Editorial

રાણીનાં અવસાન સાથે બ્રિટનમાં પ્રતિકાત્મક રાજાશાહીનો અંત આવશે એવી અટકળો ખોટી પડી?

આઠમી સપ્ટેમ્બરે ભારતીય સમય પ્રમાણે રાત્રે અગિયાર વાગ્યા પછી એક સમાચાર આવ્યા કે બ્રિટનના રાણી એલિઝાબેથનું અવસાન થયું છે. આ અવસાનના સમાચાર થોડા અણધાર્યા હતા. આમ તો મહારાણી ૯૬ વર્ષના હતા એટલે તેઓ  કસમયે અવસાન પામ્યા તેવું તો કહેવાય નહી પરંતુ આટલી વૃદ્ધ વયે પણ તેઓ સક્રિય હતા, અવસાનના બે દિવસ પહેલા તો તેમણે યુ.કે.ના નવા વડાપ્રધાન લિઝ ટ્રસને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું. જો કે આ વિધિ વખતે જ રાણી  એલિઝાબેથ ઘણા નબળા અને મંદ પડી ગયેલા જણાતા હતા, છતાં બે દિવસમાં જ તેમનું અવસાન થઇ જશે એવું લાગતું ન હતું.

સ્થાનિક સમયે બપોરે મહારાણીની તબિયત બગડી, ડોકટરોએ સ્કોટલેન્ડના બાલ્મોરલ કેસલના તેમના મહેલમાં  જ તેમની સારવાર શરૂ કરી અને થોડા કલાકોમાં તો મહારાણી એલિઝાબેથે આ દુનિયામાંથી વિદાય લઇ લીધી. બ્રિટિશ મહારાણીના અવસાન સાથે જ તેમના પુત્ર અને પાટવી કુંવર પ્રિન્સ ચાર્લ્સ આપમેળે બ્રિટનના રાજા બન્યા. જો કે તેઓ આ  સમયે અઘોષિત રાજા હતા પરંતુ શનિવારે એટલે કે દસ એપ્રિલે પ્રિન્સ ચાર્લ્સને વિધિવત રીતે બ્રિટનના નવા રાજવી ઘોષિત કરાયા તે સાથે એવી અટકળોનો પણ અંત આવી ગયો કે રાણી એલિઝાબેથના અવસાન સાથે બ્રિટનમાંથી  રાજાશાહીનો પણ અંત આવી જશે. કેટલાક સમય પહેલા એવી થોડીક અટકળો શરૂ થઇ હતી કે પોતાની માતાના અવસાન પછી પ્રિન્સ ચાર્લ્સ તાજ સ્વીકારશે નહીં અને બ્રિટનમાં જે પ્રતિકાત્મક પરંતુ ખર્ચાળ રાજાશાહી ચાલી રહી છે તેનો અંત  આવી જશે પરંતુ આવું કશું થયું નહીં.

બ્રિટન આમ તો વિશ્વનો એક અગ્રણી લોકશાહી દેશ છે અને ત્યાં લાંબા સમયથી લોકશાહી પ્રસ્થાપિત છે પરંતુ ત્યાં પ્રતિકાત્મક રીતે રાજાશાહીને પણ ટકાવી રાખવામાં આવી છે. ત્યાં સરકારના વડા તરીકે વડાપ્રધાન હોય છે પરંતુ રાષ્ટ્રના વડા  રાજા કે રાણી ગણાય છે. આ રાજાશાહીના વિરુદ્ધમાં ત્યાં પ્રજાના એક નોંધપાત્ર વર્ગમાં ગણગણાટ ચાલે જ છે પરંતુ પ્રજાનો ઘણો મોટો વર્ગ રાજકુટુંબનો ચાહક છે.

