SURAT

સુરતમાં આંખની બીમારીના ચિંતાજનક હદે વધેલા કેસોને કાબુમાં લેવા તંત્રએ લીધો આ નિર્ણય

સુરત: સુરત (Surat) શહેર-જિલ્લામાં આઈ કન્જક્ટિવાઇટિસ (Eye conjunctivitis) કેસોમાં ભારે વધારો થતા EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ (Dhanvantari Arogya Rath) અને MHU (મોબાઈલ હેલ્થ યુનિટ)ના માધ્યમથી અસરગ્રસ્તોને જરૂરી માર્ગદર્શન સારવાર આપવામાં આવી રહી છે.

  • સુરત ગ્રામ્ય વિસ્તારમાં 3 મોબાઇલ હેલ્થ યુનિટ અને શહેરી વિસ્તારોમાં 6 મોબાઇલ હેલ્થ યુનિટ ફરી રહ્યા છે
  • સુરત શહેર અને જિલ્લામાં જૂન અને જુલાઈ મહિનામાં 6012 દર્દીને સારવાર અપાઇ

લોકો જાગૃત થાય માટેના પ્રયાસો કરાયા છે. જૂન અને જુલાઈ મહિનામાં ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ દ્વારા લગભગ જૂન મહિનામાં ૧૦૪૯ દર્દીઓ અને જુલાઈ સુધીમાં ૪૯૬૩ દર્દીઓ મળી આ બે મહિના દરમિયાન કન્જક્ટિવાઇટિસના ૬૦૧૨ દર્દીઓને નિદાન અને નિ:શુલ્ક સારવાર, દવા આપવામાં આવી હતી. ‘ધન્વંતરિ રથ’ની આ ખાસ ઝુંબેશનો ઉદ્દેશ્ય કન્જક્ટિવાઇટિસને ફેલાતો રોકવા અને આમ નાગરિકો, ખાસ કરીને બાંધકામ સાઈટ્સ અને કંપનીઓમાં કામ કરતા શ્રમિકોમાં ચેપ ફેલાતો અટકાવવાનો છે.

EMRI ગ્રીન હેલ્થ સર્વિસના પ્રોજેક્ટ હેડ હરીન્દ્ર વાળાએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ૩ મોબાઈલ હેલ્થ યુનિટ (MHU વાન) આરોગ્ય સેવા આપે છે. જ્યારે સુરતના ઔદ્યોગિક વિસ્તારો, બાંધકામ સાઈટ્સ પર ૬ મોબાઈલ હેલ્થ યુનિટ (MHU શ્રમ) ફરી-ફરીને શ્રમિકોને નિદાન સારવાર આપે છે.

જ્યારે ૧૪ ધન્વંતરિ આરોગ્ય રથ શહેરી વિસ્તારમાં ફરી તાવ સહિતની વિવિધ બીમારીઓમાં જનરલ હેલ્થ ચેક અપ, લેબોરેટરી જેમાં બ્લડ અને યુરિન ટેસ્ટ કરી દવા-સારવાર આપવામાં આવે છે. પ્રત્યેક રથમાં મેડિકલ ઓફિસર, લેબ ટેકનિશીયન, કાઉન્સેલર, ફાર્માસિસ્ટ, પેરામેડિકની ટીમ ફરજ બજાવે છે. હાલ આંખો આવવાની બીમારી ફેલાતા તેના નિદાન સારવારમાં વિશેષ ધ્યાન આપી રહ્યા છીએ.

મોબાઈલ હેલ્થ યુનિટના પ્રશિક્ષિત તબીબી સ્ટાફની સમર્પિત ટીમો સઘન આરોગ્ય ઝુંબેશ સાથે જાગૃતિ શિબિરો યોજી જરૂરિયાતમંદોને સ્થળ પર જ નિદાન અને સારવાર આપી રહી છે. સ્થાનિક અધિકારીઓ, આગેવાનો અને લોકોના સહયોગથી ધન્વંતરિ આરોગ્ય રથની સેવા અસરકારક બની રહી છે. આંખના રોગ સામે જાગૃત રહેવું, યોગ્ય કાળજી રાખવી અને આંખ આવવા સંબંધિત કોઈપણ લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી નિદાન કરાવવું અને દવા લેવી હિતાવહ છે.

Most Popular

To Top