Business

સમસ્યાઓ સામે હામ ભીડી વિકાસના પંથે જવા કટિબદ્ધ મોટીનેશ

મૂળ ક્ષત્રિય જ્ઞાતિના લોકોએ જૂનાગઢમાં નેશડાનો વસવાટ છોડી ભાવનગરથી દરિયાઈ માર્ગે આવી કીમ નદી અને અરબી સમુદ્રના સંગમ તટ પાસે એક બેટ પર વસવાટ કર્યો હતો, પરંતુ દરિયાઈ ભરતીનું અતિક્રમણ વધી જતાં બેટનું મોટા પાયે ધોવાણ થતાં સમયાંતરે બેટ છોડી હાલ કરંજ-પારડી વચ્ચે વસવાટ કર્યો અને નાનકડા ગામનું નામ મોટીનેશ પાડ્યું 60 જેટલાં ઘર ધરાવતા મોટીનેશમાં 450 લોકો રહે છે, લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે, દરિયાઈ ખારપાટ વિસ્તાર હોવાથી મીઠા પાણીનો એકપણ કૂવો ઉપલબ્ધ નથી, ગામમાં પ્રાથમિક શાળાની સુવિધા ન હોવાથી અન્ય ગામમાં વિદ્યાર્થીઓએ ભણવા જવું પડે છે

રબી સમુદ્ર અને કીમ નદીના સંગમ તટે વસેલું ઓલપાડ તાલુકાનું અને કરંજ ગ્રુપ ગ્રામ પંચાયતનું નાનકડું ગામ એટલે મોટીનેશ. ગામના આગેવાનોના જણાવ્યા મુજબ આ નાનકડા ગામમાં અમારા વડવાઓ મૂળ ક્ષત્રિય (રાજપૂત) જ્ઞાતિના અને જૂનાગઢમાં નેશડાનો વસવાટ છોડી ભાવનગરથી દરિયાઈ માર્ગે આવી કીમ નદી અને અરબી સમુદ્રના સંગમ તટ પાસે એક બેટ પર વસવાટ કર્યો હતો. શરૂઆતમાં તેઓ માછીમારી અને ખેતીકામ કરી ગુજરાન ચલાવતા હતા. સમય જતાં બેટ ઉપર દરિયાઈ ભરતીનું અતિક્રમણ વધી જતાં બેટનું મોટા પાયે ધોવાણ થતાં સમયાંતરે બેટ છોડી હાલ કરંજ અને પારડી વચ્ચે તેમણે વસવાટ કર્યો હતો. જૂનાગઢના નેસડામાં વસવાટ કરતા હતા તેઓએ પોતાના નાનકડા ગામને પોતાના ગામના નામ પરથી મોટીનેશ એવું નામ આપ્યું.

આજે આ ગામ ૫૦૦થી વધારે વર્ષ જૂનું ગામ તરીકે ઓળખ ધરાવે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આજુબાજુનાં ગામડાંમાં મહદઅંશે તળપદા કોળી-પટેલની વસતી હતી અને જે-તે સમયે જાતીય મોજણી સમયે તેઓ પણ કોળી પટેલ તરીકે ઓળખ પામ્યા હતા. હાલ મોટીનેશ ૬૦ જેટલાં ઘર ધરાવતું આ ગામ ૪૫૦ જેટલી વસતી ધરાવે છે. ગામમાં એકમાત્ર તળપદા કોળી જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. લોકોનું જીવન અહીં ખૂબ જ સંઘર્ષભર્યું છે. અહીં દરિયાઈ ખારપાટ વિસ્તારમાં મીઠા પાણીનો એકપણ કૂવો ઉપલબ્ધ નથી. જેથી હાલ વરિયાવ જૂથ યોજના પાણી પૂરવઠા દ્વારા પીવાનું પાણી ઉપલબ્ધ થાય છે.

