Columns

ATM કાર્ડ ધરાવતા હજારો ગ્રાહકો માટે રેડ સિગ્નલ સમાન કેસ

ફરિયાદી ગ્રાહકના ATM કાર્ડ વડે ત્રાહિત વ્યકિતએ નાણાં ઉપાડી લીધા. ગ્રાહકે પોતે જ પોતાનો ATM કાર્ડ અને પાસવર્ડ ત્રાહિતને આપેલ હોવાથી બેંક ઓફ બરોડા સામે સેવામાં ખામી અંગેની ફરિયાદ ગ્રાહક અદાલતે રદ કરી ફરિયાદીએ ATM મશીનમાંથી ATM card વડે નાણાં ઉપાડવાનો પ્રયત્ન કરતા નાણાં પ્રાપ્ત ન થતા ગ્રાહકે ATM મશીનમાં એક અજાણ્યા યુવકને પૈસા ઉપાડવા માટે પોતાનો ATM card અને પાસવર્ડ આપતા અજાણ્યા યુવકે પોતાનો બંધ ATM કાર્ડ ચાલાકીપૂર્વક ફરિયાદીને પધરાવી ફરિયાદીનો ATM card કબજે કરી લીધેલ. પાછળથી ફરિયાદીના ATM કાર્ડ વડે ફરિયાદીના ખાતામાંથી રકમો ઉપાડી લેતા ફરિયાદીએ બેંક સામે કરેલ સેવામાં ખામી અંગેની અને ઉપડી ગયેલ રકમ પરત અપાવવાની દાદ માંગતી ફરિયાદ ફરિયાદીની પોતાની બેદરકારી હોવાથી અત્રેની જિલ્લા ગ્રાહક અદાલતે રદ કરી છે.

પુરુષોત્તમભાઈ સુખાભાઈ પટેલે (રહે. ઘર નં.118, જાનકી પાર્ક સોસાયટી, ભેસ્તાન, પાંડેસરા, સુરત) (ફરિયાદી) સામાવાળા બેંક ઓફ બરોડા (જૂની દેના બેંક) (ભેસ્તાન બ્રાંચ, સુરત) વિરૂદ્ધ અત્રેના જિલ્લા ગ્રાહક કમિશનમાં દાખલ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદી સામાવાળા બેંકમાં સેવિંગ અકાઉન્ટ ધરાવતા હતા. બેંકે ફરિયાદીને ATM કાર્ડ પણ આપેલો હતો. ફરિયાદી એ ATM card લઈ સામાવાળા બેંકના ATM સેન્ટર પર ગયેલા, ફરિયાદીએ કાર્ડ ATM મશીનમાં એન્ટર કરેલ પરંતુ પૈસા નીકળેલ નહીં જેથી ફરિયાદી ATM કેબિનમાંથી બહાર નીકળી ગયેલ.

ત્યાર બાદ અન્ય બે વ્યકિતઓએ ATM મશીનમાંથી પૈસા ઉપાડયા. ફરિયાદી ફરી ATM કેબિનમાં ગયેલા, તે સમયે એક અજાણ્યો યુવક ફરિયાદીની સાથે ATM કેબિનમાં પ્રવેશેલો અને ફરિયાદીએ ફરી કાર્ડ મશીનમાં એન્ટર કરતાં પૈસા ન નીકળતા, તે અજાણ્યા યુવાને ફરિયાદી પાસે ATM કાર્ડની માંગણી કરેલી, જેથી ફરિયાદી તેની વાતોમાં આવી જઈ પૈસા ઉપાડવા કાર્ડ આપેલ પરંતુ પૈસા નીકળેલ નહીં જેથી એ અજાણ્યા યુવકે ચાલાકીપૂર્વક ફરિયાદીનો કાર્ડ બદલી પોતાનો બંધ કાર્ડ ફરિયાદીને પધરાવી દીધેલ જેની જાણ ફરિયાદીને થયેલ નહીં.

