Business

શેર બજારમાં ભારે ભૂકંપ

PM મોદીની સોના અને પેટ્રોલ-ડીઝલ બચાવવાની અપીલ બાદ બજાર ખુલતા જ ધરાશાયી

દેશના શેરબજારમાં સોમવારે ભારે ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને કાચા તેલના ભાવમાં તેજી વચ્ચે પ્રધાનમંત્રી Narendra Modiની પેટ્રોલ-ડીઝલ બચાવવા અને સોનાની ખરીદી ટાળવાની અપીલ બાદ શેરબજારમાં મોટું વેચવાલી દબાણ જોવા મળ્યું હતું. બજાર ખુલતા જ સેન્સેક્સ, નિફ્ટીમાં ભારે ઘટાડો નોંધાતા રોકાણકારોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

માહિતી મુજબ, બજાર ખુલ્યા બાદ BSE સેન્સેક્સમાં 900થી વધુ અંકનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે NSE નિફ્ટી પણ મોટા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. ખાસ કરીને ઓઈલ માર્કેટિંગ, જ્વેલરી, એવિએશન અને ટ્રાવેલ સેક્ટરના શેરોમાં ભારે વેચવાલી નોંધાઈ હતી. વિશ્લેષકોના જણાવ્યા મુજબ, અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ ચર્ચા નિષ્ફળ જતા વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 105 ડોલરથી પણ ઉપર પહોંચી ગયો હતો, જેના કારણે ભારત જેવા તેલ આયાત પર આધારિત દેશો માટે ચિંતા વધી ગઈ છે.

આ પરિસ્થિતિ વચ્ચે હૈદરાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન PM મોદીએ દેશવાસીઓને ઈંધણનો ઓછો ઉપયોગ કરવા, બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા અને એક વર્ષ સુધી સોનાની ખરીદી પર નિયંત્રણ રાખવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે પેટ્રોલ-ડીઝલ અને સોનાની આયાતના કારણે દેશના વિદેશી ચલણ ભંડાર પર દબાણ વધી શકે છે.

પ્રધાનમંત્રીએ લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ, કારપૂલિંગ, વર્ક ફ્રોમ હોમ અને “મેક ઇન ઈન્ડિયા” ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે વૈશ્વિક સંકટ સામે દેશને આર્થિક રીતે મજબૂત રાખવા માટે દરેક નાગરિકે જવાબદારીપૂર્વક વર્તવું જરૂરી છે.

PM મોદીના નિવેદન બાદ બજારમાં એવી અટકળો તેજ થઈ ગઈ છે કે સરકાર ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો અથવા સોનાની આયાત ડ્યૂટીમાં વધારો કરી શકે છે. જોકે સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.શેરબજારમાં ખાસ કરીને જ્વેલરી કંપનીઓના શેરોમાં ભારે ઘટાડો નોંધાયો હતો. Titan, Kalyan Jewellers અને Senco Gold જેવી કંપનીઓના શેરોમાં 3થી 4.5 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ BPCL, HPCL અને Indian Oil જેવી ઓઈલ કંપનીઓના શેરોમાં પણ દબાણ રહ્યું હતું.

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા સતત વેચવાલી પણ બજાર પર દબાણનું એક મોટું કારણ બની રહી છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં FIIsએ હજારો કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા, જ્યારે સ્થાનિક રોકાણકારોએ ખરીદી દ્વારા બજારને ટેકો આપવાનો પ્રયાસ કર્યો હતો.

આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે જો પશ્ચિમ એશિયાનો સંઘર્ષ લાંબો ચાલશે અને કાચા તેલના ભાવ સતત વધતા રહેશે તો ભારત પર મોંઘવારી અને આયાત ખર્ચનું દબાણ વધી શકે છે. તેનાથી રૂપિયો પણ નબળો પડી શકે છે અને શેરબજારમાં વધુ અસ્થિરતા જોવા મળી શકે છે. હાલ રોકાણકારોમાં ભારે સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. બજાર નિષ્ણાતો રોકાણકારોને ગભરાઈને નિર્ણય ન લેવા અને વૈશ્વિક પરિસ્થિતિ પર નજર રાખવાની સલાહ આપી રહ્યા છે.

Most Popular

To Top