National

“શીશ મહેલમાં રહે છે કેજરીવાલ”- રાજીનામું આપે : BJP

નવી દિલ્હી: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી (CM) અરવિન્દ કેજરીવાલના આવાસના બ્યુટિફિકેશન (Beautification) પાછળ રૂ. 45 કરોડ જેટલો ખર્ચ થયો છે તેવો દાવો બીજેપી દ્વારા કરવામાં આવ્યો છે. ભાજપે નૈતિકતાના આધારે તેમના રાજીનામાની માંગ કરી છે. આનો વિરોધ કરતાં AAPએ ભાજપ પર મામૂલી રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો છે. એમ પણ કહ્યું કે મુખ્યમંત્રીનું નિવાસસ્થાન કોઈની ખાનગી મિલકત નથી. તે જ સમયે બીજેપી કાર્યકર્તાઓએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ઘરની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. આ દરમિયાન ભાજપના કાર્યકરોએ દિલ્હી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી હતી.

ભાજપે દાવો કર્યો છે કે આ રિનોવેશન નથી પરંતુ જૂનાની જગ્યાએ નવું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં તેની કેમ્પ ઓફિસ પણ છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે દસ્તાવેજો દર્શાવે છે કે કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનમાં રૂ. 44.78 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. સૂત્રોનો દાવો છે કે દસ્તાવેજમાં 9 સપ્ટેમ્બર, 2020 અને જૂન, 2022 વચ્ચે 6 વખત રકમ ખર્ચવામાં આવી હતી.

બીજેપીએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે દિલ્હી કોવિડ-19 રોગચાળા સામે લડી રહ્યું હતું ત્યારે આવાસના બ્યુટીફિકેશન પર લગભગ 45 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. કેજરીવાલને પૂછવામાં આવ્યું છે કે આટલી મોટી રકમ આખરે એવા સમયે કેમ ખર્ચવામાં આવી જ્યારે મોટાભાગના જાહેર વિકાસ કામો અટકી ગયા હતા. આનાથી સ્પષ્ટ થાય છે કે કેજરીવાલ કોઈ મકાનમાં નહીં પરંતુ શીશ મહેલમાં રહે છે. તેમણે નૈતિક ધોરણે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું જોઈએ. આ ઉપરાંત BJPએ દાવો કર્યો છે કે મુખ્યમંત્રીના સરકારી બંગલામાં રૂ. 8-8 લાખનો એક પડદો લગાવવામાં આવ્યો છે અને પડદા લગાવવામાં રૂ. 1 કરોડ ખર્ચ થયા છે. કેજરીવાલના બંગલામાં જે માર્બલ લાગ્યો છે તેને વિયતનામથી મંગાવવામાં આવ્યો છે. ડીયોર પર્લ માર્બલની કિંમત રૂ. 1 કરોડ 15 લાખ છે.

આ અંગે દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરે કહ્યું કે કોરોનાના સમયે તેઓ (કેજરીવાલ) પોતાના ઘરનું રેનોવેશન કરાવી રહ્યા હતા, રૂ. 45 કરોડમાં તેઓ પોતાના બંગલાને ચમકાવી રહ્યા હતા, દિલ્હીની જનતા સાથે તેમને કોઈ લેવા દેવા ન હતા. આ મામલે આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા પ્રિયંકા કક્કરે વળતો જવાબ આપ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પની ત્રણ કલાકની મુલાકાતમાં લગભગ 80 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. ગુજરાત અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ પોતાના માટે 200 કરોડના વિમાનો લે છે. પણ તેની ક્યાંય ચર્ચા થતી નથી.

બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ આમ આદમી પાર્ટીના નેતાને ‘મહારાજ’ કહીને તેમની ટીકા કરી અને કહ્યું કે કેજરીવાલે બંગલાના રિનોવેશન પર 45 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરમાં 1.15 કરોડ રૂપિયાનો માર્બલ લગાવવામાં આવ્યો છે. તેમના બંગલામાં 45 લાખની કિંમતના આઠ પડદા છે. કેજરીવાલે કહ્યું હતું કે તેઓ ઘર, વાહન, સુરક્ષા નહીં લે, પરંતુ જેઓ કંઈ નથી લેતા તેઓ બધું જ લેવા મક્કમ છે. કેજરીવાલ મહારાજનું સત્ય બધાની સામે આવી ગયું છે. તેમણે વધુમાં કહ્યું કે અમને જાણવા મળ્યું છે કે અરવિંદ કેજરીવાલે તેમની વિરુદ્ધ આ સમાચાર ન પ્રકાશિત કરવાના બદલામાં અખબારો અને મીડિયાને 20 થી 50 કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું છે. પરંતુ અમે મીડિયામાં અમારા સાથીદારોનો આભાર માનીએ છીએ જેમણે આને સંપૂર્ણ સ્પષ્ટતા સાથે પ્રકાશિત કર્યું. આ અરવિંદ કેજરીવાલ અને તેમના ભ્રષ્ટાચારની વાર્તા છે. જનતા આ જોઈને મહારાજને ઓળખે.

Most Popular

To Top