Dakshin Gujarat

નવસારીમાં બેંકોમાં હડતાલથી 500 કરોડના ટ્રાન્ઝેક્શન અટવાયા, ભરૂચમાં 300 શાખાઓ બંધ

નવસારી: (NavsarI) નવસારી જિલ્લામાં સરકારી બેંકોના (Bank) કર્મચારીઓની હડતાલને (Strike) પગલે કરોડોના ટ્રાન્ઝેક્શન અટવાયા હતા. બેંકોના ખાનગીકરણના વિરોધમાં કર્મચારીઓની હડતાલ આવતીકાલ મંગળવારે પણ ચાલુ રહેશે. જો કે સહકારી અને ખાનગી બેન્કો ચાલુ રહેતા સામાન્ય વ્યવહાર ચાલતા રહ્યા હતા. જો કે માર્ચ એન્ડિંગની કામગીરી ચાલુ હોવાને કારણે અંદાજે જિલ્લામાં 500 કરોડના કામકાજ ખોરવાયા હશે.

જો કે હવે ઓનલાઇન ટ્રાન્ઝેક્શનની સુવિધા હોવાને કારણે સામાન્ય લોકોને આર્થિક લેવડદેવડમાં ખાસ મુશ્કેલી પડી નહીં હોય. પરંતુ વ્યાપારીઓ તથા માર્ચ એન્ડિંગને કારણે આર્થિક વ્યવહારો વધી રહ્યા છે, તેમાં અવરોધ પેદા થયો હતો. આજની હડતાલ સાથે નવસારીના બેન્ક ઓફ ઇન્ડિયાની ટાવર ખાતેની મુખ્ય શાખા ઉપર 100થી વધુ કર્મચારીઓએ સરકારની નીતિનો વિરોધ કર્યો હતો. ભૂતકાળમાં ખાનગી બેંકોમાં કૌભાંડ થયા છે, તે સંદર્ભે લોકોએ સરકારી બેન્કો ઉપર વિશ્વાસ મૂકી થાપણો મૂકી છે, તે ભરોસો તૂટશે તે જોતાં સરકારી બેંકોને ખાનગી બેન્ક કરવાનો નિર્ણય પાછો ખેંચવાની માંગ સાથે સરકારી બેન્કોના કર્મચારીઓએ પોતાનો ખાનગીકરણ સામેનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

ઓનલાઇન બેન્કિંગ, સહકાર અને ખાનગી બેન્કો ચાલુ રહેતા મુશ્કેલી ઓછી
ઓનલાઇન બેન્કિંગ, સહકારી અને ખાનગી બેંકોને કારણે સામાન્ય લોકોને કોઇ જ મુશ્કેલી આ હડતાલથી વેઠવી પડી ન હતી. મંગળવારે પણ હડતાલ ચાલુ રહેશે, ત્યારે હજુ આવતીકાલે પણ આટલા જ આર્થિક વ્યવહારોને નુકશાન થવાની સંભાવના છે. વળી શનિ અને રવિની રજા પણ હડતાલ પહેલાં હતી, તેને કારણે મોટા બિઝનેસમેનોને થોડી મુશ્કેલી વેઠવી પડી હતી. છતાં સામાન્ય લોકો ઉપર ઓનલાઇન બેન્કિંગ, ખાનગી તેમજ સહકારી બેન્કોની સગવડને કારણે આ હડતાલની ખાસ અસર જોવા મળી ન હતી.

ભરૂચમાં હડતાળને પગલે 300 કરોડના ટ્રાન્ઝેક્શન અટવાશે

ભરૂચ: (Bharuch) કેન્દ્ર સરકારે રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણની કવાયત હાથ ધરતાં બેન્ક યુનિયનોએ બે દિવસીય હળતાળનું એલાન કરતાં દક્ષિણ ગુજરાતની બેંકો પણ હડતાળમાં જોડાઈ છે. જેને લઈ બેંકો બંધ રહેતાં કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો ખોરવાયા છે.
ભરૂચ જિલ્લાની વિવિધ બેન્કોની 300 જેટલી શાખાઓ બંધ રહી છે. જિલ્લાના 3000 જેટલા કર્મચારીઓ બેન્કોની રાષ્ટ્રવ્યાપી હડતાળમાં જોડાયા છે. આજરોજ બેંકના કર્મચારીઓએ બેન્કની બહાર દેખાવ કરી ખાનગીકરણ સામે વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કર્યાં હતાં. બેન્કોની હડતાળના પગલે જિલ્લામાં અંદાજે રૂપિયા 300 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો પર ગંભીર અસર ઉભી થઇ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top