તેમજ સિંચાઈના પાણીની અપૂરતી સગવડને કારણે ખેડૂતોને કઠિન પરિસ્થિતિમાં ખેતી કરવી પડે છે. અહીંના ખેડૂતો પાસે 250 એકર જેટલી ખેતીલાયક જમીન છે. જેમાં શેરડી, ડાંગર, કપાસ તેમજ શાકભાજી ભીંડા, ચોળી, પરવળ, તુરિયા તેમજ ગુવાર સહિતના અનેક પાકોની ખેતી કરે છે. ગામમાં પ્રાથમિક કે માધ્યમિક શાળા ઉપલબ્ધ નથી. પ્રાથમિક શિક્ષણ માટે પારડી-ઝાંખરી ખાતે આવેલી પ્રાથમિક શાળામાં જવું પડે છે. જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે કરંજ ખાતે આવેલી હાઈસ્કૂલમાં શિક્ષણ લેવા જવું પડે છે.

આરોગ્ય માટેની સેવા માટે કરંજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જવું પડે છે. પશુપાલકોને માટે પારડી-ઝાંખરી દૂધ અને શાકભાજી વેચાણ કરનારી મંડળીમાં દૂધનું પુલિંગ કરવામાં આવે છે. ગામના આંતરિક રસ્તા પેવર બ્લોક અને આરસીસી તેમજ ડામરના જોવા મળે છે. મોટીનેશ ગામ કરંજ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ હોવાથી ગ્રામ પંચાયત કચેરી કરંજ ખાતે આવેલી છે. જેને કારણે ગ્રામજનોને સરકારી કામ માટે કરંજ સુધી લંબાવવું પડે છે. ખેડૂતોને ખેતરે જવા માટે રસ્તાની સુવિધા પણ નથી. 18મી સદીના ધૂળિયા રસ્તા હોય એવી પ્રતીતિ થાય છે. મોટીનેશ ગામ આજે પણ અનેક સંઘર્ષો થકી ગામને વિકાસના પંથે લઈ જવા કટિબદ્ધ બન્યું છે.

મોટીનેશ ગ્રામજનોની વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ

મોટીનેશ ગામ આમ તો દરિયા કિનારાનું અંતિમ ગામ. પણ અનેક અગવડો અને વિષમ પરિસ્થિતિ હોવા છતાં ગામ લોકોએ સામાજિક, શૈક્ષણિક, સહકારી અને રાજકીય ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે, જેમાં સ્વ.દેવાભાઈ નાથુભાઈ પટેલ પારડી-ઝાંખરી દૂધમંડળીમાં સ્થાપના કાળથી મેનેજર, સ્વ.હરિભાઈ મીઠાભાઈ પટેલ-અસનાડ કોટનના પ્રમુખ અને તત્કાલીન જિલ્લા પંચાયત સભ્ય ઉપરાંત સરકારના વીસ મુદ્દા યોજનાના અમલીકરણ સમિતિમાં સેવા આપી હતી. સ્વ.ગંગારામ વલ્લભભાઈ પટેલ-સહકારી આગેવાન, સ્વ.હરિભાઈ પરાગજી પટેલ-સહકારી આગેવાન, સ્વ.કેશવભાઇ ઇચ્છુભાઈ પટેલ તથા સ્વ.કેશવભાઇ દેવાભાઈ પટેલે પારડી-ઝાંખરી મંડળીના માજી પ્રમુખ તરીકે સેવા આપી હતી.

કાંતિભાઈ મણિભાઈ પટેલ માજી તાલુકા પંચાયત સભ્ય, અસનાડ કોટન માજી, મેનેજર અને માજી પ્રમુખ, પારડી-ઝાંખરી મંડળીમાં માજી પ્રમુખ તથા હાલ કાંઠા સુગર ડાયરેક્ટર તરીકે સેવારત છે. તેમનાં પત્ની સુધાબેને માજી જિલ્લા પંચાયત સભ્ય તરીકે સેવા આપી હતી. કિશોરભાઈ મણિભાઈ પટેલ લવાછા હાઇસ્કૂલના નિવૃત્ત આચાર્ય, જશુબેન ઠાકોરભાઈ પટેલ માજી તાલુકા પંચાયત સભ્ય, અમરતભાઈ ગોવિંદભાઇ પટેલ માજી મેનેજર-પારડી-ઝાંખરી મંડળી, નારણભાઇ ગોવિંદભાઈ પટેલ-ભાજપ અગ્રણી, ભગુભાઈ દેવભાઈ પટેલ-માજી તાલુકા વિકાસ અધિકારી, રતિલાલ ગંગારામ પટેલ-માજી મેનેજર અસનાડ કોટન, ડો.રિચાકુમારી જિતેન્દ્રભાઈ પટેલ એમબીબીએસ, ડો.સુચિતા ઉમેદભાઇ પટેલ, એમબીબીએસ ગાયનેકોલોજિસ્ટ, તેજસ ઉમેદભાઇ પટેલ ખોરાક ઔષધ નિયમન મદદનીશ વૈજ્ઞાનિક, ડો.ક્રિષ્ના રતિલાલ પટેલ-બીએચએમએસ, ડો.મિહિર રતિલાલ પટેલ-બીએચએમએસ, વિલેશ રમેશભાઈ પટેલ-એમએસસી આઇટી વિથ એમબીએ, દયાળભાઈ કીકાભાઈ પટેલ-પૂર્વ કસ્ટમ એન્ડ એક્સાઇઝ ઇન્સ્પેક્ટર, ડો.ફોરમ મનીષ પટેલ-ડેન્ટલ સ્પેશિયાલિસ્ટ તથા પંકજભાઈ નટવરભાઈ પટેલ લવાછા હાઇસ્કૂલમાં આચાર્ય તરીકે સેવા આપી રહ્યા છે.

