Sports

એશિયા કપ સપ્ટેમ્બરમાં પણ કાર્યક્રમ અને આયોજન સ્થળની જાહેરાત બાકી

નવી દિલ્હી : એશિયન ક્રિકેટ કાઉન્સીલ (એસીસી)એ ગુરૂવારે કહ્યું હતું કે 50 ઓવરના ફોર્મેટમાં રમાનારો એશિયા કપ (Asia Cup) આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાશે, જો કે તેના કાર્યક્રમ કે યજમાન દેશ અર્થાત આયોજન સ્થળની જાહેરાત હજુ કરવામાં આવી નથી. આ વર્ષે એશિયા કપનું મૂળ યજમાન પાકિસ્તાન (Pakistan) છે પણ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) બંને દેશ વચ્ચેની રાજકીય તંગદીલીને કારણે ત્યાં જવા ઇચ્છુક નથી.

  • ભારતમાં વન ડે વર્લ્ડકપ રમાવાનો હોવાથી એશિયા કપને પણ 50 ઓવરના ફોર્મેટમાં આયોજીત કરાશે
  • એશિયન ક્રિકેટ કાઉન્સીલ દ્વારા જાહેર 2023-2024ના બે વર્ષના કેલેન્ડરમાં વન ડે અને ટી-20 મળીને 145 મેચ રમાશે
  • આ વર્ષે એશિયા કપનું મૂળ યજમાન પાકિસ્તાન છે પણ બીસીસીઆઇ બંને દેશ વચ્ચેની રાજકીય તંગદીલીને કારણે ત્યાં જવા ઇચ્છુક નથી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના તત્કાલિન અધ્યક્ષ રમીઝ રાજાએ બીસીસીઆઇના એ વલણનો વિરોધ કર્યો હતો અને ભારતમા રમાનારા વન ડે વર્લ્ડકપના બહિષ્કારની ધમકી સુદ્ધા ઉચ્ચારી હતી. પીસીબીમાં જો કે સત્તા પરિવર્તન પછી રમીઝના સ્થાને નજમ સેઠીના આવવાથી થોડો હકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે. એશિયા કપ 2023માં છ ટીમો હશે, જેમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત શ્રીલંકા, બાગ્લાદેશ, અફઘાનિસ્તાનની સાથે જ એક ક્વોલિફાયર ટીમને તક મળશે.
આ વર્ષે ભારતમાં વન ડે વર્લ્ડકપ રમાવાનો છે અને તેને ધ્યાને લઇને એશિયા કપને પણ 50 ઓવરના ફોર્મેટમાં આયોજીત કરવામાં આવશે. બીસીસીઆઇના સચિવ અને એસીસીના અધ્યક્ષ જય શાહે આગામી બે વર્ષનું કેલેન્ડર બહાર પાડતા કહ્યું હતું કે આ કાર્યક્રમ એ રમતને નવી ઉંચાઇએ લઇ જવાના અમારા અદ્વિતિય પ્રયાસો અને ઝનૂનને દર્શાવે છે. એસીસી દ્વારા થયેલી જાહેરાત અનુસાર 2023-2024ના બે વર્ષના આ કેલેન્ડરમાં 145 વન ડે અને ટી-20 રમાશે. જેમાંથી 75 મેચ 2023માં જ્યારે 70 મેચ 2024માં રમાશે.

Most Popular

To Top