વડાપ્રધાન Narendra Modi ગંગા એક્સપ્રેસવેના લોકાર્પણ પહેલાં કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કરી વિશેષ પૂજા-અર્ચના કરશે. બે દિવસીય ઉત્તર પ્રદેશ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન વિકાસકાર્યો, ધાર્મિક કાર્યક્રમો અને જનસભાઓમાં ભાગ લેશે.
વડાપ્રધાન મોદી પોતાના સંસદીય ક્ષેત્ર Varanasi પહોંચ્યા બાદ અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ વિકાસકાર્યોની કુલ કિંમત અંદાજે ₹6,350 કરોડ જેટલી હોવાનું જણાવાયું છે. તેમાં રેલવે, માર્ગ, પાણી પુરવઠા, આરોગ્ય, પર્યટન અને શહેરી વિકાસ જેવા મહત્વના ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
કાશી વિશ્વનાથ મંદિરમાં ખાસ પૂજા કરશે વડાપ્રધાન
પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી Kashi Vishwanath Temple ખાતે દર્શન કરી ખાસ પૂજા-અર્ચના કરશે. ધાર્મિક કાર્યક્રમ બાદ તેઓ હરદોઈ જશે, જ્યાંથી ગંગા એક્સપ્રેસવેનું લોકાર્પણ કરશે. આ મુલાકાતને આધ્યાત્મિકતા અને વિકાસ બંનેના સંદેશ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવી રહી છે.
594 કિલોમીટર લાંબા ગંગા એક્સપ્રેસવેનું થશે લોકાર્પણ
વડાપ્રધાન મોદી હરદોઈ ખાતે 594 કિલોમીટર લાંબા ગંગા એક્સપ્રેસવેનું લોકાર્પણ કરશે. આ છ-લેન ગ્રીનફીલ્ડ એક્સપ્રેસવે પ્રોજેક્ટ અંદાજે ₹36,000 કરોડના ખર્ચે તૈયાર થયો છે અને ઉત્તર પ્રદેશના 12 જિલ્લાઓને જોડશે.આ એક્સપ્રેસવે શરૂ થતાં પ્રદેશમાં મુસાફરીનો સમય ઘટશે, તેમજ ઔદ્યોગિક વિકાસ, વેપાર અને રોકાણને પ્રોત્સાહન મળશે. એટલું નહી આ ઉપરાંત પ્રદેશના સામાજિક અને આર્થિક વિકાસને પણ નવી ગતિ મળશે.
વારાણસીમાં મહિલા સંમેલન અને રોડ શો પણ યોજાશે
વડાપ્રધાન મોદી વારાણસીમાં “નારી શક્તિ વંદન સંમેલન”માં ભાગ લેશે, જેમાં અંદાજે 40થી 50 હજાર મહિલાઓ હાજરી આપશે. ઉપરાંત શહેરમાં લગભગ 14 કિલોમીટર લાંબો રોડ શો પણ યોજાશે, જેને રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
ધાર્મિક આસ્થા અને વિકાસનો સંયુક્ત સંદેશ
કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અને ગંગા એક્સપ્રેસવેના લોકાર્પણ જેવા કાર્યક્રમો વડાપ્રધાનના આ પ્રવાસને ખાસ બનાવે છે. એક તરફ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલ કાર્યક્રમો છે, તો બીજી તરફ પ્રદેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને ગતિ આપતા મોટા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ કારણે વડાપ્રધાનનો ઉત્તર પ્રદેશ પ્રવાસ ધાર્મિક, વિકાસાત્મક અને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.