ગને ‘સુપર સ્પ્રેડર’નું લેબલ મારીને ઊતારી પાડવામાં આવ્યો. એ વાત અલગ છે કે રાજકીય રેલીઓમાં નેતાઓએ ટોળેટોળાં ભેગાં કર્યાં, છતાં તેમને ન કોઈ લેબલ મારવામાં આવ્યું કે ન કોઈ પ્રકારનાં દંડાત્મક પગલાં તેમની પર લેવામાં આવ્યાં.

આવા ફેરિયાઓને આર્થિક સહાય મળી રહે એ માટે આપણા વડા પ્રધાન દ્વારા ‘પી.એમ.સ્વનિધિ’ (પ્રાઈમ મિનિસ્ટર સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ) ના નામે એક યોજનાનો આરંભ કરવામાં આવ્યો હતો. તેના અંતર્ગત વિવિધ બૅન્કો પ્રત્યેક ફેરિયાને દસ હજાર રૂપિયા લોન પેટે આપે અને સામે કોલેટરલ તરીકે કશું ન માગે એવી જોગવાઈ કરવામાં આવી હતી. વાર્ષિક ૭.૨૫ ટકાના રાહત વ્યાજ દરે આ લોન એક વર્ષ માટે અપાઈ હતી.

એ માટેના ઉમેદવારોની ભલામણ મુખ્યત્વે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી. આ યોજનાને સારો પ્રતિસાદ સાંપડ્યો અને આંકડાઓમાં જણાવાયા અનુસાર, ડિસેમ્બર સુધીમાં બધું મળીને ૧૭.૯૩ લાખ લોનની અરજીઓને મંજૂરી આપી હતી.

કુલ ૧૩.૨૭ લાખ લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો હતો અને ૧૩૦૬.૭૬ કરોડની રકમની લોન આ લાભાર્થીઓને ચૂકવવામાં આવી હતી. સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સૌથી વધુ લોકોને અને એ પછીના ક્રમે યુનિયન બૅન્ક  ઑફ ઈન્ડિયા, બૅન્ક ઑફ બરોડા તેમ જ બૅન્ક ઑફ ઈન્ડિયાએ આ રકમની ચૂકવણી કરી. ખાનગી ક્ષેત્રની બૅન્કોની આ યોજનામાં ખાસ ભાગીદારી નહોતી.

હવે આ બૅન્કોએ ફરિયાદ કરી છે કે પોતે લોન પેટે આપેલી રકમનું રૂપાંતર ‘એન.પી.એ.’ (નોન પરફોર્મિંગ એસેટ્સ)માં થઈ રહ્યું છે. બૅન્કમાંથી લીધેલી રકમ નેવું દિવસથી વધુ સમય સુધી રકમ બૅન્કને પરત ન કરવામાં તો એ રકમને ‘એન.પી.એ.’ તરીકે ગણતરીમાં લેવામાં આવે છે. એટલે કે એન.પી.એ. વધુ એમ બૅન્કનું લેણું વધુ અને એ પાછી આવવાની શક્યતા ઓછી એટલે બૅન્કની આર્થિક સ્થિતિ નબળી. ફેરિયાઓને લોન આપવાની ભલામણ કરનાર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને પણ બૅન્કોએ અપીલ કરી છે કે આ લોન પરત મેળવવામાં તેઓ મદદરૂપ થાય.

૧૩૦૬.૭૬ કરોડ રૂપિયા નિઃશંકપણે ખૂબ મોટી રકમ છે. આની સામે એ પણ જોવું રહ્યું કે આટલી રકમ ૧૩.૨૭ લાખ લાભાર્થીઓ વચ્ચે વિભાજીત છે. તેને બીજી રીતે સરખાવીએ. વિદેશ ભાગી ગયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાએ કુલ ૮૦૦૦ કરોડની લોન લીધેલી હતી અને આ રકમને પછી ‘એન.પી.એ.’ના ખાતે ખતવવામાં આવી હતી.

