Entertainment

ટી.વી. હોય કે વૅબસિરિઝ ખરો ‘શહેનશાહ’ તો નસરુદ્દીન જ

નસીરુદ્દીન શાહ એક અફલાતૂન અભિનેતા છે. તેમણે ભજવેલા પાત્રોનો કોઇ અભ્યાસ કરે તો ભારતીય પુરુષના ઘણા ખ્યાલો સ્પષ્ટ થઇ જાય. પણ હવે અત્યારે આ બધું નહીં. અત્યારે વાત છે તે બદલાતા સમયમાં જુદા માધ્યમ માટે તૈયાર રહે છે તેની. બેનેગલ – નિહલાનીની ફિલ્મોથી આગળ વધી તે લોકપ્રિય ફિલ્મોમાં કામ કરતો થયો હતો. ને પછી ટી.વી. શ્રેણી અને વેબ શ્રેણીમાં આવે છે. ૧૯૮૫ થી તે ટી.વી. શ્રેણીમાં કામ કરે છે.  ‘અપના જહાં’ તેની પહેલી ટી.વી. સિરીયલ હતી પછી ‘પરમ વીર ચક્ર (ચેતન આનંદ), ‘મિર્ઝા ગાલિબ’ (ગુલઝાર) ‘ભારત એક ખોજ’ (શ્યામ બેનેગલ), જેવી ટી.વી. સિરીયલોમાં તેમણે કરેલો અભિનય અવિસ્મરણીય છે.

ત્યાર પછી ઘણા વર્ષો તેઓ ટી.વી.થી દૂર રહ્યા અને ફરી ૨૦૧૬ ની ‘રામાયણ’માં તેઓ રાવણનો અવાજ બન્યા. ‘ઝીરો કેએમએસ’ માં ગુરુ, ‘બંદિશ બંડિટ્‌સ’ માં પંડિત રાધેમોહન રાઠોડ. આ વર્ષે ‘કૌન બનેગી શિખરવતી’માં રાજા મૃત્યુંજય પછી ‘મોર્ડન લવ: મુંબઇમાં પાપી સીંઘ ને હવે ‘તાજ: રોયલ બ્લડ’માં તેઓ અકબર તરીકે આવશે. આ વેબસિરીઝમાં ધર્મેન્દ્ર શેખ સલીમ  ચિશ્તી, અદિતી રાવ હૈદરી અનારકલી અને સંધ્યા મૃદુલ જોધા બની છે. આ છ એપિસોડની સિરીઝમાં ઘણા ટકકરના કળાકારો કામ કરી રહ્યા છે. ઉમંગ કુમારે સિરીઝ પ્રોડકશન ડિઝાઇન કરી હોય અને અમિત ખન્ના તેના પ્રોડકશન સુપરવાઇઝર હોય તો સ્ટાન્ડર્ડ રહેવાનું જ.

વાત એ છે કે નસીરે હજુ પણ પોતાના કામનું ધોરણ સાચવી રાખ્યું છે. તેઓ અત્યારે ચારેક તો શોર્ટ ફિલ્મોમાં આવી રહ્યા છે અને ‘કુત્તે’, ‘રનછોડ’, ‘જામૂન’ અને ‘ફ્રિડમ’ જેવી ફિલ્મો તો ખરી જ! નસીર આ ૨૦ મી જુલાઇએ જ ૭૨ વર્ષના થયા છે. બારાબંકી, ઉત્તરપ્રદેશના નસીર હવે કોઇ રાજયના નહીં રાષ્ટ્રીય ઓળખ પામેલ અભિનેતા છે. અભિનેતા તરીકે તેમણે તેમની જવાબદારી અદા કરી છે. માત્ર ફીના આગ્રહ સાથે તેમણે કામ નથી કર્યું અને એ જ તેમને જુદી પાડનારી વાત છે. અભિનય તો બધા કરે પણ કામની પસંદગી બધા નથી કરતા. નસીરે હજુ પણ આ પસંદગી જાળવી છે એટલે ટી.વી. અને વેબસિરીઝમાં પણ તે કામ કરે છે.

૩ વાર અભિનયનો નેશનલ એવોર્ડ અને ફિલ્મફેરના ૧૪ નોમીનેશન ઉપરાંત ત્રણ ફિલ્મફેર જીતનાર નસીરને બીજા પણ એવોર્ડસ મળતા રહ્યા છે. નસીર અભિનેતાની સાથે જ દેશનો જાગૃત નાગરિક હોવાના નાતે કોમી હિંસા બાબતે પણ આકરી પ્રતિક્રિયા આપતો રહે છે. નસીરનો વિરોધ થાય તો પણ તે પોતાની વાત કહે છે.  દેશમાં આવા કળાકારો ઓછા છે. પદ્મશ્રી અને પદ્મભુષણ પ્રાપ્ત નસીર કામમાં અટકતો નથી. નસીરના સંતાનો મોટા થયા ને કામે લાગ્યા છે તો પણ નસીર અભિનેતા તરીકે પોતાની યાત્રામાં અવિરામ છે.

Most Popular

To Top