World

અમેરિકા: હવાઈના જંગલમાં ભીષણ આગ, 53ના મોત, 100થી વધુ લોકો જીવ બચાવવા દરિયામાં કૂદી ગયા

અમેરિકાના (America) હવાઈ સ્ટેટના જંગલોમાં (Jungle) લાગેલી આગને કારણે ભારે ખુવારી સર્જાઈ છે. હવાઈના માઉઈ કાઉન્ટીનાં લાહેનામાં લાગેલી ભીષણ આગમાં (Fire) 53 લોકોના મોત થયા છે. હજારો લોકોએ જીવ બચાવવા ત્યાંથી ભાગવું પડ્યું હતું. જ્યારે 100થી વધુ લોકો જીવ બચાવવા દરિયામાં કુદી ગયા હતા. જેમાંથી હજીયે કેટલાક લાપતા બન્યા હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. દક્ષિણમાંથી પસાર થતા ડોરા વાવાઝોડાને (Cyclone) કારણે જંગલમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે ઘણી કાર બળી ગઈ હતી અને ઘણી ઐતિહાસિક ઈમારતો સહિત લગભગ 1000 ઇમારતો કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગઈ હતી. આખી રાત આગની જ્વાળાઓ સતત વધી રહી હતી, જેના કારણે બાળકો અને પુખ્ત વયના લોકોને તેમનો જીવ બચાવવા માટે દરિયામાં કૂદી જવાની ફરજ પડી હતી.

માઉઈ કાઉન્ટીએ બુધવારે મોડી રાત્રે તેની વેબસાઇટ પર અપડેટ કરાયેલા મૃત્યુઆંકની જાહેરાત કરી લખ્યું કે મૃત્યુ અંગેની અન્ય કોઈ વિગતો હાલમાં ઉપલબ્ધ નથી. અગાઉ અધિકારીઓએ કહ્યું હતું કે આગને કારણે 1000થી વધુ ઇમારતો નાશ પામી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટાપુ પર અનેક સ્થળોએ લાગેલી આગને કાબૂમાં લેવા માટે માઉઈ ક્રૂ બુધવારે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. કોસ્ટ ગાર્ડે કહ્યું કે તેણે બે બાળકો સહિત 14 લોકોને બચાવ્યા જેઓ આગ અને ધુમાડાથી બચવા માટે સમુદ્રમાં કૂદી પડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ગંભીર રીતે દાઝી ગયેલા ત્રણ લોકોને ઓહુ ટાપુ પરના સ્ટ્રોબ મેડિકલ સેન્ટરના બર્ન યુનિટમાં લઈ જવામાં આવ્યા હતા. ઓછામાં ઓછા 20 દર્દીઓને માઉઈ મેમોરિયલ મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા અને એક અગ્નિશામકને ધુમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો એમ તેમણે જણાવ્યું હતું.

બીજી તરફ યુએસ કોસ્ટ ગાર્ડ કમાન્ડર અજા કિરકસ્કે સીએનએનને જણાવ્યું હતું કે 100 થી વધુ લોકોએ પોતાનો જીવ બચાવવાના પ્રયાસમાં સમુદ્રમાં કૂદી ગયા હોવાની આશંકા છે. કિરકસ્કે કહ્યું- આગમાંથી નીકળતા ધુમાડાને કારણે હેલિકોપ્ટરના પાયલટોને બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમ છતાં કોસ્ટ ગાર્ડ વેસેલે 50 થી વધુ લોકોને બચાવ્યા છે.

આગને કારણે ફ્લાઈટ્સ રદ
માઉઈ કાઉન્ટીના મેયર રિચાર્ડ બિસેન જુનિયરે બુધવારે સવારે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ટાપુ પર છ લોકોના મૃત્યુ કેવી રીતે અને ક્યાં થયા તેની વિગતો તેમની પાસે નથી. તેમણે કહ્યું કે સત્તાવાળાઓએ હજુ સુધી આગના તાત્કાલિક કારણની તપાસ શરૂ કરી નથી, પરંતુ અધિકારીઓએ સૂકી સ્થિતિ, ઓછા ભેજ અને તીવ્ર પવનને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે 2,100 થી વધુ લોકોએ મંગળવારની રાત આશ્રય કેન્દ્રોમાં વિતાવી. આગને કારણે અનેક ફ્લાઈટ્સ રદ થયા બાદ અન્ય 2,000 મુસાફરોએ કાહુલુઈ એરપોર્ટ પર આશ્રય લીધો હતો.

Most Popular

To Top