ઑસ્ટ્રિયાના બીજા સૌથી મોટા શહેર ગ્રાઝમાં એક શાળામાં ગોળીબારની ઘટના પ્રકાશમાં આવી છે. ઑસ્ટ્રિયા પ્રેસ એજન્સીના અહેવાલ મુજબ ગ્રાઝ શહેરના મેયરે જણાવ્યું હતું કે આ ગોળીબારમાં 7 વિદ્યાર્થીઓ સહિત 9 લોકોના મોત થયા છે. ગ્રાઝમાં ગોળીબારની તપાસની જવાબદારી સ્પેશિયલ ટાસ્ક ફોર્સને સોંપવામાં આવી છે. ઑસ્ટ્રિયાના ગૃહમંત્રી પણ ગ્રાઝ શહેર જવા રવાના થઈ ગયા છે.
મળતી માહિતી મુજબ શાળાનો એક વિદ્યાર્થી બંદૂક લઈને પહોંચ્યો હતો અને જેને જોયો તેના પર આડેધડ ગોળીબાર કર્યો હતો. આ પછી વિદ્યાર્થીએ વૉશરૂમમાં જઈને પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. પોલીસે જણાવ્યું હતું કે તેમને સવારે 10 વાગ્યે (સ્થાનિક સમય) માહિતી મળી હતી અને થોડીવાર પછી શાળાની ઇમારતની અંદરથી ગોળીબારનો અવાજ સંભળાયો હતો.
સ્થાનિક પોલીસે લોકોને તે વિસ્તારથી દૂર રહેવા અને અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપી છે. પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી કે શાળા ખાલી કરાવી દેવામાં આવી છે અને દરેકને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને હવે કોઈ ખતરો નથી.
ઑસ્ટ્રિયન શહેર ગ્રાઝ દેશના દક્ષિણ-પૂર્વમાં આવેલું છે અને તેની વસ્તી લગભગ 300,000 છે. અહેવાલ મુજબ ગ્રાઝ શહેરના મેયર એલ્કે કાહરે જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા લોકોમાં 7 વિદ્યાર્થીઓ, એક શાળા કર્મચારી અને ગોળીબાર કરનાર એક ગુનેગારનો સમાવેશ થાય છે.