દરિયાની પ્રચંડ ભરતીના પાણીથી ખેતીની 50 એકરથી વધુ જમીનનું ધોવાણ

બેટની ચારે તરફ દરિયાની ભરતીના ખારા પાણી ફરી વળતાં હોવાથી પ્રચંડ ભરતીને કારણે કિનારાની જમીનોનું ભારે ધોવાણ થઈ રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર બેટની એક તરફ સરકારે પ્રોટેક્શન વોલ બનાવી છે, પરંતુ બીજી ત્રણ બાજુ પ્રોટેક્શન વોલ બનાવવાની બાકી છે. દરિયાની ભરતીના પાણી બેટની ચારેતરફ ફરી વળતાં હોવાથી હાલ 50 એકરથી વધુ જમીનનું ધોવાણ થતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે. આ અંગે ખેડૂતો બાકી રહેલા ખુલ્લા કિનારા ઉપર ભરતીના પાણી અટકાવવા પ્રોટેક્શન વોલ બનાવવા સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે.

મોટીનેશના સદગત મીઠાભાઇ ડાહ્યાભાઈ પટેલનું પારડી-ઝાંખરી દૂધ અને શાકભાજી વેચાણ કરનારી મંડળીની સ્થાપનામાં મહત્ત્વનું યોગદાન…

ઈ.સ.1921માં ભારતની પ્રથમ કપાસ સહકારી મંડળી સોંસક ગામે સહકારિતાના પ્રણેતા સદગત પરસોત્તમભાઈ ઈચ્છારામભાઈ પટેલે ખેડૂતોના હિતમાં સહકારીતાનાં શ્રીગણેશ કર્યાં. ધીમે ધીમે ઓલપાડ અને ચોર્યાસી તાલુકામાં કપાસ સહકારી મંડળીઓ અસ્તિત્વમાં આવી. ૧૯૪૭માં આઝાદી મળ્યા બાદ સહકારી પ્રવૃત્તિ ખૂબ જ ફૂલીફાલી. તે સમયે પશુપાલન અને દૂધ વેચાણ માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા હતી નહીં. અને તે સમયે ભાટિયાઓ પશુપાલકો પાસેથી ખૂબ જ ઓછા ભાવે દૂધ ખરીદતા હતા.

જેના કારણે પશુપાલકોનું મોટા પાયે શોષણ થતું. ઓલપાડ તાલુકામાં ટકારમા દૂધમંડળીની સ્થાપના બાદ કાંઠા વિસ્તારનાં ગામડાંમાં વસતા પશુપાલકોને પણ પ્રેરણા મળી અને સને-1950માં મોટી નેસના આગેવાન સદગત મીઠાભાઈ ડાયાભાઈ પટેલે દૂધ અને શાકભાજી વેચાણ કરનારી મંડળી શરૂ કરવાનો વિચાર રજૂ કર્યો અને તેમના અનુગામી આગેવાનો લક્ષ્મણભાઈ ભગાભાઈ પટેલ, ઇચ્છુભાઈ મગનભાઈ પટેલ, દેવાભાઈ નાથુભાઈ પટેલ, ગોવિંદભાઈ ભગવાનજીભાઈ પટેલ, રામુભાઈ જેરામભાઈ પટેલ, સોરાબજી દિનશાજી કરંજિયા સહિતના આગેવાનોએ અનુમોદન આપ્યું અને પારડી ઝાંખરી દૂધ અને શાકભાજી વેચાણ કરનારી મંડળી શરૂ કરવાનાં શ્રીગણેશ થયાં. આગેવાનોએ સભાસદોની નોંધણી કરી અંદાજે ૩૬૦૦ જેટલો શેર ફાળો ઉઘરાવ્યો.

