Dakshin Gujarat Main

બારડોલીમાં નશાની હાલતમાં ચાલકે ભાડેની કાર પોલીસ ચોકી સાથે અથડાવી દીધી

બારડોલી: બારડોલી (Bardoli) સુરતી જકાતનાકા સર્કલ નજીક રવિવારે (Sunday) રાત્રે નશાની હાલતમાં એક કારચાલકે પોતાની કાર (Car) પોલીસ ચોકી (Police Station) સાથે અથડાવી દીધી હતી. આ અકસ્માતમાં (Accident) ચોકીને નુકસાન થયું હતું. પોલીસે યુવકની અટક કરી કાર કબજે કરી હતી. બારડોલી પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હતી. એ સમયે એક વોક્સ વેગન વેન્ટો કારના ચાલકે કાર લિનિયર સર્કલ નજીક ટ્રાફિક ચોકીમાં અથડાવી દીધી ચોકી તોડી નાંખી નુકસાન કર્યું હતું. જેથી ત્યાં હાજર હોમગાર્ડના જવાનોએ ચાલકને ઝડપી પાડ્યો હતો અને બારડોલી પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જોયું તો કારની આગળ પાછળની નંબર પ્લેટ ન હતી. અને કારનો ચાલક નશાની હાલતમાં હોય પોલીસે તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ વિકાસ શંભુલાલ ખટીક (રહે., સાઈ શાંતિ એપાર્ટમેન્ટ, ગોપાલનગર, બાબેન, તા.બારડોલી)નો હોવાનું જણાવ્યું હતું અને કાર બાબતે પૂછતાં આ કાર તે ફેરવવા માટે નિલેશ રબારી (રહે.,બારડોલી) પાસેથી લાવ્યો હતો અને આ ગાડી સર્વિસ માટે ગેરેજમાં મૂકેલી હોવાથી નંબર પ્લેટ લગાડી નથી અને નંબર પ્લેટ કારની ડીકીમાં મૂકી છે. પોલીસે કારની ડીકીમાં જોતાં કારનો નં.(જીજે-05-સીપી-6817) હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે પકડાયેલા શખ્સને મેડિકલ ચકાસણી કરાવવા માટે મોકલી આપ્યો છે. અને ત્રણ લાખની કિંમતની કાર કબજે કરી ગુનો નોંધી બારડોલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પુના ગામ નજીક નહેર પાસે શેરડી ભરેલી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત
માંડવી: માંડવીના પુના ગામ નજીક નહેર પાસે મોડી સાંજે ટ્રક અને સ્વિફ્ટ કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતાં બંને ચાલકનો સામાન્ય ઈજા સાથે આબાદ બચાવ થયો હતો. આ બનાવમાં ટ્રક અને કારને વધુ નુકસાન થયું હતું. માંડવી-કીમ રોડ પર આવેલા પુના ગામની નહેર નજીક રાત્રિ દરમિયાન માંડવી તરફ આવી રહેલી સ્વિફ્ટ કાર નં.(GJ-05-CM-8588)માં પોતાના ઘરે પરત ફરી રહેલા જતીન સી.પટેલ (ઉં.વ.29) જતો હતો. એ સમયે ઉશ્કેર-રામકુંડ નજીકના મુંજલાવ ગામની સીમમાંથી શેરડી ભરેલી ટ્રક નં.(GJ-12-V-6884) આવી રહી હતી. ત્યારે સ્વિફ્ટ કાર અને ટ્રકચાલક બંને એકબીજાને બચાવવાના પ્રયાસ કરતાં છેવટે અકસ્માત સર્જાયો હતો. અને ટ્રક પલટી મારતાં શેરડી વેરવિખેર થઈ હતી. JCB મશીન બોલાવી શેરડીને રોડની સાઈડ પર કરી હતી. એ જોતાં ખેડૂત માલિકને વધુ નુકસાન થયું હતું. જ્યારે સ્વિફ્ટ કારને રોડની સાઈડમાં ખાડામાં ખાબકીને ભારે નુકસાન પહોંચ્યું હતું. આમ, ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં લોકટોળું ભેગું થયું હતું. પરંતુ બંનેનો આબાદ બચાવ થયો હતો.

Most Popular

To Top