Editorial

બળવો ટાળવા માટે પક્ષે કદાવર નેતાઓની સતત અવગણના ટાળવી જોઇએ

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને શિવસેનાના શક્તિશાળી નેતા એકનાથ શિંદેએ પોતાના પક્ષ સામે બળવો કરીને મહારાષ્ટ્રના શાસક ગઠબંધનને આજે રાજકીય કટોકટીમાં ધકેલી દીધું હતું. શિંદે શિવસેનાના કેટલાક ધારાસભ્યો સાથે આજે સુરતની હોટલમાં રોકાણ કર્યા બાદ ગુવાહાટી ગયા હતા. તેમની સાથે 40થી વધુ ધારાસભ્યો હોવાનો તેઓ દાવો કરી રહ્યાં છે અને જો તેમની વાત સાચી હોય મહારાષ્ટ્રમાં અઢી વર્ષથી શાસન કરી રહેલ મહારાષ્ટ્ર વિકાસ અઘાડી(એમવીએ)ની સત્તાની સ્થિરતા સામે મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે. મહારાષ્ટ્રમાં વિધાન પરિષદના ચૂંટણી પરિણામો સોમવારે રાત્રે જાહેર થયા હતા જેમાં શિવસેનાની આગેવાની હેઠળના એમવીએ ગઠબંધને તેણે જેની ચૂંટણી લડી હતી તે ૬ બેઠકોમાંથી એક ગુમાવી હતી જ્યારે વિપક્ષ ભાજપના તમામ પાંચ ઉમેદવારો ચૂંટાઇ આવ્યા હતા. ભાજપની તરફેણમાં ક્રોસ વોટિંગ થયું હોવાનું મનાય છે.

બળવા પછી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વે હેઠળની શિવસેનાએ થાણે જિલ્લાથી ચૂંટાયેલા એવા ૫૮ વર્ષીય શિંદેને તરત જ મહારાષ્ટ્ર વિધાનસભામાં પક્ષના નેતાપદેથી દૂર કર્યા છે.એકનાથ શિંદે મહારાષ્ટ્ર સરકારમાં શહેરી વિકાસ અને પીડબલ્યુડીના ખાતાઓ સંભાળે છે. શિંદેની જગ્યાએ ગૃહમાં પક્ષના નેતા તરીકે અજય ચૌધરીને મૂકવામાં આવ્યા છે. હવે આવી સ્થિતિનું નિર્માણ શા માટે થાય છે તેના ઉપર મનોમંથન થવું જોઇએ કારણ કે, આ રાજકીય બળવાની પહેલી ઘટના નથી આવા અનેક બળવા પહેલા પણ થઇ ચૂક્યા છે અને તેનું સૌથી મોટુ કારણ એ છે કે, પાર્ટી જ સર્વસ્વ છે તેમ ગણાવીને કદાવર લોકોની અવગણના. એકનાથ શિંદે મહારાષ્ટ્રમાં શિવસેનાના રાજકારણમાં ઠાકરે પરિવાર પછી સૌથી કદાવર ગણાતા હતાં. તેઓ તેમની જાતને આજે પણ કટ્ટર શિવસૈનિક તરીકે ઓળખાવે છે. પરંતુ ઉદ્ધવ સરકારમાં તેમની સતત અવગણના જ બળવાનું મહત્વનું કારણ બની છે. ગુજરાતમાં પણ આવું જ બન્યું હતું. એ 1995નું વર્ષ હતું. ત્યારે ગુજરાતમાં બળવો થયો હતો. તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ સામે શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો હતો.

સપ્ટેમ્બર-1995માં શંકરસિંહ વાઘેલાને કેશુભાઈ પટેલ સામે વાંધો પડતા તેઓ પાર્ટીના 47 ધારાસભ્યને લઈને મધ્ય પ્રદેશના ખજૂરાહો જતા રહ્યા અને સરકાર સામે બળવો પોકારી દીધો. એ સમયે મધ્ય પ્રદેશમાં દિગ્વિજયસિંહના નેતૃત્વમાં કૉંગ્રેસની સરકાર હતી. અહીં બધી વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. તે સમયે પણ સૌથી મહત્વનું કારણ એ જ હતું કે અવગણના. શંકરસિંહ વાઘેલા તે સમયે ભાજપના કદાવર નેતા હતા પરંતુ તેમને તેમજ તેમના સમર્થક ધારાસભ્યોને તમામ પ્રકારે અન્યાય થતો હતો. થોડા સમય પહેલા મધ્યપ્રદેશમાં જેમના લોહીમાં જ કોંગ્રેસ આવેલું તેવા જ્યોતિરાદિત્ય સિંધિયાની પણ સતત અવગણના થતાં અંતે તેમણે ભાજપનનું દામન થામી લીધું હતું.

ઉત્તર પ્રદેશમાં રિટા બહુગુણા જોશી સતત અપમાન સહન કરતાં રહ્યાં અને અંતે ભાજપમાં જોડાઇ ગયા. પ્રિયંકા ચતુર્વેદી પણ તેનું ઉદાહરણ છે જે કોંગ્રેસ છોડીને શિવસેનામાં જવા માટે મજબૂર બની ગયા હતાં. એટલે વાત એ જ છે કે, જ્યારે જેમની પાસે સુકાન હોય તેમણે પક્ષના અન્ય નેતાઓનું સન્માન જળવાઇ રહે તે રીતે વર્તન કરવું જોઇએ તેમજ તેમના સમર્થકોને પણ સન્માનજનક હોદ્દા ઉપર રાખવા જોઇએ. પરંતુ આવુ થતું નથી અને દરેક પક્ષમાં બળવો થાય છે. બળવો કરવો કે નહીં કરવો તે પક્ષની આંતરિક બાબત છે પરંતુ મતદારોનું શું? મતદારો મત આપતી વખતે વ્યક્તિ અથવા તો પક્ષને ધ્યાનમાં રાખીને મત આપે છે. જ્યાં સુધી વ્યક્તિને જોઇને મત આપ્યો હોય ત્યાં સુધી તો ઠીક પરંતુ જો પક્ષને જોઇને મત આપ્યો હોય અને તે વ્યક્તિ પક્ષ સામે બળવો કરે ત્યારે મતદારો સમસમી જાય છે. તેવી જ રીતે બળવો થાય અને જો વિધાનસભા કે સાંસદ ભંગ થાય તો તેનો અબજો રૂપિયાનો બોજ પણ પ્રજાના માથે જ આવે છે.

Most Popular

To Top