આ શેર ફાળામાં એક સભ્યે ૧૦૦૦ જેટલી મૂડી રોકેલી. જે પરત લઈ લેતાં મંડળી શરૂ કરવામાં અવરોધ ઊભો થયો. આ ઘટનાથી હતાશ થઈ લક્ષ્મણભાઈ ભગાભાઈ પટેલ, ઇચ્છુભાઈ મકનભાઈ પટેલ અને દેવાભાઈ નાથુભાઈ પટેલે વિચાર્યું કે આવી નાની રકમથી મંડળી ચાલી શકે નથી અને જેઓ પાસેથી ઉઘરાવેલો શેર ફાળો વહેંચી દેવાના વિચારો પર આવી ગયા. પરંતુ આ બાબતની જાણ સંસ્થાના આદ્યસ્થાપક મીઠાભાઈ ડાયાભાઈ પટેલને થતાં તેમણે મંડળીમાં 600 રૂપિયા જેટલો શેર ફાળો આપી દીધો અને બીજી થાપણ પણ મેળવી આપવા માટે વચન આપ્યું. શેર ફાળો આવતાં મંડળી રજિસ્ટર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જે તા.1/11/1950ના રોજ મંડળી રજિસ્ટર થઇ અને પ્રથમ તા.6/11/50ના રોજ મંડળીનું દૂધ સુરત પહોંચાડવાની શુભ શરૂઆત થઈ હતી. શરૂઆતમાં મંડળી પાસે સુરત સુધી દૂધ પહોંચાડવા માટે કોઈ સાધન ન હોવાથી મોર ગામના દીતાભાઈ સોમાભાઈની નાની ગાડી ભાડેથી લઈ પ્રારંભ કર્યો.

મંડળી તો શરૂ થઈ પરંતુ ભાડાની મોટર પરવડી શકે તેમ ન હોવાથી મંડળીએ પોતાની મોટર ખરીદવાની જરૂર ઊભી થઈ. નાની ભીડને કારણે સંચાલકો ફરી મૂંઝવણમાં મુકાયા. આવા સમયે મંડળીના આદ્યસ્થાપક અને શુભચિંતક મીઠાભાઇ ડાયાભાઈ પટેલ તેમણે આપેલું વચન પાળવા ખાતર તેમના સગા અને કોબા ગામના રહીશ રામુભાઈ જેરામભાઈ પટેલ પાસેથી રૂ.2000ની થાપણ મંડળીને ઉપલબ્ધ કરાવી આપી અને મંડળીએ 7301 રૂપિયાની સોરાબજી દિનશાજી કરંજિયા પાસેથી હપ્તેથી ગાડી ખરીદી હતી અને મંડળી પા…પા.. પગલી સાથે વિકાસની કૂચ તરફ આગળ વધી. સમયની અનેક થપાટો ઝીલી વિષમ પરિસ્થિતિઓમાં પણ સંઘર્ષ સાથે મંડળી આજે વટવૃક્ષ બની છે. મંડળીના પાયામાં પથ્થર તરીકે મૂકસેવક તરીકે યોગદાન આપનાર સદગત મીઠાભાઇ ડાહ્યાભાઈ પટેલની સેવા, સંઘર્ષ અને સમર્પણને આવનારી પેઢી અવશ્ય યાદ કરશે.