બ્રિટનમાં અને યુરોપના બીજા કેટલાક દેશોમાં પ્રતિકાત્મક રાજાશાહી હજી ચાલુ  છે. ત્યાં સદીઓ પહેલા રાજા કે રાણી જ શાસકો હતા. પરંતુ બાદમાં લોકશાહી સ્થપાઇ પરંતુ બ્રિટન સહિતના કેટલાક દેશોમાં પ્રતિકાત્મક રાજાશાહી ચાલુ રહી. યુરોપના રાજાઓએ લોકશાહીને મજબૂત કરવામાં મોટો ફાળો આપ્યો છે અને  વહીવટી બાબતોમાં ભાગ્યે જ ચંચૂપાત કર્યો છે જે તેમને ન્યાય આપવા ખાતર પણ કહેવું પડે. પરંતુ આ રાજાશાહી ઘણી મોંઘી પડે છે. બ્રિટન સહિતના આ દેશોમાં રાજા એ દેશનો બંધારણીય વડો ગણાય છે જેમ આપણે ત્યાં રાષ્ટ્રપતિ હોય છે  તેમ. જો કે તેઓ માત્ર નામના વડા હોય છે, બધો વહીવટ વડાપ્રધાન ચલાવે છે.

પરંતુ રાજા કે રાણી અને રાજકુટુંબને, તેમની મિલકતો અને તેમના ઠઠારાઓને નભાવવામાં ઘણો મોટો ખર્ચ થાય છે અને કરદાતાઓના નાણામાંથી કરવામાં  આવતા આ ખર્ચ સામે કેટલાક લોકો નારાજગી વ્યક્ત કરે છે પરંતુ રાજકુટુંબનો ચાહક વર્ગ એટલો મોટો છે કે આ વિરોધીઓનું કશું ઉપજતું નથી. બ્રિટનમાં હાલ મહારાણી એલિઝાબેથના અવસાન પછી કેટલા બધા ગુલદસ્તાઓ મહેલના  દરવાજે અને બાજુના બગીચામાં મૂકાયા અને કેટલાક બધા લોકો રાજમહેલ પર ઉમટી પડ્યા તે રાજકુટુંબ તરફ લોકોની ચાહના દર્શાવે છે આથી જ કદાચ પ્રિન્સ ચાર્લ્સે રાજાશાહીનો અંત લાવવાનું ટાળ્યું હોય અને પોતે રાજા પદ સ્વીકારી લીધું  હોય.

જો કે બ્રિટનની પ્રજા ભલે રાજકુટુંબને ચાહતી હોય અને તેમને રાજવી પદેથી દૂર કરવા માગતી ન હોય પરંતુ વિશ્વમાં ચૌદ જેટલા દેશો એવા છે કે જ્યાં હજી પણ બ્રિટનના રાજા જ બંધારણીય વડા ગણાય છે ત્યાં હવે બ્રિટિશ રાજાશાહીીીનો અંત આવી શકે છે. આ દેશો એ બ્રિટન દ્વારા ભૂતપૂર્વ  શાસિત દેશો છે. જો કે આમ તો બ્રિટન દ્વારા શાસિત કુલ પ૪ દેશોનો સમૂહ કોમનવેલ્થ કહેવાય છે જેમાં ભારત સહિત અનેક દેશો આવી જાય છે પરંતુ ભારત અને બીજા અનેક દેશોએ આઝાદી મળવાની સાથે બ્રિટનના રાજવીને પોતાના વડા  તરીકે ગણવાનું બંધ કર્યું છે પરંતુ કેનેડા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિત કેટલાક દેશો એવા છે કે તેમના દેશના બંધારણીય વડા હજી પણ બ્રિટનના રાજવી જ ગણાય છે. થોડા સમય પહેલા કેરેબિયન દેશ બાર્બાડોસે પોતાને પ્રજાસત્તાક જાહેર  કરીને બ્રિટનના રાણીને પોતાના વડા તરીકે સ્વીકારવાનું બંધ કર્યું. હવે કેનેડા પણ એ જ માર્ગે જણાય છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં પણ ગણગણાટ છે. લાગે છે કે વિશ્વના ૧૪ દેશો ધીમે ધીમે કરીને બ્રિટનના રાજવીને પોતાના વડા તરીકે  સ્વીકારવાનું બંધ કરી દેશે.

Most Popular

To Top