ATM મશીનમાંથી પૈસા નહીં નીકળતા ફરિયાદી તે બાબતની તપાસ કરવા તા. 25/03/2015 ના રોજ તેમની પત્ની સાથે સામાવાળા બેંકમાં પાસબુક લઈ ગયેલા. તે સમયે પૂછપરછ કરતાં બેંકના અધિકારીએ ફરિયાદીની પત્ની પાસેથી કાર્ડ લઇને તપાસ કરી જણાવેલ કે, ATM કાર્ડ બંધ થયેલ છે બીજું ફોર્મ ભરી આપો તો કાર્ડ ચાલુ થઈ જશે. તેથી બીજું ફોર્મ ભરી બેંકમાં આપેલ. તે દરમ્યાન, ફરિયાદીની પત્નીએ તા. 07/04/2015ના રોજ પાસબુક એન્ટ્રી કરાવતાં બેલેન્સ ઓછું બતાવેલ. પાસબુક ચેક કરતાં ટુકડે ટુકડે રૂ. 1,24,000/- ઉપડી ગયેલ હતા. સામાવાળા બેંકે પાછળથી તપાસ કરીને જણાવેલ કે, ફરિયાદી પાસે જે ATM કાર્ડ છે તે કાર્ડ ફરિયાદીનો નહીં પણ કોઇ વિષ્ણુ નામની વ્યકિતનો છે.

આમ, ફરિયાદીનો ATM કાર્ડ ત્રાહિત વ્યકિતએ ATM બુથ પર પોતે લઈ પોતાનો બંધ કાર્ડ ફરિયાદીને પધરાવી દીધો હોવાની જાણ ફરિયાદીને થઈ હતી. જેથી, સામાવાળા બેંકના પક્ષે ગંભીર બેદરકારી, અનફેર ટ્રેડ પ્રેકટીસ તથા સેવામાં ખામી દાખવેલ હોવાનો આક્ષેપ કરી ફરિયાદીએ ગુમાવવા પડેલ રૂ.1,24,000/- વ્યાજ સહિત, તેમ જ ફરિયાદીને થયેલ માનસિક ત્રાસ-આઘાત તથા હાડમારી અને હેરાનગતિના વળતરની રકમ તથા ફરિયાદ ખર્ચ મેળવવા માટે સામાવાળા બેંક વિરૂદ્ધ ફરિયાદ જિલ્લા ગ્રાહક અદાલતમાં આપેલ.

સામાવાળા બેંક ઓફ બરોડા તરફે એડવોકેટ શ્રેયસ દેસાઇએ ગ્રાહક અદાલત સમક્ષ દલીલ કરતા જણાવ્યું હતું કે, ‘‘કોઇ પણ જાગૃત ગ્રાહક પોતાનો ATM Card અને પાસવર્ડ (PIN) કોઈ અજાણી વ્યક્તિના હાથમાં આપી દે નહીં અને કોઈ અજાણી વ્યક્તિને પોતાના ATM Card થી ટ્રાન્ઝેકશન કરવા દે નહીં પરંતુ ફરિયાદીએ આ પ્રકારનું વર્તન કર્યું છે. જે ફરિયાદીની પોતાની ઘોર બેદરકારી દર્શાવે છે. વળી, અજાણા યુવકે ફરિયાદીનો ATM Card બદલી લઈને પોતાનો બંધ ATM Card ફરિયાદીને પધરાવી દીધો હોવાની અને તે બાબતની ફરિયાદીને પોતે જાણ સુધ્ધાં ન થયેલ હોવાની હકીકત પણ ફરિયાદીની પોતાની બેદરકારી જ સૂચવે છે. હરિયાદીના પોતાના કથનો પરથી અન્ય અજાણ્યા યુવકે ફરિયાદી સાથે છેતરપિંડી, ઠગાઇ, અને Fraud કરેલ હોવાનું ફલિત થાય છે. ફરિયાદીએ નાણાં ગુમાવ્યા તેમાં બેંકની કોઈ બેદરકારી ન હતી. ફરિયાદીની પોતાની જ બેદરકારી હતી.

સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (એડિશનલ) તત્કાલીન પ્રમુખ ન્યાયાધીશ એમ.એચ.ચૌધરી અને સભ્ય પૂર્વીબેન જોષીએ આપેલ ચુકાદામાં સામાવાળા બેંકના પક્ષે સેવામાં ખામી થઈ હોવાનું કહી શકાય નહીં એમ ઠરાવી ફરિયાદીની ફરિયાદ રદ કરતો હુકમ કર્યો. ATM કાર્ડ ધરાવનાર હજારો ગ્રાહકો માટે આ પ્રકારના કિસ્સાઓ રેડ સિગ્નલ સમાન છે. પોતાનો ATM કાર્ડ અથવા (ક્રેડીટ અથવા ડેબિટ કાર્ડ અથવા PIN (પાસવર્ડ) અન્ય ત્રાહિતને ન આપવા જોઇએ અન્યથા મોટું નુકસાન ભોગવવાની નોબત આવી શકે.

Most Popular

To Top