Dakshin Gujarat

ભરૂચના વાગરામાં HDFC બેંકનું આખેઆખું ATM તસ્કરો ઉઠાવી ગયા

ભરૂચ: (Bharuch) વાગરા પંથકમાં પોલીસના નાક નીચેથી એક બાદ એક ચોરીની (Theft) ઘટનાઓને અંજામ આપી તસ્કરોએ હાહાકાર મચાવ્યો છે. તેવામાં સુરક્ષિત બેંક ATM મશીનની ઉઠાંતરી કરી તસ્કરોએ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ ATM મશીન ઉઠાવી જતાં ચકચાર મચી હતી.

  • વાગરા પંથકમાં HDFC બેંકનું આખેઆખું ATM તસ્કરો ઉઠાવી જતાં ચકચાર
  • મશીન ઉઠાવી ગયા બાદ રોકડ કાઢી મશીન પીસાદ ગામની સીમમાં ફેંકી દીધું

વાગરા તાલુકામાં આવેલા પિસાદ ગામની સીમમાંથી એક ATM મશીન બ્રોકેજ હાલતમાં મળી આવ્યું છે. આ મશીન HDFC બેંકનું હોવાનું જાણવા મળી રહ્યું છે. વાત જાણે એમ છે કે, છેલ્લા કેટલાક દિવસોથી વાગરા નગર વિસ્તાર તેમજ આસપાસનાં ગામોમાં તસ્કરોની દહેશત ઊભી થઈ છે. સાયખા જીઆઈડીસીમાં કાર્યરત કંપનીઓમાં પણ ચોરીની અનેક નાની મોટી સફળ નિષ્ફળ ઘટનાઓ બની છે. લાખો રૂપિયાના માલમત્તા ચોરી કરી તસ્કરો બિનધાસ્તપણે એક બાદ એક તસ્કરીને અંજામ આપી રહ્યા છે. પોતાની માલ મિલકતની સુરક્ષાને લઈને સ્થાનિકો ભયભીત થયા છે.

તેવામાં વાગરા પોલીસને પણ તસ્કર ટોળકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાગરા પોલીસ મથકથી આશરે 200 મીટર દૂર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક આવેલી HDFC બેંકના ATM મશીનને ઉઠાવી લઈ જઈને તસ્કરોએ પોલીસ સહિત સ્થાનીય લોકોની ઊંઘ હરામ કરી છે. એટલું જ નહીં મશીનની ઉઠાંતરી કરી તેમાં રહેલી રોકડ લઈ મશીનને પીસાદના ખેતરમાં ફેંકી દીધું હતું. જેની જાણ ખેતરમાલિકને થતાં તાત્કાલિક પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે ચોરીની ઘટનાને ગંભીરતાથી લઈને અલગ-અલગ ટીમો બનાવી તસ્કરોનું પગેરું મેળવવા કવાયત શરૂ કરી દીધી છે.

Most Popular

To Top