Editorial

પ્લાસ્ટિકની સિંગલ યુઝ વસ્તુઓ પર પ્રતિબંધ: પ્લાસ્ટિકના કચરાની સમસ્યા નાથવા હજી ઘણુ કરવું પડશે

છેલ્લા કેટલાક દાયકાઓમાં વિશ્વમાં પ્લાસ્ટિકની વસ્તુઓનો વપરાશ ઘણો જ વધ્યો છે કારણ કે પેકિંગ, વપરાશી વસ્તુઓ માટે પ્લાસ્ટિક એક સસ્તો અને સગવડપૂર્ણ પદાર્થ સાબિત થયો છે. પરંતુ આ પ્લાસ્ટિકની એક સૌથી મોટી મુશ્કેલી એ છે કે તેનો કચરો ઝડપથી નષ્ટ થતો નથી. જે રીતે લાકડા કે ધાતુઓની નકામી વસ્તુઓ સમય જતાં વાતાવરણમાં નષ્ટ થઇ જાય છે તે રીતે પ્લાસ્ટિકનો કચરો નષ્ટ થઇ શકતો નથી. અને તેથી પૃથ્વી પર હવે પ્લાસ્ટિકના કચરાનો ઢગલો વધતો જ જાય છે અને આ બાબત આખી દુનિયાના દેશો માટે માથાના દુ:ખાવા સમાન બની ગઇ છે.

પ્લાસ્ટિકનો વપરાશ ૧૯૭૦ પછી ઝડપથી વધવા લાગ્યો છે. ૧૯૯૦ સુધીમાં, બે જ દાયકામાં દુનિયામાં પ્લાસ્ટિકના કચરાનું સર્જન અગાઉ હતું તેના કરતા ત્રણ ગણું થઇ ગયું અને તે પછી પણ પ્લાસ્ટિકનો વપરાશ તેની સુગમતાને કારણે વધતો જ ગયો છે. પાણીની પ્લાસ્ટિકની બોટલોનો વપરાશ શરૂ થયો પછી તો પ્લાસ્ટિકના કચરાએ હદ જ વટાવી દીધી છે. આજે વિશ્વમાં આપણે વર્ષે દહાડે ૩૦૦ મિલિયન ટન પ્લાસ્ટિકનો કચરો સર્જીએ છીએ.

પ્લાસ્ટિકના વધતા કચરાની સમસ્યા વચ્ચે ભારત સરકાર પણ તેના પર નિયંત્રણની દિશામાં સક્રિય થઇ છે અને તેણે વિવિધ પગલાઓ ભરવાની શરૂઆત કરી છે. હાલમાં કેન્દ્ર સરકારે જાહેરનામુ બહાર પાડ્યું છે કે ૧ જુલાઇ, ૨૦૨૨થી દેશમાં એક જ વખત વાપરીને ફેંકી દેવામાં આવતી પ્લાસ્ટિકની વસ્તુઓના વપરાશ પર પ્રતિબંધ આવી જશે. આમાં કેન્ડી સ્ટીક્સ, પ્લાસ્ટિકની પ્લેટો, કપ અને કટલરી વગેરેનો સમાવેશ થાય છે. આ જાહેરનામામાં જણાવાયું છે કે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧થી પ્લાસ્ટિકની કેરી બેગોની છૂટ માટેની જાડાઇ પ૦ માઇક્રોનથી વધારીને ૭પ માઇક્રોન કરવામાં આવશે અને ડીસેમ્બર ૩૧થી ૨૦૨૨થી ૧૨૦ માઇક્રોન જાડાઇના પ્લાસ્ટિકની આવી થેલીઓની છૂટ આપવામાં આવશે. આ રીતે વધુ જાડાઇના પ્લાસ્ટીકના કારણે થેલીઓ ફરી વપરાશમાં પણ લઇ શકાશે એ મુજબ નિવેદનમાં જણાવાયું છે.