પૂર્વ ધારાસભ્ય કિરીટ પટેલે દરિયા કિનારાની ખેતીની જમીનોનું ભારે ધોવાણ અટકાવવા પ્રોટેક્શન વોલનું નિર્માણ કરાવ્યું

મોટીનેશ ગામની જમીન દરિયાને અડીને આવેલી છે. દરિયાની મોટી ભરતી દ્વારા વારંવાર દરિયા કિનારાની ખેતીની જમીનોનું ભારે ધોવાણ થતું હોવાથી ખેડૂતો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ બાબતે ભૂતકાળમાં કોઈ ચોક્કસ પગલાં લેવાયાં ન હતાં. આથી ઓલપાડના તત્કાલીન પૂર્વ ધારાસભ્ય અને મૂળ કરંજ ગામના કિરીટભાઈ પટેલે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રજૂઆતો કરતાં તેમના કાર્યકાળ દરમિયાન સમગ્ર રાજ્યમાં સાગરખેડુઓ માટે અંદાજે 14000 કરોડની યોજનાઓ બહાર પડાઈ હતી. જે પૈકી તેમણે મોટીનેશના દરિયા કિનારાની પ્રોટેક્શન વોલ મંજૂર કરાવી સફળતાપૂર્વક નિર્માણ કરાવ્યું હતું. આ સાથે તેમણે મોર, ભગવા, દાંડી, ડભારી ગામની ચારેતરફ પણ પ્રોટેક્શન વોલનું નિર્માણ કરાવ્યું હતું.

દરિયાના બેટ પર વેરાઈ માતાનું પ્રાચીન વિદ્યમાન મંદિર શ્રદ્ધાળુઓમાં આસ્થાનું પ્રતીક…

જ્યારે જૂનાગઢથી વડવાઓએ અહીં દરિયા કિનારે બેટ ઉપર આવી વસવાટ કર્યો ત્યારે તેઓ એમની કુળદેવી વેરાઈ માતાજીની મૂર્તિ પણ સાથે લાવેલા. જ્યાં સર્વપ્રથમ વસવાટ કર્યો હતો ત્યાં તેમણે વેરાઈ માતાજીના નાનકડા મંદિરની સ્થાપના કરી હતી. કાળક્રમે દરિયાઈ તોફાનો, ભરતીથી બેટના ધોવાણને પગલે વડવાઓ સ્થળાંતર કરી હાલ જે સ્થળે ગામ છે ત્યાં વસવાટ કર્યો હતો. જો કે, આજે પણ દરિયામાં બેટ પર વેરાઈ માતાનું પ્રાચીન મંદિર વિદ્યમાન છે. સમય જતાં મોટીનેશવાસીઓએ 2005માં વેરાઈ માતા મંદિરનો જીર્ણોદ્ધાર કરી નવું આરસીસીનું મંદિર નિર્માણ કરાવ્યું હતું. મોટીનેશના રહીશો ઉપરાંત આજુબાજુનાં ગામડાંના રહીશો પણ વેરાઈમાતામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. ચૈત્ર નવરાત્રિ અને શરદ નવરાત્રિમાં તથા સાલગીરીમાં અનેક શ્રદ્ધાળુઓ માતાના દર્શનાર્થે આવે છે. અને દર્શન કરી ધન્યતા અનુભવે છે.

બેટની ચારેતરફ દરિયાની ભરતીના ખારા પાણી ફરી વળતાં હોવા છતાં ખેતીની પોણાવાળી ગોરાટ જમીન અતિ ફળદ્રુપ, એ કુદરતનો ચમત્કાર કહી શકાય

મોટીનેશના ગ્રામજનોના વડવાઓએ જ્યાં વસવાટ કર્યો હતો એ બેટ પર 250 એકર જેટલી ખેતીની જમીન આવેલી છે. એ બેટની ચારેતરફ દરિયાની ભરતીના ખારા પાણી ફરી વળતાં હોવા છતાં ખેતીની પોણાવાળી ગોરાટ જમીન અતિ ફળદ્રુપ મનાય છે. જેથી ખેતીમાં મબલક પાકો થકી કાચું સોનું પાકે એવી કહેવત યથાર્થ ઠરે છે. જે એક કુદરતનો ચમત્કાર જ કહી શકાય. અહીંના ખેડૂતો પરવર, ભીંડા, પાપડી, તુવેર, ગુવાર, કપાસના પાકોની ખેતી કરે છે. તથા અહીં પશુઓ માટે સુંધીયુ ઘાસ સહિતના પાકો વિપુલ પ્રમાણમાં થાય છે. ખેડૂતો સમૃદ્ધ ખેતી માટે આ બેટ ઉપર વિદ્યમાન વેરાઈ માતાની ઉપસ્થિતિને આશીર્વાદસમાન ગણે છે.

