Comments

પગાર અને પેન્શન ખરેખર બોજારૂપ છે?

જૂની પેન્શન યોજનાની માંગ મજબૂત આંદોલન બનતી જાય છે. તેમાં પણ રાજસ્થાન અને ઝારખંડમાં રાજય સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવાના વાયદા કર્યા અને શરૂ કરવાનાં પગલાં પણ લીધાં એટલે અન્ય રાજયોમાં પણ નવી પેન્શન યોજનામાં આવનારા કર્મચારી જૂની પેન્શન યોજનાની માંગણી કરવા લાગ્યા. વળી આ રાજયોમાં ચૂંટણી પણ નજીકમાં છે માટે રાજકીય દબાણ ઊભું કરવા માટે આંદોલને વેગ પકડયો છે. મિશ્ર અર્થતંત્રવાળા ભારતમાં સમાજવાદ તરફ ઢળેલી સરકારે કર્મચારી કલ્યાણનો વિચાર કરી પ્રોવિડંટ ફંડ અને કર્મચારીના ફાળાની વ્યવસ્થા ઊભી કરી તથા નિવૃત્તિ બાદ કર્મચારીને એક સંરક્ષિત આર્થિક રાશી મળે તે માટે પેન્શન યોજના બનાવી.

કર્મચારીના મૃત્યુ બાદ તેની પત્નીને પણ આશરો મળે, પુખ્ત ઉંમરનાં ન થાય ત્યાં સુધી બાળકોને પણ રક્ષણ મળે તેવી કલમો સાથે પેન્શન યોજના ચલાવી. પહેલાં પગારો ઓછા હતા. સરકારી તંત્ર હજુ વિકસતું હતું. કર્મચારીઓ ભરતી થતાં હતાં એટલે નિવૃત્તિને વાર હતી. પગાર ખર્ચ હતો. પેન્શન ખર્ચ નહીંવત્ હતો. સરકારને જાહેર મૂડી રોકાણ માટે જનરલ પ્રોવિડંટ ફંડમાં કર્મચારીએ જમા કરાવેલા નાણાં વાપરવા મળતા. કર્મચારી એક નિયમબધ્ધ પગારવધારા સાથે કામ કરતો. નિવૃત્ત થાય એટલે જી.પી.એફ.ના નાણાં મળતાં અને લગભગ પગારના 50 ટકા જેટલું પેન્શન મળતું.

સમય વીત્યો, 1960 માં નિમણૂક પામેલા 1985 થી 1990 ના ગાળામાં નિવૃત્ત થવા લાગ્યાં. કેન્દ્ર, રાજય અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના કર્મચારીઓ, લશ્કરના નિવૃત્ત જવાનો આંકડો વધવા લાગ્યો. જી.પી.એફ.માંથી ઉપાડ વધ્યો. પેન્શન લેતાં લોકોની સંખ્યા વધી. ભારતમાં વિકાસ થયો એટલે સરેરાશ આયુષ્ય વધ્યું. 58 વર્ષે નિવૃત્ત કર્મચારી 88 વર્ષ જીવે તો ત્રીસ વરસની નોકરી સામે ત્રીસ વર્ષ પેન્શન લેવાના કિસ્સા વધ્યા. સાથે સાથે પગાર પંચ આવ્યા. વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થાં જાહેર થવા લાગ્યાં.

પરિણામે સરકારના વહીવટીય ખર્ચમાં પગાર અને પેન્શનની રકમ વધવા લાગી. જો કે જયાં સુધી સરકાર સમાજવાદ તરફ ઢળેલી હતી સરકારી તંત્ર મોટું હતું ત્યાં સુધી આ મુદ્દો ચર્ચાનો વિષય ન હતો. પણ 1991 માં ભારતે આર્થિક વિચારધારામાં પરિવર્તન કર્યું. ખાનગીકરણ અને ઉદારીકરણ આવ્યું. વિદેશી દબાણ ઊભાં થયાં. ‘તમારા દેશમાંન  સરકારી ખર્ચ ખૂબ છે, ઘટાડો! જેવી સલાહો મળવા લાગી અને સરકારે કરકસરનાં પગલાં વિચારવાનું શરૂ કર્યું. અધિકારીઓને કોઇક કાનમાં કહી ગયું કે પગાર અને પેન્શન પાછળ ખર્ચ ઘટાડો!

ખાનગી ક્ષેત્રને કાર્યક્ષમ લોકોની જરૂર હતી. સરકારમાં ઊંચા પગાર અને પેન્શનનું રક્ષણ હતું. એટલે સારા કાર્યક્ષમ લોકો સરકારી નોકરી પ્રિફર કરતા. આ મોહજાળ તોડવા માટે રમત રમાઇ અને ચારે બાજુ શોર શરૂ થયો કે ‘સરકારને પગાર અને પેન્શન બોજારૂપ છે!’ સામાન્ય પ્રજાને આ વાત ગળે ઊતરી! અધિકારીઓએ સરકારને પણ ‘માર્ગદર્શન’ આપ્યું. પહેલું પગલું આવ્યું નવી ભરતી રોકી દેવી. બીજું પગલું આવ્યું આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાકટથી માણસો રાખવા અને ત્રીજું પગલું આવ્યું નવા ભરતી થાય તે કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના બંધ કરવી અને નવી શરૂ કરવી, જેમાં સરકારને બોજો ન હોય!

