Sports

પીઠની ઈજામાં જસપ્રીત બુમરાહ જો આરામ નહીં કરે તો કેરિયર સામે ગંભીર જોખમ

મુંબઈ : ટીમ ઈન્ડિયાનો (Team India) સ્ટાર ઝડપી બોલર (Fast bowler) જસપ્રીત બુમરાહ સ્ટ્રેસ ફ્રેક્ચરને (Stress fracture) કારણે ટી20 વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો છે. જોકે, બીસીસીઆઇએ (BCCI) તેની હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી. આઇસીસી મેડિકલ એડવાઈઝરી કમિટીના સભ્ય ડૉ. દિનશા પરાડીવાલાએ અહીં એવું કહ્યું હતું કે આ ઈજા તેની કેરિયર તો ખતમ નહીં કરે, હાં પણ જો તે આરામ નહીં કરે તો તેની કેરિયર સામે ગંભીર જોખમ ઊભું થઇ શકે છે.

ડો. પારડીવાલાએ કહ્યું હતું કે પીઠમાં સ્ટ્રેસ ફ્રેક્ચક એ કેરિયરનું જોખમ અથવા તેનો અંત નથી. જ્યારે તમે આરામ કરો અને રિહેબિલિટેશનમાંથી પસાર થાવ ત્યારે મોટાભાગના કિસ્સાઓમાં તમે સંપૂર્ણપણે સામાન્ય સ્થિતિમાં પાછા આવી શકો છો. સ્ટ્રેસ ફ્રેક્ચરને સારુ થવાની પ્રક્રિયા ઘણી ધીમી હોવાથી તેમાં ઘણો સમય લાગે છે. તમે કંઈ કરી શકતા નથી બસ આરામ કરવાની સાથે રાહ જોવી એ જ એકમાત્ર સારવાર છે.

નીરજ ચોપરા, સાઇના નેહવાલ અને રવિન્દ્ર જાડેજા જેવા ટોચના એથ્લેટ્સ સાથે સારવાર કરનારા ડો. પારડીવાલાને જ્યારે પુછાયું કે શું પેઇનકિલર્સ લઇને બુમરાહ રમી શકે ખરો ત્યારે તેમણે આવું ન કરવા ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે કેટલીક મજબૂત પેઇનકિલર્સ લઈને રમી શકાય, પરંતુ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ન શકો. વળી તેનાથી તમારી ઈજાને વધુ ખરાબ થઇ શકે છે.

જસપ્રીત બુમરાહને ટી-20 વર્લ્ડકપમાંથી આઉટ કરનાર સ્ટ્રેસ ફ્રેક્ચર શું છે
જ્યારથી બુમરાહ ઘાયલ થયો છે, ત્યારથી તેની ઈજાને લઈને ઉત્સુકતા ઘણી વધી ગઈ છે, સ્ટ્રેસ ફ્રેક્ચર શું છે અને આ ફ્રેક્ચરમાંથી વ્યક્તિ કેટલા દિવસમાં સાજા થઈ શકે છે અને તેના માટે કેવા પ્રકારની સારવાર છે. શું આ ઈજાને સર્જરીની જરૂર છે? સ્ટ્રેસ ફ્રેક્ચર એ એવી ઈજા છે જેમાં હાડકામાં નાની ક્રેક થાય છે. આ પ્રકારની ઈજા એથ્લેટ્સ અને રમતવીરોમાં સામાન્ય માનવામાં આવે છે. આ પ્રકારની ઈજામાં બિલકુલ બેદરકારી ન હોઈ શકે. હાડકામાં નાની ઈજા પણ, જો શરૂઆતથી કાળજી લેવામાં ન આવે, તો તે સ્ટ્રેસ ફ્રેક્ચરમાં ફેરવાઈ શકે છે. આ ઈજામાં આરામ કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. જો કે સામાન્ય રીતે સ્ટ્રેસ ફ્રેક્ચરનો સામનો કરવા માટે કોઈ શસ્ત્રક્રિયાની જરૂર હોતી નથી, તે સાજા થવામાં લાંબો સમય લાગી શકે છે. આની શ્રેષ્ઠ સારવાર આરામ છે. નિષ્ણાતોની દેખરેખ હેઠળ રિહેબ લાંબા સમય સુધી ચાલે છે અને તેમના ગ્રીન સિગ્નલ પછી જ ખેલાડી મેદાનમાં પાછો ફરે છે.

3 વર્ષમાં 3 વખત પીઠની ઈજા, આ વર્ષે રમ્યો માત્ર 3 ટી-20 ઇન્ટરનેશનલ
જસપ્રીત બુમરાહની ઈજાનો ઇતિહાસ ઘણો લાંબો છે. ખાસ કરીને 2019થી, તે ઘણી વખત ઘાયલ થયો છે. છેલ્લા 3 વર્ષમાં તે 6 ઈજાઓ સહિત એક યા બીજા કારણોસર ટીમ ઈન્ડિયાની બહાર હતો. તેને પીઠમાં 3 વાર ઈજા થઈ છે. 2022ની વાત કરીએ તો તે ટીમ ઈન્ડિયા માટે માત્ર 3 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી શક્યો છે. જસપ્રીત બુમરાહ આ વર્ષે 25 ટી-20 ઈન્ટરનેશનલ મેચ ચૂકી ગયો. જે ભારતની વર્લ્ડકપ ટીમમાં સામેલ અન્ય કોઈપણ ખેલાડી કરતાં વધુ છે. 2022 IPLમાં બુમરાહે મુંબઈ માટે 14 મેચ રમી હતી.

બુમરાહ ક્યારે ક્યારે ટીમમાંથી બહાર રહ્યો
2019માં માઇનોર સ્ટ્રેસ ફ્રેક્ચર : સપ્ટેમ્બર 2019માં, પીઠના નીચેના ભાગમાં એક નાનું સ્ટ્રેસ ફ્રેક્ચર થયું હતું. જેનાથી લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો.
2021 લોઅર એબ્ડોમિનલમાં ઈજા: જાન્યુઆરી 2021માં, તેને પેટના નીચેના ભાગમાં ઈજા થઈ. જેના કારણે તે ઓસ્ટ્રેલિયા સામે ગાબા ટેસ્ટ રમી શક્યો ન હતો.
જુલાઈ, 2022 : ઈંગ્લેન્ડ સામેની શ્રેણી બાદ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાંથી બહાર. તેને આરામ આપવામાં આવ્યો હતો.
ઓગસ્ટ, 2022 બ્રેક દરમિયાન ઈજા : ટીમમાંથી આરામ દરમિયાન ઈજા થઈ અને પરિણામે તે એશિયા કપમાંથી બહાર થઈ ગયો.
12 સપ્ટેમ્બર 2022 : ટી-20 વર્લ્ડ કપ અને દક્ષિણ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા સામે પસંદગી. ઓસ્ટ્રેલિયા સામે 2 મેચ રમીને બહાર થયો
28 સપ્ટેમ્બર 2022 : દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ મેચ પહેલા પીઠના દુખાવાની ફરિયાદ કરી. સ્ટ્રેસ ફ્રેક્ચરના કારણે ટી-20 વર્લ્ડકપમાંથી આઉટ

Most Popular

To Top