Charchapatra

બેંકના કર્મચારીઓ ગ્રાહક પ્રત્યે વિનામૂલ્યે જવાબદારી નિભાવતા શીખે

આ અગાઉ આજ જગ્યાએ હું 2 રાષ્ટ્રીયકૃત બેંકોના દુ:ખદ અનુભવો વિશે લખી ચૂકયો છું. હવે 2 ખાનગી બેંકોના સુખદ અનુભવો! સ્ટાન્ડર્ડ ચાટર્ડ બેંક (પારલે પોઇન્ટ) શાખામાં KYC માટેનો E-MAIL આવતા તે અપડેટ કરવા ગયો. બેંકમાં વિવેકપૂર્ણ વ્યવહારે મને બેસવા કહ્યું. જવાબદાર કલાર્કે મારી પાસેથી ડોકયુમેન્ટસ લઇ તેની વિગતો લેપટોપમાં ફીડ કરી, ભાઇ જાતે જઇ મારા ડોકયુમેન્ટસની ઝેરોક્ષ કાઢી આવ્યા. ફોર્મ પ્રિન્ટ કર્યુ, તે ઉપર મારો ફોટો ચોંટાડી સહીઓ લીધી, આ સમગ્ર કાર્યવાહી દરમ્યાન હું ખુરશી ઉપરથી ઊભો થયો નથી અને 10મી મિનિટે બેંકની બહાર હતો!

YES BANK (રીંગરોડ) શાખામાં રોકડ ભરવા ગયેલો. મારી આગળ એક સિકયુરીટી કંપનીવાળા સ્ટાફનું પગાર ચૂકવણીના પૈસા લેવા આવેલા. રકમ લાખોમાં હતી, એટલે ઘણો સમય નીકળી ગયો, તો કેશિયરે કહ્યું, ‘તમે લાંબા સમયથી લાઇનમાં ઊભા છો, થોડી તકલીફ વેઠવા વિનંતી.’ વાત અહીં પૂરી થતી નથી, મેં જે નોટોનું બંડલ આપેલું કે કાઉન્ટીંગ મશીનમાં ગણવા જતા 500ની 3 નોટો મશીનમાં ફસાઇ ગઇ. 15 મિનિટના અથાગ પ્રયત્નો પછી ખૂબ જ કુનેહપૂર્વક કેશિયરે એક પણ નોટ ફાટયા વગર બહાર કાઢી અને ફરી તકલીફ બદલ મને સોરી કહ્યું! બન્ને બેંકોના અનુભવો જોઇ મેં વિચાર્યું, ‘શું કોઇ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારી પાસેથી તમે આવા વર્તનની અપેક્ષા રાખી શકો?’ અને છેલ્લે વાંચકોને પ્રશ્ન – જો કોઇ રાષ્ટ્રીયકૃત બેંકના કાઉન્ટીંગ મશીનમાં તમારી નોટ ફસાઇ જાય, તો તમને એ ફાટયા વગર પાછી મળવાની આશા ખરી?
સુરત     – ભાર્ગવ પંડયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top