Gujarat

ગુજરાતી ફિલ્મોના ત્રણ વર્ષના શ્રેષ્ઠ ચલચિત્ર સહિત 46 શ્રેણીના 110 પારિતોષિક જાહેર

ગાંધીનગર: રાજ્ય સરકારે ગુજરાતી ચલચિત્રોના (Gujarati Film) વિકાસ-પ્રોત્સાહન માટે ‘ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-૨૦૧૯’ ઘડી છે. તદ્અનુસાર રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ગુજરાતી ચલચિત્રોના વિવિધ ક્ષેત્રોમાં કુલ ૪૬ કેટેગરીને લક્ષમાં લઇને પાછલા ત્રણ વર્ષના પારિતોષિકો (Rewards) જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૦, ૨૦૨૧ અને ૨૦૨૨ એમ ત્રણ વર્ષમાં સિનેમા ગૃહોમાં પ્રદર્શિત થયેલા ચલચિત્રો માટે પારિતોષિકો એનાયત કરવા સંદર્ભે જે ચલચિત્રોની એન્ટ્રી આવેલી તેને ધ્યાને રાખી, રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા દ્વારા જે તે વર્ષના પારિતોષિકોની જાહેરાત કરવામાં આવી છે.

આ પારિતોષકોમાં વર્ષ ૨૦૨૦ માટે શ્રેષ્ઠ ચલચિત્ર ‘લવની લવ સ્ટોરી’, શ્રેષ્ઠ લોકપ્રિય ચલચિત્ર ‘ગોળ કેરી’, શ્રેષ્ઠ અભિનેતા મલ્હાર ઠાકર (ગોળ કેરી ફિલ્મ માટે) શ્રેષ્ઠ અભિનેત્રી કિંજલ રાજપ્રિયા (કેમ છો? ચલચિત્ર માટે)ને જાહેર કરવામાં આવ્યા છે. આ જ રીતે વર્ષ ૨૦૨૧ માટે શ્રેષ્ઠ ચલચિત્ર ‘કોઠી ૧૯૪૭’, શ્રેષ્ઠ લોકપ્રિય ચલચિત્ર ‘દીવા સ્વપ્ન’, શ્રેષ્ઠ અભિનેતા આદેશસિંઘ તોમર (ડ્રામેબાજ ફિલ્મ માટે), શ્રેષ્ઠ અભિનેત્રી ડેનિશા ગુમરા (ભારત મારો દેશ છે ફિલ્મ માટે)ને જાહેર કરવામાં આવ્યા છે. આ જ રીતે વર્ષ ૨૦૨૨ માટે શ્રેષ્ઠ ચલચિત્ર ‘ઓમ મંગલમ સિંગલમ’, શ્રેષ્ઠ લોકપ્રિય ચલચિત્ર ‘ફક્ત મહિલાઓ માટે’, શ્રેષ્ઠ અભિનેતા યશ સોની, શ્રેષ્ઠ અભિનેત્રી આરોહી પટેલ (ફક્ત મહિલાઓ ફિલ્મ માટે)ને જાહેર કરવામાં આવ્યા છે.

રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ પારિતોષિકોમાં વર્ષ વર્ષ ૨૦૨૦ માટે ૩૪, વર્ષ ૨૦૨૧ માટે ૩૬ અને વર્ષ ૨૦૨૨ માટે ૪૦ પારિતોષિક મળી કુલ ૧૧૦ પારિતોષિક જાહેર કરાયા છે. ‘ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-૨૦૧૯’ અંતર્ગત રચાયેલી ‘ચલચિત્ર પરીક્ષણ સમિતિ’ દ્વારા કરવામાં આવેલા પરીક્ષણ બાદ પસંદગી પામેલા ચલચિત્રોને આ પારિતોષિક તથા રોકડ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યા છે. માહિતી નિયામકની કચેરી દ્વારા પ્રાપ્ત દરખાસ્ત અનુસાર કુલ ૧૮ ગુજરાતી ચલચિત્રોને પરીક્ષણ સમિતિના ગુણાંકનના આધારે આર્થિક સહાય ચૂકવવાનું જાહેર કરવામાં આવ્યું છે. ચલચિત્ર પરીક્ષણ સમિતિની બેઠકમાં કુલ ૧૮ ચલચિત્રનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ૧૮ ચલચિત્રોને કુલ રૂ. ૩,૫૨,૦૬,૩૮૬/- ની આર્થિક સહાય ચૂકવવાની મંજૂરી માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આપવામાં આવી છે.

આ ફિલ્મો, અભિનેતા-અભિનેત્રીને પારિતોષિક

•વર્ષ ૨૦૨૦: શ્રેષ્ઠ ચલચિત્ર ‘લવની લવ સ્ટોરી’, શ્રેષ્ઠ લોકપ્રિય ચલચિત્ર ‘ગોળ કેરી’, શ્રેષ્ઠ અભિનેતા મલ્હાર ઠાકર, શ્રેષ્ઠ અભિનેત્રી કિંજલ રાજપ્રિયા
•વર્ષ ૨૦૨૧: શ્રેષ્ઠ ચલચિત્ર ‘કોઠી ૧૯૪૭’, શ્રેષ્ઠ લોકપ્રિય ચલચિત્ર ‘દીવા સ્વપ્ન’, શ્રેષ્ઠ અભિનેતા આદેશસિંઘ તોમર, શ્રેષ્ઠ અભિનેત્રી ડેનિશા ગુમરા
•વર્ષ ૨૦૨૨: શ્રેષ્ઠ ચલચિત્ર ‘ઓમ મંગલમ સિંગલમ’, શ્રેષ્ઠ લોકપ્રિય ચલચિત્ર ‘ફક્ત મહિલાઓ માટે’, શ્રેષ્ઠ અભિનેતા યશ સોની, શ્રેષ્ઠ અભિનેત્રી આરોહી પટેલ

Most Popular

To Top