Dakshin Gujarat

ઝેરી ડંખ મારતી મધમાખીઓ અંકલેશ્વરના આ મુસ્લિમ પરિવારની સભ્ય બની ગઈ

અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરના અંદાડા ગામનો એક મુસ્લિમ પરિવાર મધમાખીઓ (Honey Bee) માટે પાણીની પરબની ગરજ સારી રહ્યો છે. ઘરના વાડામાં ઝાડ (Tree) પર આવેલા મધપૂડા (Honeycomb) પર બાઝતી માખીઓ આ પરિવારની જાણે સભ્ય બની ગઈ છે. અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ (Village) ખાતે રહેતા મોહમદ મુલતાની અને તેમની માતા મુનેરાબેન મુલતાનીની અનોખી સેવાએ લોકોમાં કુતૂહલ સર્જી દીધું છે. મધમાખીને ઊડતી જોતાની સાથે જ સ્વબચાવ માટે સુરક્ષિત સ્થળ પર દોડી જવાનું મન થાય ત્યારે આ પરિવાર માટે મધમાખી સભ્ય જ બની ગઈ હોય એવો આભાસ થઇ રહ્યો છે.

  • અંકલેશ્વરમાં એક મુસ્લિમ પરિવાર મધમાખીને પાણી પીવડાવીને તૃપ્ત કરે છે
  • મુસ્લિમ પરિવાર મધમાખીઓ માટે પાણીની પરબની ગરજ સારી રહ્યો છે
  • ઝેરી ડંખ મારતી મધમાખીઓ પરિવારની સભ્ય બની ગઈ
  • અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે રહેતા મોહમદ મુલતાની અને તેમની માતા મુનેરાબેન મુલતાનીની અનોખી સેવાએ લોકોમાં કુતૂહલ સર્જી દીધું
  • પરિવાર માટે મધમાખી સભ્ય જ બની ગઈ હોય એવો આભાસ થઇ રહ્યો છે

આ મુલતાની પરિવારના વાડામાં ઝાડ છે. જેના પર ચારથી પાંચ જેટલા મધપૂડા આવેલા છે. દિવસ દરમિયાન બણબણ કરતી મધમાખીઓ કાળઝાળ ગરમી સામે રક્ષણ મેળવવા અને પાણીની તરસ છુપાવવા માટે ઘરના વાડામાં રાખેલા પ્લાસ્ટિકના ડ્રમ પર પાણી પીવા માટે બેસતી હતી. પરંતુ ડ્રમની અંદરથી પાણી પીવું એ મધમાખી માટે અશક્ય હતું.

મુનેરાબેને મધમાખીઓને પાણી પીવા માટે કરવો પડતો સંઘર્ષ નજરે જોયો અને તેમને એક વાસણમાં પાણી ભરી ડ્રમ પર રાખ્યું. પરંતુ તેમાંથી પણ મધમાખી માટે પાણી પીવું અશક્ય હતું. ત્યારે મુનીરાબેન અને તેમના પુત્ર મોહમદે પ્લાસ્ટિકના ડ્રમના ઢાંકણમાં જ ડ્રમ ઉપર પાણી ભરવાનું શરૂ કર્યુ અને જોયું કે મધમાખીઓનું ઝૂંડ આવીને પાણી પીવે છે. અને તેમની જીવનશૈલીનો આ નિત્યક્રમ બની ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગરમીની મોસમમાં માણસો માટે જાહેર પરબ અને અબોલ જીવો માટે પણ પાણીનાં કૂંડાંની વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યારે આ મુલતાની પરિવારે મધમાખી માટે પાણીની સેવા શરૂ કરતાં મધમાખી હવે તેમના પરિવારનો એક હિસ્સો બની ગઈ હોય તેવી લાગણી તેઓ વ્યક્ત કરી રહ્યા છે.

Most Popular

To Top