આ રકમની લાભાર્થી કેવળ એક જ વ્યક્તિ હતી. બીજા એક ઉદ્યોગપતિ નીરવ મોદીએ ૨૦,૦૦૦ કરોડની લોન બૅન્કમાંથી લીધી હતી. તેમાંથી ૫,૬૦૦ કરોડની વસુલાત કરવામાં આવી હતી અને બીજા ૮,૦૦૦ કરોડની વસુલાતનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. આ કિસ્સામાં પણ લાભાર્થી માત્ર નીરવ મોદી હતા.

બૅન્ક માટે પરત ન આવતી અથવા પરત ન આવવાની સંભાવના ધરાવતી કોઈ પણ રકમ ‘એન.પી.એ.’ જ ગણાય. આમ છતાં, આ આર્થિક અસમાનતા ઊડીને આંખે વળગે એવી છે. દસ હજાર રૂપિયાની લોન લેનાર વ્યક્તિ આ રકમને સમયસર પરત ન કરી શકે અને આવા ઉદ્યોગપતિઓ એકલા જ એટલી મોટી રકમની ઉચાપત કરી જાય કે બૅન્કની આર્થિક સ્થિતિ ડગમગી જાય ત્યારે બન્ને પક્ષના ઈરાદા વચ્ચેના તફાવતને ધ્યાનમાં લેવા જેવો છે. આ તો હજી માત્ર બે ઉદ્યોગપતિની જ વાત છે.

‘વીલફુલ ડિફૉલ્ટર’ તરીકે ઓળખાતી અનેક કંપનીઓ છે કે જેમણે બૅન્ક  પાસેથી માતબર રકમની લોન લીધેલી છે, અને તેને પરત ચૂકવવાની ક્ષમતા હોવા છતાં તે ચૂકવી રહી નથી. જુલાઈ, ૨૦૨૦ ના આંકડા અનુસાર આવા કરજદારોની સંખ્યા ૨,૪૨૬ છે અને તેમના દ્વારા પરત ન કરાયેલી રકમ છે ૧.૪૭ લાખ કરોડ. આ આંકડાઓ પાછળ કેટલાં મીંડાં લાગે એ ગણતાંય હાંફી જવાય અને બે-ચાર મીંડાંની ભૂલ આવે તો નવાઈ નહીં.

સાદા ગણિત મુજબ હિસાબ માંડીએ તો પણ સમજી શકાય એમ છે કે અક્કેક કંપનીને માથે ચડેલી કરજની રકમ ‘પી.એમ.સ્વનિધિ’ યોજનાના કરજદારોની કુલ રકમ કરતાં અનેકગણી વધુ હશે.

આ મામલે બૅન્કોએ કે સરકારે કઈ નીતિ અપનાવવી એ તો એ જાણે, પણ એટલું ફલિત અવશ્ય થાય છે કે આખેઆખી બૅન્ક હચમચી જાય એટલી મોટી રકમની ઉચાપત કરનારને ખાસ કશી સજા થતી નથી. હવે વિવિધ સેવાઓ માટે બૅન્ક જે શુલ્ક વસૂલી રહી છે એ જોતાં એમ અવશ્ય લાગે કે જાણે પેલા ઉદ્યોગપતિઓએ ઉચાપત કરેલી રકમની ભરપાઈ બૅન્ક પોતાના નાના ખાતેદારો પાસેથી કરી રહી છે. આવું હોઈ શકે નહીં, પણ આવું લાગે એ હકીકત છે.

સરકારે આ આખી યોજનાના અમલીકરણનો ભાર બૅન્કોના માથે નાંખ્યો એને બદલે તેણે પોતે જ એ ઉપાડી લીધો હોત તો? વિપક્ષના એક ધારાસભ્યને ખરીદવા માટે અપાયેલા નાણાંના બદલામાં કેટલા ફેરિયાઓને ‘આત્મનિર્ભર’ બનાવી શકાય? આવા પચાસ હજાર ફેરિયાઓને ‘સ્વનિધિ’ યોજના અંતર્ગત આવરી લેવાનું સરકારનું લક્ષ છે. એટલે આ અંગે વિચારવા માટે હજી મોડું થયું નથી.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top