Madhya Gujarat

બોગસ લગ્ન નોંધણીમાં અરજદારો પણ જવાબદાર

આણંદ : તારાપુર તાલુકાના ખાખસર, વલ્લી, સાંઠ, રેલ અને જીણજ ગામના તલાટી કમ મંત્રી તરીકે ચાર્જમાં રહેલા એ.એન. મકવાણાએ પોતાની ફરજ દરમિયાન 1804 જેટલા બોગસ લગ્ન કરાવ્યાં હતાં. આ અંગે ઉચ્ચ સ્તરીય તપાસ બાદ તલાટી ઉપરાંત અરજદારોને પણ સાંણસામાં લેવામાં આવ્યાં છે. આ અંગે તારાપુર તાલુકા વિકાસ અધિકારીએ તલાટી અરવિંદ નટુ મકવાણા અને ખોટા લગ્ન નોંધણી કરનારા અરજદારો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તારાપુર તાલુકા વિકાસ અધિકારી ઘાસુરા અલ્લારખાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રેલ, વલ્લીના તલાટી અરવિંદ નટુ મકવાણા હાલ ફરજ મોકુફી હેઠળ છે. જેણે તલાટી કમ મંત્રી તરીકે સાંઠ, જીણજ, રેલ, વલ્લી અને ખાખસર સેજાઓની કામગીરીના સમયગાળા 25મી સપ્ટેમ્બર,2007 થી 30મી મે,2022 દરમિયાન લગ્ન નોંધણી અધિનિયમની કાયદાની જોગવાઇઓની કામગીરીમાં અનેક ગેરરીતિ આચરી હતી.

ખાસ કરીને છ કેસ એવા છે કે જેમાં વર અને કન્યા પક્ષના અલગ અલગ ધર્મના છે. આમ છતાં સક્ષમ કક્ષાએ નોંધણી કરવામાં આવી નથી. પરવાનગી મેળવી નથી. 20 જેટલા કિસ્સામાં લગ્ન સ્થળ ગ્રામ પંચાયત બહાર હોવા છતાં લગ્ન નોંધણી કરવામાં આવી છે. તેવી જ રીતે 14 કેસમાં લગ્ન સ્થળ અંગે પૂર્ણતઃ ખાતરી કર્યા વગર લગ્ન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યાં છે અને આધાર પુરાવા (કંકોત્રી, એફિડેવીટ) મેળવવામાં આવ્યાં નથી. 10 કેસમાં વર – કન્યા પક્ષના ઉંમર અંગેના પુરાવા મેળવ્યાં નથી. લગ્ન યાદીમાં લગ્ન નોંધણી રજીસ્ટ્રાર દ્વારા શેરો માર્યો નથી.

આશ્ચર્યજનક બાબત એ છે કે, તપાસ દરમિયાન સાંઠ, ખાખસર, વલ્લી, રેલ ખાતે નોંધવામાં આવેલા લગ્નોમાં વારંવાર ઉલ્લેખ થયેલા લગ્ન સ્થળની રૂબરૂ તપાસ કરવામાં આવી હતી. જેમાં સરપંચ, હાલના તલાટી સહિતનું નિવેદન લેવામાં આવ્યું હતું. જેમાં સાંઠ, ખાખસર તેમજ વલ્લી લગ્ન યાદીમાં દર્શાવેલા મંદિરોમાં સ્થાનિક કક્ષાએ તપાસ કરતા કોઇ લગ્ન થયાં નથી. જેનું સમર્થન પણ મળ્યું છે. જ્યારે રેલ ખાતે બહારના ગામોમાંથી લગ્ન અર્થે લોકો આવે છે. ઉચ્ચ સ્તરીય તપાસ દરમિયાન એ.એન. મકવાણાના ફરજ દરમિયાન સાંઠમાં 365, જીણજમાં 5, રેલમાં 1193, વલ્લીમાં 113 અને ખાખસરમાં 8 એમ મળી કુલ 1804 જેટલા ઘણી મોટી સંખ્યામાં લગ્નની નોંધણી કરવામાં આવી છે. જે આશ્ચર્યજનક બાબત છે.

