Columns

ઉંમરની સાથે બદલાવ! કયો સ્વીકાર્ય, કયો ગંભીર?

આપણે તાજેતરના એક અંકમાં 65 તો થયા હવે કેટલું જીવવું તે અંતર્ગત, શા માટે વધતી ઉંમરે પણ આરોગ્ય ખૂબ મહત્ત્વનું છે એ વિશે થોડું જાણ્યું. ક્યારેક જૂના મિત્રનું નામ ભૂલી જવું એ સામાન્ય છે, યાદશક્તિમાં ફેરફારને કારણે. એ જ રીતે ગાડીની ચાવી ભૂલી ગયા એ સામાન્ય પરંતુ ગાડી ચલાવવાનું ભૂલી ગયા તો એ ગંભીર બાબત છે. એટલે આમ સહેજે પ્રશ્ન થાય કે જે બદલાવ છે એ સામાન્ય છે કે પછી ઉંમર વધવાની સાથે થાય છે અને સ્વીકાર્ય છે, કે પછી ખરેખર ગંભીર છે?? કે જેના માટે નિષ્ણાત તબીબની સારવાર કે અભિપ્રાય લેવો આવશ્યક છે.

વાચકો અચૂક પ્રશ્ન કરે અને પાછલા અંકોમાં જણાવેલું એમ જેતે દર્દીના દીકરાએ તો અલબત્ત તરત જ પૂછયું કે સાહેબ કેવી રીતે સમજું કે આ મેડિકલ દ્રષ્ટિકોણથી સ્વીકાર્ય છે કે નહીં અને એમને તબીબ પાસે લઈ જાઉં કે નહીં કે પછી એમની તમામ વાતો સ્વીકારવાની? થોડીક પણ મુંઝવણ દૂર થાય મારા સ્તરે તો સરળતા રહે. બસ આવા જ ઉદ્દેશ્યથી આજે સૌને, પોતાને કે પરિવારજનોને ઉપયોગી થાય એવી અગત્યની બાબતો વિશે આપણે જોઈશું.

હાર્વર્ડ એક મજેદાર વાત જણાવે છે કે થોડુંક નાનું ન્યૂરોલોજીકલ એટલે કે તમારા ચેતાતંત્ર અને તમારા મગજને સંબંધી થોડું ઘણું પરીક્ષણ તો દર્દી પોતે પણ કરી શકવો જોઈએ, તો આ ચિહ્નોને આપણે કઈ રીતે પારખીશું કે એ સ્વીકાર્ય છે કે પછી એટલા ગંભીર છે કે કદાચ કોઈક રોજિંદા જીવનમાં થતાં કાર્ય વિશે પણ ભૂલી જાવ તો એને કેવી રીતે આપણે ઓળખીશું અને એ વિશે જોઈએ તો, 1) આગળ જણાવ્યું એમ તમને તમારી બાઇક કે કારની ચાવી નથી મળી રહી તો એ સ્વીકાર્ય બાબત છે પરંતુ જો તમે બાઇક કે કાર ચલાવવાનું ભૂલી જાવ છો તો એ એક ગંભીર બાબત છે.

2) તમારે જ્યારે ઘોંઘાટ થતો હોય કે આજુબાજુમાં ખૂબ જ બિનઆરામદાયક વાતાવરણ હોય તો કોઈ પણ પ્રકારના સંવાદ કે કાર્ય કરતી વખતે વધુ ધ્યાન આપવું પડે તો એ સ્વીકાર્ય છે. પરંતુ હા, જો તમે આ ઘોંઘાટને કારણે કે તમારી આસપાસ થતા નાનામોટા ઘટનાક્રમને કારણે તમે એ સંવાદ કે એ જેતે વાતચીતનું બિલકુલ જ અનુસરણ કરી નથી શકતા કે અમલમાં મૂકી નથી શકતા તો એ તમારા માટે વિચારવાની ગંભીર બાબત છે.
3) તમે તમારા જીવનસાથી જોડે કે તમારા પરિવારના સભ્યો જોડે કોઈ પણ દલીલ દરમિયાન નાની નાની વાતોમાં ગુસ્સો વધુ સરળતાથી કરી નાખતા હો છો કે વધુ સરળતાથી તમે મન પરનો કાબૂ ગુમાવી દેતા હો છો તો એ એક રીતે સ્વીકારીએ પરંતુ જો તમે તમારા કુટુંબીજનો કે જીવનસાથી પર વારંવાર કોઈ પણ કારણો વિના ચીસો પાડો છો, જોરથી બોલો છો અને પુષ્કળ ગુસ્સો કરતા હો છો તો એ ગંભીર બાબત છે