ધારાસભ્ય મુકેશ પટેલે 20 લાખના ખર્ચે ચેકડેમનું નિર્માણ કરાવ્યું, ખેડૂતોને ફાયદો થશે

મોટીનેશ ઓલપાડ તાલુકાના દરિયા કાંઠા વિસ્તારમાં આવેલું ગામ છે. કાંઠાનું અંતિમ ગામ ગણી શકાય. અહીંના ખેડૂતોને ખેતી માટે સિંચાઈનાં પાણીની ખૂબ જ તકલીફ પડે છે. સિંચાઈના પાણીની સમસ્યાને પગલે ખેડૂતોએ વર્તમાન ધારાસભ્ય મુકેશભાઈ પટેલને રજૂઆત કરી હતી. જેના પગલે તેમણે મોટીનેશના ખેડૂતો માટે રાજ્ય સરકારમાંથી ૨૦ લાખની ગ્રાન્ટ મંજૂર કરાવી અને ચેકડેમનું પણ નિર્માણ કરાવ્યું છે. હાલ ચેકડેમની કામગીરી પ્રગતિના પંથે હોવાથી આગામી દિવસોમાં ચેકડેમમાં રિઝર્વ થયેલા પાણી ખેડૂતો સિંચાઈ માટે ઉપયોગમાં લેશે.

મોટીનેશના એડ્વોકેટ એન્ડ નોટરી બળવંત પટેલનું સામાજિક શૈક્ષણિક અને સહકારી ક્ષેત્રે આગવું પ્રદાન

ઓલપાડ તાલુકામાં સામાજિક, શૈક્ષણિક અને સહકારી ક્ષેત્રે આગવું પ્રદાન કરનારા એડ્વોકેટ બળવંતભાઈ રામુભાઈ પટેલે સહકાર ડિપ્લોમા અને બી.કોમ. એલએલબી સુધી અભ્યાસ કરી વકીલાત ક્ષેત્રે ઝંપલાવ્યું. એમનામાં નેતૃત્વનાં દર્શન કોલેજકાળમાં જોવા મળ્યાં હતાં. વિદ્યાર્થીકાળમાં કોલેજ દરમિયાન એસવાય બી.કોમ.માં સીઆર તરીકે સેવા આપી હતી. ઓલપાડ તાલુકા ક્રિકેટ એસોસિએશનના આદ્યસ્થાપક સભ્યની સાથે ઓલપાડ તળપદા કોળી-પટેલ સમાજના આદ્યસ્થાપક સભ્ય તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત ઓલપાડ વકીલમંડળમાં 11 વર્ષ સુધી સભ્ય તેમજ 10 વર્ષ સુધી પ્રમુખ તરીકે સેવા આપી છે. તેમજ દક્ષિણ ગુજરાત નોટરી એસોસિએશનના આદ્યસ્થાપક સભ્ય તરીકે પણ સેવા આપે છે. ઓલપાડ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 7 વર્ષથી પ્રમુખ તરીકે કાર્યરત છે. ઓલપાડ મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં સ્થાનિક કેળવણીમંડળના પ્રમુખ તરીકે 5 વર્ષ અને વાલીમંડળના પ્રમુખ તરીકે 17 વર્ષથી સેવા આપે છે. ધી પારડી-ઝાંખરી દૂધ અને શાકભાજી વેચાણ કરનારી સહકારી મંડળીના ભૂતકાળમાં 3 વર્ષ પ્રમુખ તરીકે સેવા આપી હતી અને હાલ આગામી 5 વર્ષના સમયગાળા માટે યોજાયેલી પ્રમુખ પદની ચૂંટણીમાં પણ બહુમતીથી વિજેતા થયા છે. અસનાડ કોટન મંડળીના પ્રમુખ તરીકે 1 વર્ષ અને બોર્ડ સભ્ય તરીકે 6 વર્ષ સેવા આપી હતી. ઓલપાડ તુવેર અને ભોંયસીંગ મંડળીમાં પ્રમુખ તરીકે સેવારત રહી કુલ 6 વર્ષ સુધી સેવા આપી છે. તેમજ સુરત જિલ્લા ખરીદ વેચાણ સંઘમાં 3 વર્ષ બોર્ડ સભ્ય તરીકે સેવા આપી હતી.

Most Popular

To Top