સાત જેટલા બાળ લગ્ન પણ ધ્યાનમાં આવ્યાં

  • વરપક્ષ તરફથી રજુ કરવામાં આવેલી કંકોત્રીમાં લગ્ન તારીખ 8મી એપ્રિલ,2008ને સોમવાર લખેલ છે. જે તારીખના વર્ષમાં ચેકચાક કરીને વર્ષ 2010 કરી છે. જે કંકોત્રીમાં દર્શાવેલા કેલેન્ડર વર્ષ સાથે દર્શાવેલા વાર સોમવાર સુસંગત નથી. કંકોત્રીમાં દર્શાવેલી લગ્ન તારીખે વરપક્ષની ઉંમર પણ થતી નથી. રજુ કરેલી કંકોત્રીમાં લગ્ન સ્થળ બાબતની સ્પષ્ટતા પણ થઇ નથી. આમ, રજુ કરેલી કંકોત્રી તથા લગ્ન યાદીમાં દર્શાવેલ લગ્ન તારીખમાં વિસંગતતા જણાય છે.
  • સાંઠ ગામમાં વરપક્ષ નરેન્દ્ર ચતુર શર્મા (તારાપુર)ના એલસીમાં જન્મ તારીખ 17/01/1985, કન્યાપક્ષ વિપુલાબહેન છગનભાઈ લિમ્બાચીયા (ધોળકા)ના લગ્ન જન્મ તારીખ 1983 છે. આમ નોંધણી સમયે વરપક્ષની ઉંમર 17 વર્ષ છે.
  • સાંઠ ગ્રામ પંચાયતમાં વરપક્ષ જાદવ કનુ ભુરા (વટવા)ની એલસી મુજબ જન્મ તારીખ 1979, કન્યા પક્ષના રાઠોડ ઉર્મિલાબહેન ભીખુભાઈ (સાંઠ)ની જન્મ તારીખ 1982 છે. પરંતુ તે લગ્નની તારીખે વર – કન્યા સગીર વયના જણાય છે.
  • સાંઠ ગ્રામ પંચાયતમાં વરપક્ષ પરમાર અરવિંદકુમાર મહેન્દ્રસિંહ (મજાણતા, પાદરા) એલસી મુજબ જન્મ તારીખ 1986, કન્યા પક્ષ પઢીયાર મંજુલાબહેન રમણભાઈ (કારેલી, ભરૂચ)ની જન્મ તારીખ 1992 છે. લગ્નની તારીખે કન્યા 17 વર્ષ (સગીર) છે.
  • રેલ ગ્રામ પંચાયતમાં વરપક્ષ દેલીવાળા જીગ્નેશકુમાર રૂગનાથભાઈ (બોટાદ), કન્યા પક્ષ મકવાણા ઇલાબહેન કાન્તીભાઈ (માતર)ના લગ્ન રજીસ્ટરમાં તારીખ 2014ની છે. જ્યારે લગ્ન યાદી તથા તેની સાથે રજુ કરેલા સોગંદનામામાં લગ્નની તારીખ 2015 સુધારો કર્યો છે. જે અંગે કોઇ નોટીસ, અરજદારના ઇનિશ્યલ સિગ્નેચર મેળવ્યા નથી. કન્યાપક્ષના રજુ કરેલા રહેઠાણના પુરાવા લગ્ન બાદના છે. લગ્ન યાદીમાં દર્શાવેલા રહેઠાણ અંગે કોઇ પુરાવાઓ મેળવ્યાં નથી. આ ઉપરાંત લગ્ન નોંધણી સમયે કન્યાની ઉંમર 18 વર્ષ પૂર્ણ થતી નથી.
  • રેલ ગ્રામ પંચાયતમાં અઢિયેલ હિતેશ રમણભાઈ (વણસોલ)ના લગ્ન સોઢા પારૂલબહેન ભવાનસિંહ (મહેમદાવાદ)ના લગ્ન નોંધણીમાં તારીખ દર્શાવી છે. પરંતુ સ્થળ અંગે રજુ કરેલી એફિડેવીટમાં લગ્ન તારીખ દર્શાવી છે. તેમાં વિસંગતતા છે. વર કન્યા બન્ને સગીર વયના છે. લગ્નના તમામ પક્ષકારો રેલ ગામ સિવાયના બહારગામના છે.
  • રેલ ગ્રામ પંચાયતમાં ભાનુશાલી મહેશકુમાર દયાલજી (વાસદ) અને ભાનુશાલી જીજ્ઞાબહેન છગનલાલ (માંડવી)માં લગ્ન તારીખના રોજ કન્યા લગ્નની તારીખે ઉંમર સગીરવયની છે. આ ઉપરાંત તમામ પક્ષકારો રેલ ગામ સિવાયના બહારગામના છે.

Most Popular

To Top