4) તમે સમય સમય પર કદાચ એવું બને કે ઘરની ચાવીઓ કોઈક એવી જગ્યાએ મૂકી દો છો કે તમને મળતી નથી, ખોટી રીતે મૂકો છો તો એ સ્વીકાર્ય છે પરંતુ તમે હંમેશાં તમારી ચાવીઓ કે અન્ય રોજિંદી વસ્તુઓ જે તમે ભૂલી જાવ છો એવું તમને લાગે છે અને તમે એ વિચિત્ર સ્થળોએ જેમ કે ફ્રિજ વગેરેમાં મૂકી દો છો તો એ ગંભીર બાબત છે.
5) તમે ગઈકાલે રાત્રે ભોજનમાં શું ખાધું એ ભૂલી જાવ છો પરંતુ કોઈ તમને સંકેત આપે કે તરત જ તમને યાદ આવે તો એ સ્વીકાર્ય છે પરંતુ તમે ગઈકાલે રાત્રે શું ખાવાનું ખાધું એ ભૂલી જાઓ અને કોઈ તમને યાદ કરાવે છતાં તમારી યાદશક્તિ યાદ ના કરી શકતી હોય તો એ તમારા માટે ગંભીર પ્રશ્ન છે.

6) તમે કયા રેસ્ટોરન્ટમાં જમવા માટે જશો એ તમારા માટે નક્કી કરવું મુશ્કેલ હોય અને કોઈ પણ રીતે તમે આખરે એની પસંદગી કરી લો છો તે સ્વીકાર્ય છે પરંતુ શું ખાવું, શું પહેરવું અને શું પસંદ કરવું અને અન્ય દૈનિક નિર્ણયો લેવામાં જો તમને અતિશય મુશ્કેલી પડે અને તમારા માટે એ અશક્ય હોય તો આ એક ગંભીર બાબત છે.
7) તમે પહેલાં કરતાં થોડી ધીમી ગાડી ચલાવો છો તો એ સ્વીકાર્ય છે પરંતુ તમે પ્રતિક્રિયા આપવા માટે ખૂબ જ ધીમા છો અને તમે વારંવાર સિગ્નલ કે પછી રસ્તા પર દર્શાવેલ ચિહ્નો અનુસરવાનું ચૂકી જાઓ છો તો તમારા માટે ગંભીર બાબત છે.

8) ફોનનો જવાબ આપવામાં તમને થોડો વધુ સમય લાગે છે તો એ સ્વીકાર્ય છે પરંતુ ફોન ક્યારે અને ક્યાં વાગી રહ્યો છે તે તમે ઓળખતા નથી અને તમારે તેનો જવાબ આપવાની જરૂર છે એવું તમને નથી સમજાતું તો એ તમારા માટે એક ગંભીર બાબત છે.
9) તમારે ક્યારેક શબ્દોને શોધવા પડતા હોય છે તે સ્વીકાર્ય છે પરંતુ તમે ખોટા શબ્દોનો ઉપયોગ કરવા લાગો જેમ કે ટેબલને બદલે સ્ટવ તો તમારા માટે ગંભીર બાબત છે.

10) તમારા કાર્ય કરવાના સ્થળે તમામ કાર્યો પૂર્ણ કરવામાં તમને સામાન્ય કરતાં થોડો વધુ સમય લાગતો હોય તો એ સ્વીકાર્ય છે કેમ કે તમે કંઈ પણ રીતે તેમને પૂર્ણ તો કરી શકો છો પરંતુ, તમે તમારી જવાબદારીઓ નિભાવવામાં સંઘર્ષ કરો છો અને તમે તમામ પગલાંઓ અને સૂચનાઓને અનુસરવામાં મુશ્કેલી અનુભવો છો ત્યારે એ ગંભીર બાબત છે.
ટૂંકમાં, આ તો ઉપરછલ્લી વાતો થઈ. હંમેશાં તમારે આવી કોઈ પણ ગંભીર ઘટના બને કે તરત તમારા તબીબને કન્સલ્ટ કરવું હિતાવહ છે. ભારતમાં ચલણ ઓછું છે પણ જેમ બાળકોના તબીબ હોય એમ વૃધ્ધો માટે પણ સ્પેશ્યાલિસ્ટ તબીબ હોય છે. જેમને જીરીઆટ્રીશ્યન કહેવાય છે જેઓ MBBS બાદ ઇન્ટરનલ મેડિસિનની જગ્યાએ જીરીઆટ્રીક મેડિસિનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરતા હોય છે. આ મેડિસિનની બ્રાંચ વિશે ફરી ક્યારેક ચર્ચા કરીશું.

Most Popular

To Top