નોન-વુવન પ્લાસ્ટિક કેરી બેગો દર ચોરસ મીટરે ૬૦ ગ્રામથી ઓછા વજનની હોવી જોઇએ નહીં. આ નિયમ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧થી અમલમાં આવશે. પહેલી જુલાઇ, ૨૦૨૨થી સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ જેમાં પોલસ્ટ્રિન અને એક્સપાન્ડેડ પોલિસ્ટ્રીનનો પણ સમાવેશ થાય છે તેના ઉત્પાદન, આયાત, સંગ્રહ, વેચાણ અને વપરાશ પર પ્રતિંબધ આવી જશે એમ આ જાહેરનામામાં જણાવાયું છે. આ વસ્તુઓમાં કેન્ડિની સળીઓ, આઇસક્રીમ સ્ટીક્સ, પ્લાસ્ટિકના ઝંડાઓ, ડેકોરેશન માટેના પોલિસ્ટ્રીન(થર્મોકોલ), પ્લેટો, કપો, ચમચા, છરી જેવી કટલરી, સ્ટ્રો, ટ્રે, રેપરની કે પેકીંગની વસ્તુઓ, ૧૦૦ માઇક્રોન  કરતા ઓછી જાડાઇના પીવીસી બેનરો વગેરેનો સમાવેશ થાય છે. આ મનાઇ જો કે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિકની વસ્તુઓને લાગુ પડશે નહીં એમ જાહેરનામામાં જણાવાયું છે.

પ્લાસ્ટિકની પાણીની બોટલોનો આમાં ઉલ્લેખ દેખાતો નથી પણ એક નિવેદનમાં પર્યાવરણ મંત્રાલયે એમ પણ જણાવ્યું છે કે આ મનાઇ હેઠળ આવરી નહીં લેવાયા હોય તેવા પ્લાસ્ટિક પેકેજીંગના કચરાને પર્યાવરણને નુકસાન નહીં થાય તે રીતે ભેગો કરીને તેનું વ્યવસ્થાપન કરવામાં આવશે. ૨૩ જુલાઇએ દેશના ૧૪ રાજ્યો અને સંઘ પ્રદેશોએ પ્લાસ્ટિકના કચરાના વ્યવસ્થાપન માટે એક સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ રચ્યું છે અને પર્યાવરણ મંત્રાલયે પણ આ દિશામાં સંકલન માટે એક નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી છે.

ભારત સરકારે પ્લાસ્ટિકની સિંગલ યુઝની વસ્તુઓ પર પ્રતિબંધની યાદી પણ દેખીતી રીતે ઘણી વિચારીને તૈયાર કરવી પડી હશે. પ્લાસ્ટિક હવે આપણા જીવન સાથે એટલી હદે વણાઇ ગયું છે કે તેનાથી બનેલી વસ્તુઓ પર આડેધડ પ્રતિબંધો ઘણી મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. અત્યારે જે વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેનો વિકલ્પ સહેલાઇથી મળી આવે તેમ છે. જો કે અન્ય પ્લાસ્ટિકની વસ્તુઓના કચરાના બાબતે પણ હવે ગંભીરતાથી વિચારવું તો પડશે જ.

આખા વિશ્વના દેશોએ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિકનું ઉત્પાદન વધારવા પર ધ્યાન આપવું પડશે. પ્લાસ્ટિકની વસ્તુઓ રિયુઝેબલ બને, તેનો ફેર વપરાશ વધુને વધુ પ્રમાણમાં શક્ય બને, પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલિંગ કરીને તેમાંથી જ બીજી વસ્તુઓ બનાવી શકાય તે બાબતો પર ધ્યાન આપવું પડશે. જો પ્લાસ્ટિકના કચરાની બાબતમાં ગંભીરતાથી વિચારવામાં નહીં આવે તો પર્યાવરણલક્ષી અન્ય સમસ્યાઓની સાથે આ સમસ્યા પણ ભારે વકરશે.

Most Popular

To Top