પહેલાં ભરતી ન કરવી. કરવી જ પડે તો બે ત્રણ વરસ મોડી કરવી અને ભરતી કરીએ ત્યારે ત્રીજા-ચોથા વર્ષમાં ફિકસ પગાર આપવો! અને નિવૃત્તિ સમયે પેન્શન ન આપવું. આ ‘કહેવાતી કરકસરનું આયોજન પૂર્વકનું કામ છે. આજે 2004 પછી નિમણૂક પામેલા કર્મચારીઓ હવે નિવૃત્તિ નજીક આવતાં ભયમાં આવ્યા છે કે 2030 પછી નિવૃત્ત જીવન ગાળીશું કેમ! શરૂઆતમાં આકર્ષક લાગતી નવી પેન્શન યોજનાના પણ સંભવિત પેન્શનના આંકડા સામે આવવા લાગ્યા છે. માટે આંદોલનો શરૂ થયાં છે. મજાની વાત એ છે કે આપણા સાંસદો-ધારાસભ્યોને પેન્શન મળે છે. 2004 પછીનાને પણ મળે છે. અધૂરામાં પૂરું એમને જેટલી ટર્મ ચૂંટાયા હોય, જયાં જયાં ચૂંટાયા હોય તે બધાનું મળે છે. એટલે કે ધારાસભ્ય તરીકે ચૂંટાયા હોય તેનું પેન્શન મળે. પછી સંસદસભ્ય બન્યા હોય તો તેનું પણ પેન્શન મળે છે અને જેને બે-બે પેન્શન લેવા છે તે નેતાઓને કર્મચારીના પેન્શન બોજારૂપ લાગે છે! પણ ખરી વાત એ છે કે પગાર અને પેન્શન બોજારૂપ છે ખરું?

વર્તમાનમાં ભારતમાં 33 લાખ કેન્દ્ર સરકારના કર્મચારી છે. 14 લાખ સૈનિકો છે. 52 લાખ પેન્શનર છે. કુલ સંગઠિત રોજગારીમાં 85 ટકા કેન્દ્ર સરકારના કર્મચારી છે. ભારતમાં 1 લાખ ચાર હજાર કરોડ પેન્શન પાછળ ખર્ચાય છે. મહેસૂલી ખર્ચમાં 7.8 ટકા પગાર પાછળ અને 4.6 ટકા પેન્શન પાછળ ખર્ચાય છે. હવે નવી પેન્શન સ્કિમમાં લગભગ 22 લાખ કેન્દ્રના કર્મચારી, 51 લાખ રાજયના અને કોર્પોરેટ તથા અન્યના 27 લાખ ખાતાધારકો છે. મતલબ કે એક કરોડથી વધુ કર્મચારીઓ નવી પેન્શન સ્કિમ છે.

હવે મૂળ વાત 140 કરોડના દેશને ચલાવવા કેટલા કર્મચારીઓ જોઇએ? જો આપણે માનીએ કે 3 ટકા તો મીનીમમ જોઇએ તો લગભગ 4.5 કરોડ કર્મચારીઓ જોઇએ. દેશમાં હાલ માંડ 2 કરોડ કર્મચારીઓ નથી. છેલ્લાં વીસ વર્ષથી સરકાર ક્રમશ: જગ્યાઓ ઘટાડી રહી છે એટલે પૂરા દોઢ કરોડ કર્મચારી નથી. પગારના રૂપિયા તો બચ્યા જ છે અને પેન્શનના બચવાના છે. પણ દેશના 40 લાખ કરોડના વાર્ષિક બજેટમાં 1 લાખ કરોડ એ બોજારૂપ કેવી રીતે બને? ઉલ્ટાનું ચિંતા તો એ વાતની થવી જોઇએ કે 2030 પછી નિવૃત્ત થતાં કરોડો કર્મચારી પાસે પેન્શન નહીં હોય તો એમનાં કુટુંબો ગરીબી રેખાથી પણ નીચે આવી જશે!

પેન્શન કરતાં પણ પેન્શન વગરની વસ્તી અને કુટુંબો વધારે બોજારૂપ બનશે. વળી કર્મચારીને આપવામાં આવતો પગાર કે પેન્શન અંતે તો હોટલોમાં, મલ્ટીપ્લેક્ષમાં, બેંકમાં, બજારમાં જવાનો છે. જો પ્રજાની આવક ઘટશે તો પ્રજાનું ખર્ચ ઘટશે. પ્રજાનું ખર્ચ ઘટશે તો વપરાશી વસ્તુના બજાર પછીનાં બજારો ધીમા પડશે. આ ચક્રાકાર અસર છે. સરકારે ગંભીર રીતે રાજય કક્ષાએ પક્ષાપક્ષીના રાજકારણથી ઉપર જઇને પેન્શન-પગાર વિશે ચર્ચા કરવાની જરૂર છે. ભારતમાં અત્યારે મહેસુલ વિભાગમાં 45 ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે. ગુજરાતમાં વસ્તી સાત કરોડે પહોંચશે અને કર્મચારી પૂરા પાંચ લાખ નથી! લખી રાખજો! આ કરકસર નડશે! રોજગારી-પગાર-પેન્શન એ માત્ર મેળવનારનો મુદ્દો નથી. આખા સમાજનો મુદ્દો છે. રાજકારણથી ઉપર ઊઠીને ખુલ્લા ટેબલ પર આંકડાઓ સાથે ચર્ચા કરવામાં આવશે તો પગાર અને પેન્શન ખરેખર બોજારૂપ છે કે નહીં તે સમજાઇ જશે!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top